રૂ. 10 કરતા પણ નીચા ભાવે ટ્રેડ થતા શેરોની સંખ્યામાં સતત વધારો

0
32

અમદાવાદ, તા. 10 સપ્ટેમ્બર 2019, મંગળવાર

વિવિધ પ્રતિકૂળતાના પગલે શેરબજારમાં સતત નબળાઈનો ટ્રેન્ડ જારી રહેતા રૂા. ૧૦ કરતા પણ નીચા ભાવે ટ્રેડ થતા શેરોની સંખ્યામાં થયેલો વધારો એ ચિંતાજનક બાબત છે.

બજારના અભ્યાસી વર્તુળોના જણાવ્યા મુજબ દોઢેક વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૮ા પ્રારંભે રૂા. ૧૦ થી નીચા ભાવે ટ્રેડ થતા શેરોની સંખ્યા ૫૦૦ની આસપાસ હતી. જે આજે વધીને ૮૦૦ની સપાટી કુદાવી ગયા છે. આવા શેરોની માર્કેટ કેપમાં પણ ૭૦ ટકાથી વધુનું ધોવાણ થવા પામ્યું છે.

કેલેન્ડર વર્ષ ૨૦૧૯ના પ્રથમ આઠ મહિનામાં સ્મોલ-કેપ ઇન્ડેક્સ ૧૫ ટકા ઘટયો છે અને ૨૦૧૮માં પણ તે ૨૩ ટકા ઘટયો હતો. ૧૫ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ આ ઇન્ડેક્સે બનાવેલી ૨૦,૧૮૩ની સપાટીથી તે હવે ૩૭ ટકા નીચે છે. પ્રર્વતમાન સંયોગો જોવા તેમાં રિકવરીના કોઈ સંકેત પણ દેખાતા નથી. સ્મોલ-કેપ અને મિડ-કેપ સ્ટોક્સની મંદી ઘણી લાંબી ચાલી છે. રૂા. ૧૦થી નીચે ટ્રેડ થતા શેરોમાં તાજેતરમાં સિન્ટેક્સ પ્લાસ્ટિક્સ, કોક્સ & કિંગ્સનો સમાવેશ થાય છે. આ સ્ટોક્સના મૂલ્યમાં ૯૦ ટકા જેટલો ઘટાડો થયો છે.

આ ઉપરાંત યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા, વોડાફોન આઇડીયા, રિલા.પાવર, આરકોપ, સુઝલોન, આઇએફસીઆઇ, શ્રીરામ ઇપીસી, સિટી નેટવકર્સ, હોટેલ લીલા વેન્ચર, પૂંજ લોઇડ, બોમ્બે રેયોન, ફેશન્સ, મેકનેલી ભારત, પાર્શ્વનાથ ડેવલપર્સ, નાગાર્જુન ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ અને રોલ્ટા ઇન્ડિયા જેવા સ્ટોક્સ જોડાયા હતાં.

મિડ-કેપ અને સ્મોલ-કેપ સ્ટોક્માં જે મંદી છવાઈ છે તે દૂર થવાની શક્યતા લાગતી નથી કારણ કે, અર્થતંત્રમાં નરમાઈ છે. આમાંથી ઘણી કંપનીઓ અને તેમના સ્ટોક્સ ક્યારેય રિકવર થાય તેવી શક્યતા નથી એવી ચેતવણી નિષ્ણાંતો એ ઉચ્ચારી હતી.