સરધારના હડમતીયા ગામમાં 75 વર્ષના વૃદ્ધાની હત્યા, અંતિમવિધિ કરે તે પહેલા પોલીસ પહોંચી

0
142
news/SAU-RJK-HMU-LCL-75-year-old-woman-murder-in-hadamatiya-village-of-sardhar-gujarati-news-
news/SAU-RJK-HMU-LCL-75-year-old-woman-murder-in-hadamatiya-village-of-sardhar-gujarati-news-

રાજકોટથી 30 કિલોમીટર દૂર સરધાર નજીકના હડમતીયા (ગોલીડા) ગામમાં 75 વર્ષના વૃદ્ધાની હત્યા કરી મૃતદેહની અંતિમવિધિ કરવાની તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી. સ્મશાનમાં વૃદ્ધાના મૃતદેહને અગ્નિદાહ દે તે પહેલા જ પોલીસ પહોંચી જતા ડાઘુઓમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે વૃદ્ધાના મૃતદેહની તપાસ કરતા ગળેટૂંપો દઇ હત્યા થઇ હોવાનું ખુલતા એફએસએલની ટીમને જાણ કરતા અધિકારીઓ દોડી આવ્યા હતા.

વૃદ્ધાની 30થી 35 વીઘા જમીન મામલે નાના બે સગા ભાઇઓએ ગળેટૂંપો દઇ હત્યા કર્યાની શંકા

પ્રાપ્ત વિગત મુજબ સરધાર નજીકના હડમતીયા (ગોલીડા) ગામમાં રહેતા 75 વર્ષીય મણીબા નાનભા ખાચરની માલિકીની 30થી 35 વીઘા જમીન છે. તેઓને સંતાનમાં દીકરો ના હોય તેમના મૃત્યુ પછી જમીનના સીધા વારસદાર ભાણેજ થઇ શકે તેમ હતા. પરંતું આ જમીન મામલે તેના સગા બે ભાઇ દિનેશ અને કાળુ કાથડભાઇએ ગળેટૂંપો દઇ હત્યા કરી હોવાની શંકા સેવાઇ રહી છે. વૃદ્ધાની હત્યા બાદ તેમના મૃતદેહની અંતિમવિધિ માટે સ્મશાન પણ લઇ ગયા હતા. પરંતુ કોઇ જાગૃત નાગરિકે આજીડેમ પોલીસને જાણ કરતા દોડી આવી હતી. પોલીસ આવતા જ ડાઘુઓમાં નાસભાગ મચી ગઇ હતી. વૃદ્ધાની સ્મશાનયાત્રામાં તેના ત્રણેય ભાણેજ પણ હાજર હોય પોલીસે તેની પણ પૂછપરછ કરી હતી. પરંતુ વૃદ્ધાને સગા બે નાના ભાઇ ત્યાંથી નાસી છૂટ્યા હતા.

થોડા સમય પહેલા બન્ને ભાઇએ બહેનને માર મારી 50થી 60 હજારની મત્તાની લૂંટ કરી હતી

થોડા સમય પહેલા મણિબાના સગા નાના બે ભાઇઓ દિનેશ અને કાળુએ મણિબાને માર મારી ઘરમાંથી 50થી 60 હજારની મત્તાની લૂંટ ચલાવી હતી. જમીનના વળતરપેટે આવેલા લાખો રૂપિયામાંથી વૃદ્ધા પોતાનું ગુજરાન ચલાવતા હતા. બંને ભાઇઓ દારૂના ધંધા સાથે સંકળાયેલા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. હત્યા પાછળ મિલ્કત પચાવી પાડવાનો ઇરાદો હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું છે. એક ચર્ચા મુજબ હત્યાનો ભોગ બનેલા મણીબા ખાચરના પતિ નાનભા ખાચરનું વર્ષો પહેલા અવસાન થયુ હોય તેઓ એકલા જ રહેતાં હતા.