રાજસ્થાન, હિમાચલ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ જારી રહ્યો

0
36

ચંદીગઢ-મનાલી હાઈવે ઉપર ભેખડો ધસી પડવાના અનેક બનાવથી વાહનોની લાંબી લાઈનો લાગી : રાજસ્થાનમાં પણ વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ
નવીદિલ્હી, તા. ૨૮
રાજસ્થાન, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ અને જમ્મુ કાશ્મીર સહિત દેશના ૨૧થી વધુ રાજ્યોમાં શનિવાર બાદથી જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. વરસાદના પરિણામ સ્વરુપે ભારે નુકસાન પણ થયું છે. શિમલાથી પ્રાપ્ત અહેવાલ મુજબ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ થયો છે. હિમાચલના મંડીમાં ભારે વરસાદ બાદ ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે ઉપર ત્રણ જગ્યાઓએ ભેખડ ધસી પડવાના બનાવો બન્યા છે જેથી નેશનલ હાઈવેને બંધ કરવામાં આવતા હજારો વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ફસાઈ ગયા છે. હિમાચલમાં ભેખડો ધસી પડવાના કારણે ૫૩થી વધુ રસ્તાઓ બંધ કરીદેવામાં આવ્યા છે. મંડીમાં ૩૬ અને શિમલામાં ૧૭ રોડ બંધ કરવામાં આવ્યા છે. જયપુરથી પ્રાપ્ત અહેવાલ મુજબ રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં પણ ભારે વરસાદનો દોર જારી રહ્યો છે. રાજસ્થાનના શિકર, જયપુર અને ઝુનઝનુ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં અતિભારે વરસાદ પડ્યો છે જેથી નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે. જયપુરમાં પણ બસ્સીમાં ભારે વરસાદ નોંધાયો છે. અજમેરમાં ૬૪ અને કોટામાં ૬૩ મીમી જેટલો વરસાદ નોંધાયો છે જેથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શિકરમાં સૌથી વધુ વરસાદ થયો છે. રાજસ્થાનમાં વરસાદ સંબંધિત બનાવોમાં ૧૩ લોકોના મોત થયા છે. આગામી ૨૪ કલાક દરમિયાન રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. આ ચેતવણી અન્ય ૨૧ રાજ્યોમાં પણ અકબંધ રાખવામાં આવી છે. લખનૌથી પ્રાપ્ત અહેવાલ મુજબ ઉત્તરપ્રદેશના જુદા જુદા ભાગોમાં પણ ભારે વરસાદ થયો છે. આગરામાં જળબંબાકારની સ્થતિ નિચાણવાળા વિસ્તારમાં જાવા મળી રહીછે. આગરામાં ટ્રાફિક સિગ્નલો તુટી પડ્યા છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓરિસ્સામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં હાલત કફોડી બનેલી છે. મધ્યપ્રદેશમાં એક દિવસમાં ૬૪મીમીથી વધુ વરસાદ નોધાયો છે. ભોપાલથી પ્રાપ્ત અહેવાલ મુજબ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વચ્ચે અનેક જગ્યાઓએ પાણી ભરાયા છે. ૬૪મીમીથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. અનેક વિસ્તારોમાં ઢીંચણ સુધીના પાણી ભરાયા હતા. મંદસોર જિલ્લાના મલ્હારગઢમાં ૧૪૦ મીમી સુધીનો વરસાદ નોંધાઈ ગયો છે. અહીં એક મહિનામાં સરેરાશ ૮૨૬ મીમીથી વધુ વરસાદ થાય છે. આગામી ૨૪ કલાક માટે ૧૫ રાજ્યોમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે જેમાં રાજસ્થાન અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરમાં પણ વરસાદના કારણે કથુઆ, ડોડામાં પાણી ભરાયા છે. જમ્મુ એરપોર્ટ ઉપર પણ લોકોને મુશ્કેલી નડી રહી છે. બીજી બાજુ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં હજુ સુધી ૩૦ ટકા ઓછો વરસાદ થયો છે. જયપુરથી પ્રાપ્ત અહેવાલ મુજબ ચુરુ અને ટોંકમાં રહેતા લોકો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા હતા. ટોંકમાં ૮૪મીમીથી વધુ વરસાદ થઇ ગયો છે જેથી ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. જનજીવન ઉપર પણ અસર થઇ છે.