શ્રી રામના નામે પથરા તર્યા તે ચમત્કાર રામમંદિર નિધિ એકત્રિકરણમાં સાચો પુરવાર

0
41
શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિમાં એક કરોડ રુપિયાનો ચેક અર્પણ
શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિમાં એક કરોડ રુપિયાનો ચેક અર્પણ

કાલપુર સ્વામિનારાયણ મંદિર અને બળિયાદેવ ટ્રસ્ટ, લાંભા દ્વારા રૂ.એક-એક કરોડ નિધિ અર્પણ

શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી અધધધ..રૂ. ૧૧૫ કરોડથી વધુનું નિધિ(ભંડોળ-દાન) એકત્ર થયુ : નિધિ એકત્રિકરણની પ્રક્રિયા હજુ તા.૨૭મી ફેબ્રુઆરી સુધી ચાલવાની છે ત્યારે લોકોને ઉદારહાથે ફાળો આપી પુણ્યઘડીમાં સહભાગી બનવા જાહેર અનુરોધ

સુરતના રામકૃષ્ણ ડાયમંડના માલિક ગોવિંદભાઇ ધોળકીયાએ રૂ. ૧૧ કરોડ નિધિમાં અર્પણ કર્યા : રામના નામ પર લોકો ઉદાર હાથ ફાળો આપી રહ્યા છે, દાન-પુણ્યનો અવિરત ધોધ પ્રવાહિત થઇ રહ્યો છે

અમદાવાદ, તા.૫

        સતયુગમાં જ્યારે ભગવાન શ્રીરામના અવતાર વખતે સમગ્ર જગત શ્રી રામમય બની ગયું હતું અને ત્યારે જે ધન્યતા, ઉધ્ધાર અને મુક્તિની જે આધ્યાત્મિક ચેતના પ્રવર્તમાન થઈ હતી બસ કંઇક તે જ પ્રકારની અદભુત, અલૌકિક અને ઐતિહાસિક આધ્યાત્મિક ચેતના અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર નિર્માણને લઈને સમગ્ર દેશમાં વહૈતી  થઈ છે. અયોધ્યા ખાતે ભવ્યાતિભવ્ય અને ઐતિહાસિક રામમંદિર નિર્માણના ઉમદા હેતુસર શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિના નેજા હેઠળ ગુજરાત સહિત દેશભરમાંથી લોકો પાસેથી નિધિ ભંડોળ એકત્ર થઇ રહ્યું છે ત્યારે પ્રત્યેક દેશવાસીઓના હૃદયમાં જાણે પ્રભુ શ્રીરામનો આધ્યાત્મિક સંચાર થયો હોય તે પ્રકારની લાગણી, શ્રીરામ ભગવાન પ્રત્યેના આદરભાવ અને શ્રી રામ મંદિર પ્રત્યે પોતાના તરફથી ફુલ નહિ તો ફુલની પાંખડી એમ યથાયોગ્ય દાન કરીને દેશવાસીઓ દ્વારા આ નિધિ(ભંડોળ-દાન)માં રૂપિયાનો જાણે વરસાદ વરસાવાઇ રહ્યો છે. આ બહુ જ પુણ્ય ઘડીમાં સહભાગી બનવા ગુજરાત અને તેમાય અમદાવાદ પણ કંઈ પાછળ કે કમ રહ્યા નથી. શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી ગુજરાતભરમાંથી આશરે રૂપિયા 115 કરોડથી પણ વધુનું નિધિ (ભંડોળ-દાન) એકત્રિકરણ કરવામાં આવ્યું છે. તા. ૧૪ મી જાન્યુઆરીથી શરૂ કરાયેલુ શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન હજુ તા. ૨૭ મી ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે ત્યારે અમદાવાદ સહિત ગુજરાતભરમાંથી હજુ પણ કરોડો રૂપિયાનો દાન-પુણ્ય નો ધોધ વહે અને સમગ્ર દેશમાંથી એકત્ર થઇ રહેલા નિધિ ભંડોળમાં અમદાવાદ અને ગુજરાતનું નામ સુવર્ણ અક્ષરોમાં ઈતિહાસમાં અંકિત થાય તો નવાઈ નહીં એમ અત્રે વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી રાજેશભાઈ પટેલ અને શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિના સંયોજક (પ્રમુખ) શ્રી ચંદ્રેશભાઈ પટેલે એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.

        અયોધ્યા ખાતે શરૂ થયેલા ભવ્યાતિભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્યને લઇને સમગ્ર દેશમાંથી એકત્ર થઇ રહેલા નિધિ ભંડોળને લઈને મહત્વની વિગતો આપતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત અમદાવાદ સહિત ગુજરાતભરમાં અત્યાર સુધીમાં દોઢ લાખ પરિવારોનો સંપર્ક થઈ ચૂક્યો છે ઉપરાંત, ગુજરાતના ૧૮,૩૭૫ ગામડાઓ તેમજ સાડા પાંચ કરોડથી વધુ હિન્દુ સમાજના લોકો સુધી પહોંચવાનું લક્ષ્યાંક રખાયું છે. જો દેશભરની વાત કરીએ તો સમગ્ર ભારતભરમાં, પાંચ લાખ ૨૫ હજારથી વધુ ગામડાંઓનો અને ૬૫ કરોડથી પણ વધુ હિન્દુઓ સુધી પહોંચવાનું અને તેઓની પાસેથી યથાયોગ્ય નિધિ ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી રાજેશભાઈ પટેલ અને શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિના સંયોજક (પ્રમુખ) ચંદ્રેશભાઈ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અત્યાર સુધીમાં રૂપિયા ૧૧૫ કરોડથી પણ વધુનું નિધિ( ભંડોળ-દાન) એકત્ર થઈ ચૂક્યું છે અને હજુ પણ તા.મી ફેબ્રુઆરી સુધી નિધિ એકત્રિકરણની પ્રક્રિયા ચાલવાની છે ત્યારે ગુજરાતવાસીઓ દિલ ખોલીને ઉદાર હાથે ફાળો આપીને ભવ્યાતિભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ કાર્યમાં પોતાના તરફથી બહુ જ અમૂલ્ય, ઐતિહાસિક અને સોનેરી ફાળો પૂરો પાડશે તેમાં કોઈ શંકા નથી. ગુજરાતમાં સુરતમાંથી રામકૃષ્ણ ડાયમંડના માલિક શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ રૂપિયા ૧૧ કરોડનું દાન શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિમાં અર્પણ કર્યું છે. તો, કાલુપુર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજના વરદ હસ્તે રૂપિયા એક કરોડ તેમજ લાભા સ્થિત સુપ્રસિધ્ધ બળિયા બાપાના મંદિરના બળિયાદેવ ટ્રસ્ટ તરફથી પણ એક કરોડ રૂપિયાનું માતબર ભંડોળ ઉપરોક્ત નિધિમાં અર્પણ કરવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસના નેતૃત્વમાં સંપૂર્ણ હિન્દુ સમાજ વિવિધ ટ્રસ્ટો, મંડળો, સંસ્થાઓ અને સેવાભાવી સંસ્થાનો દ્વારા નિધિ એકત્રીકરણનું કામ સંભાળી લેવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ એકત્રીકરણ માટે સમગ્ર ગુજરાતમાં ૩૭ હજારથી વધુ કાર્યકર્તાઓ કામે લાગ્યા છે તો આ આધ્યાત્મિક અને ઉમદા અભિયાનમાં મહિલાઓ પણ પાછળ રહી નથી. રાષ્ટ્રભક્તિ અને ભગવાન શ્રીરામના ઐતિહાસિક અને ભવ્યાતિ ભવ્ય મંદિરના નિર્માણની ઝુંબેશમાં મહિલાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં આગળ આવી તેમનું બહુમૂલ્ય યોગદાન આપી રહી છે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ એકત્રીકરણ માટે ગુજરાતભરમાંથી ૧૨,૦૦૦થી વધુ બહેનો ખડે પગે સેવા બજાવી રહી છે અને નિધિ એકત્રીકરણ નું કામ સંભાળી રહી છે. અમદાવાદમાં ૮૫૦ જેટલી બહેનો અને ૧૨૫૦થી વધુ ભાઇઓ નિધિ એકત્રિકરણની કામગીરીમાં જોતરાયેલા છે.

બોક્ષ :- ૬૩૨ બહેનોએ એક જ દિવસમાં ૧૭ લાખ રૂપિયા નિધિ સમર્પણ કરી માતૃશક્તિ નો પરિચય આપ્યો

      વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી રાજેશભાઈ પટેલ અને શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિના સંયોજક પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલે માતૃશકિતના પ્રોત્સાહક કિસ્સાને લઇ જણાવ્યું હતું કે, મહિલાઓ-બહેનો દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ એકત્રીકરણ માં બહુ નોંધનીય અને સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે, એ ઉત્તર ગુજરાતના એક પ્રેરણારૂપ કાર્યક્રમ પરથી સ્પષ્ટ થાય છે. આ કાર્યક્રમમાં ૬૩૨ જેટલી બહેનોએ એક જ દિવસમાં રૂપિયા ૧૭ લાખનું માતબર નિધિ સમર્પણ કરી માતૃશક્તિનો બહુ ઉમદા પરિચય આપ્યો હતો. આ ૬૩૨ બહેનોએ પ્રત્યેક બહેન દીઠ ૧૦૦૦ થી વધુ નિધિ એકત્રીકરણ કરી ૧૭ લાખનું ભંડોળ-દાન શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ નિધિમાં અર્પણ કર્યું હતું.

બોક્ષ : પ્રભુ શ્રી રામના નામ પર લોકો કંઇ પણ કરવા તૈયાર છે

ભગવાન શ્રી રામ પ્રત્યે આજે પણ લોકોને એટલી જ શ્રધ્ધા અને આસ્થા છે કે લોકો પ્રભુ શ્રી રામના નામ પર કંઇપણ કરવા તૈયાર છે. શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિના નેજા હેઠળ અમદાવાદ સહિત રાજયભરમાં નિધિ એકત્રિકરણની કામગીરી દરમ્યાન કેટલાક હદયસ્પર્શી અને આંખો ભીંજાવી જાય તેવા કિસ્સા પણ સામે આવ્યા છે. જેમાં ભરૂચમાં તો એક સ્થાનિક ભાઇએ નિધિ ભંડોળ સવારે ૧૧ વાગ્યે લઇ જવા ટીમના સભ્યોને ઘેર બોલાવ્યા હતા પરંતુ ટીમના સભ્યો પહોંચે તે પહેલાં એ ભાઇનું નિધન થઇ ગયુ, બીજીબાજુ, ટીમના સભ્યો તેમના ઘેર પહોંચ્યા તો, ભારે રોકકળ અને શોકનો માતમ છવાયેલો હતો, ખુદ ટીમના સભ્યો આ દ્રશ્યો જોઇ દ્રવી ઉઠયા પરંતુ સ્વર્ગસ્થ ભાઇના પત્નીએ તેમના પતિએ આપેલ વચન પ્રમાણે શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ માટે એક લાખ, અગિયાર હજાર અને એકસો અગિયાર રોકડા પૂરાનો ચેક અર્પણ કર્યો હતો. આમ, રામ નામ માટે લોકોના હદયમાં કેટલી ભાવના અને શ્રધ્ધા છે, તે પ્રતીત થાય છે. તો, સરખેજ પાસેના એક વૃધ્ધાશ્રમમાં ગુપ્તાજી કરીને એક વરિષ્ઠ નાગરિકે પોતાના મરણમૂડીના જમા કરેલા પૈસામાંથી રૂપિયા ૧૧ હજાર, એકસો અગિયાર આપી એક અનોખી પ્રેરણા પૂરી પાડી હતી. આવા જ ધોળકાના એક કિસ્સામાં એક મહિલાના ઘરમાં ચોરી થઇ, તેમના રૂપિયા, દાગીના બધુ ચોરાઇ ગયુ એ વખતે નિધિ એકત્રિકરણ ટીમના સભ્યો ત્યાં પહોંચ્યા ત્યારે બહેન પાસે માત્ર ૫૦ રૂપિયા હતા, તો તેમણે થોડીવાર ટીમના સભ્યોને રોકી રાખી બાજુમાં પાડોશમાંથી બીજા ૫૦ રૂપિયા લઇ આવી કુલ ૧૦૦ રૂપિયાની પહોંચ નિધિમાં અર્પણ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી રાજેશભાઈ પટેલ અને શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિના સંયોજક પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલે ઉમેર્યુ હતું કે, આવા તો કંઇક કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે, જે ખરેખર એવું પ્રતીત કરાવે છે કે, રામના નામે પથરા તરી જાય તે વાત સાચી અને બિલકુલ યથાર્થ છે આજે પણ લોકોમાં એવી ભાવના અને શ્રધ્ધા-આસ્થા પ્રદર્શિત કરતાં ચમત્કારો જોવા મળી રહ્યા છે કે જે પ્રભુ શ્રી રામ નામના અમરત્વ અને સત્યને અવિરત રાખે છે.