વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

0
2

શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો

ભારે વરસાદને પગલે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા

રાજ્યમાં ચાર દિવસથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે ત્યારે આજે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને શહેરમાં 10 વાગ્યા બાદ અનેક વિસ્તારમાં ભારે વરસાદ શરુ થયો છે. શહેરમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

ભારે વરસાદને પગલે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા

અમદાવાદમાં સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યુ હતું અને 10 વાગ્યા બાદ અનેક વિસ્તારમાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતી. આ ઉપરાંત શહેરના અનેક રસ્તાઓ પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. શહેરમાં નરોડા, નવા નરોડા, નિકોલ, કૃષ્ણનગર, સૈજપુર, મેસ્કો, શિવરંજની, શ્યામલ, સેટેલાઈટ, વસ્ત્રાપુર તેમજ એસજી હાઈવે પર વરસાદ વરસ્યો હતો જેના પગલે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામ થયો હતો. શહેરમાં પડેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા.

રાજ્યના 2 જિલ્લામાં રેડ અને ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. ગઈકાલે રાત્રે ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને અનરાધાર વરસાદને પગલે ઘ 2 તેમજ પથિકાશ્રમ પાસે પાણી ભરાય ગયા હતા. આ સાથે ગઈકાલે અમદાવાદમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો જેમા વસ્ત્રાપુર,એસ.જી.હાઇવે અને ગોતામાં વરસાદ પડ્યો હતો. રાજ્યમાં હવમાન વિભાગે આગામી 1 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે અને નવસારી અને વલસાડમાં ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયુ છે. આ ઉપરાંત સુરત અને ડાંગ તેમજ તાપીમાં પણ વરસાદની શક્યતાને લઇ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે દાદરા નગર હવેલી અને દમણમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે.