11 સિંહોને ઝેર આપી માર્યા હોવાની આશંકા, ભેંસો-ઘેટાંના મારણથી ત્રસ્ત હતા ગ્રામજનો

0
57
/news/MGUJ-AHM-HMU-LCL-11-lion-death-in-gir-o-gujarat-may-be-villagers-give-a-poison-to-the-lions
/news/MGUJ-AHM-HMU-LCL-11-lion-death-in-gir-o-gujarat-may-be-villagers-give-a-poison-to-the-lions

ગીરની પૂર્વ દલખાણીયા રેન્જમાં 11 સિંહોના મોત બાદ રાજ્ય સરકારથી લઈને અધિકારીઓ દોડતા થઈ ગયા છે, ત્યારે આ સિંહોના મોત પાછળ એક રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. જેમાં સ્થાનિક લોકોમાં ચાલી રહેલી ચર્ચામાં એક એવું પણ તારણ કાઢવામાં આવ્યું છે કે, 10 દિવસ પહેલા દલખાણીયા રેન્જમાં આવેલા એક ગામમાંથી સતત ત્રણ દિવસ સુધી સિંહોના ટોળાએ 10 ભેંસો અને 10થી વધુ ઘેટાઓનું મારણ કર્યું હતું, સિંહોના આ ત્રાસથી કંટાળેલા ગ્રામજનોએ સિંહોને મારણમાં ઝેર આપી દીધું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે છેલ્લા 10 દિવસમાં એક સાથે 11 સિંહોના મોત પણ એક જ રેન્જમાં અને ચોક્કસ જગ્યા પર જ થયેલા છે. વન વિભાગ દ્વારા આ આશંકાને પણ ધ્યાનમાં લઈને ચકાસણી કરવામાં આવી રહી છે.બે સિંહણના ફેફસાં નિષ્ક્રિય થવાથી મોત

ગીરની દાલખાણીયા રેન્જમાં 6 સિંહ બાળ સહિત કુલ 11 જેટલા સિંહના મૃતદેહ મળી આવ્યા બાદ ગુજરાત ફોરેસ્ટ ફોર્સના પ્રમુખ જી.કે. સિન્હાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે ત્રણ જેટલા કિસ્સામાં જૂથ અથડામણ અને ભૂખમરાના કારણે સિંહોનું મૃત્યુ થયું છે. જ્યારે એક સિંહ અને બે સિંહણના ફેફસાં નિષ્ક્રિય થવાથી મોત થયું છે. સિન્હાએ આગળ કહ્યું કે, વિરોધી સિંહ કબિલાના હુમલા વખતે આ સિંહ અને બે સિંહણ બચવાનો પ્રયાસ કરતા છુપાઈ રહ્યા હતા જે બાદ ખાવાનું ન મળતા તેમનું મોત થયું હતુ. જોકે તેમણે સ્વીકાર્યું હતું કે ઇન ફાટ્સમાં 11 સિંહોનું મોત થોડી અસહજ વાત છે પણ પ્રાથમિક રિપોર્ટસ તો એ જ કહે છે કે ઇજાગ્રસ્ત થયા બાદ આ સિંહોના મોત થયા હતા. જોકે સિંહણ પણ ઇન ફાઇટમાં મૃત્યુ પામી તેવા સિન્હાના નિવેદનથી તદ્દન વિરોધાભાસી નિવેદન વિભાગના અન્ય એક અધિકારીનું છે. તેમણે કહ્યું કે,સિંહોની ઇન ફાઇટમાં સામાન્ય રીતે ક્યારેય કોઈ સિંહણ ભાગ લેતી નથી તે બચ્ચાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ લડાઈથી દૂર જ રહે છે.

ડિસ્ટેમ્પર વાઈરસનું 140 સિંહો પર જોખમ

વન વિભાગ દ્વારા કૂતરાએ ખાધેલા મારણ બાદ જો તે સિંહ ખાય તો તેની લાળથી સિંહોમાં ફેલાતા કેનાઇન ડિસ્ટેમ્પર વાઈરસ અંગે તપાસની કોઈ દરકાર પણ લેવાઇ નથી. 15 દિવસ પહેલા એક સિંહે કૂતરા દ્વારા ખાવામાં આવેલું મારણ ખાતા તુલસીશ્યામ રેન્જના 140 સિંહ પર પણ આ કેનાઇન ડિસ્ટમ્પર નામના વાઇરસના સકંજામાં આવવાની સંભાવના છે.6 સપ્ટેમ્બર 2018ના રોજ રાજુલા રેન્જ દ્વારા ઘાયલ સિંહને પકડવા માટે પાંજરું મુકવામાં આવ્યું હતું. આ પાંજરામાં કૂતરા દ્વારા ખાવામાં આવેલું મારણ સિંહને આપ્યું હતું. આ દિવસે બપોરે પાંજરામાં મુકવામાં આવેલું મારણ કૂતરા અને તે જ રાતના 2 વાગ્યે આ ઘાયલ સિંહ તેમજ અન્ય સિંહના ગ્રુપે આ મારણ ખાધું હતું.