સીતાફળ ખાઓ રોગ ભગાઓ

0
106

સીતાફળમાં એટલા બધા પ્રાકૃતિક ગુણો છે કે શરીરના દરેકેદરેક ભાગ માટે લાભકારક છે. અગણિત ઔષધીય ગુણધર્મો ધરાવતા સીતાફળના સેવનથી શરીર નીરોગી રહે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. કફ, ઉલટી, શરીરમાં રક્તની અછત, દાંતના રોગો, બ્લડ-પ્રેશર સહિત અનેક રોગોના ઉપચારમાં એનો ઉપયોગ થાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે ગર્ભવતી મહિલાઓએ આ ફળ ખાસ ખાવું જોઈએ. જોકે કેટલાંક લોકોનું માનવું છે કે સીતાફળ ખાવાથી કફ-શરદી થઈ જાય છે તો વળી તાવ આવતો હોવાની ફરિયાદ પણ કરતાં હોય છે. હકીકત શું છે? દેખાવમાં ખરબચડું ને સ્વાદમાં ગળ્યું સીતાફળ બજારમાં સહેલાઇથી ઉપલબ્ધ છે અને લગભગ બધાને જ ભાવે છે ત્યારે એના વિશે એ ટૂ ઝેડ જાણી લો.

સીતાફળ પોષક તત્વોથી ભરપૂર છે. ખાસ કરીને વીટામીન સી આપણા શરીરને રોગો સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે. એના સેવનથી સ્નાયુઓ મજબૂત થાય છે અને હૃદયને આરામ મળે છે. ટાઇપ ટૂ ડાયાબિડીઝનું જોખમ ઘટાડવામાં સીતાફળ હેલ્પ કરે છે. થાક અને સુસ્તી જેવું લાગતું હોય ત્યારે આ ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે.

સીતાફળના હેલ્થ બેનિફિટ વિશે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ પ્રિયા પાલન કહે છે, ‘ડાયટરી ફાઇબર, પોટેશિયમ, મેગનેશિયમ, વીટામીન સી અને નેચરલ શુગરથી ભરપૂર કસ્ટર્ડ એપલના ઘણા ફાયદા છે. એન્ટિઑક્સિડન્ટ પ્રોપર્ટીનો ગુણધર્મ ધરાવતા વીટામીન સી થી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. ડાયટરી ફાઇબરથી ડાયજેશન સિસ્ટમ ઇમ્પ્રુવ થાય. પોટૅશિયમ રીચ ફ્રૂટ હોવાથી બ્લડ-પ્રેશર અને હૃદય સંબંધિત સમસ્યા હોય એવા દરદીએ કસ્ટર્ડ એપલનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. ડાયાબિટીઝના દરદી પણ એને ખાઈ શકે છે. જોકે માત્રા ડાયાબિટીઝના પ્રકાર પ્રમાણે નક્કી થાય. ડાયાબિટીઝમાં વજન ઘટી રહ્યું હોય એવા દરદી માટે કસ્ટર્ડ એપલ બેસ્ટ છે, પરંતુ વજન વધતું હોય તો કેલેરી કાઉન્ટ કરવી પડે.’

કસ્ટર્ડ એપલનો ડાયટ ચાર્ટમાં સમાવેશ થવો જોઈએ એવી ભલામણ કરતાં પ્રિયા કહે છે, ‘કસ્ટર્ડ એપલ કેલેરી બેઝ્ડ ફ્રૂટ છે તેથી એની સટિસફેક્શન વેલ્યુ વધી જાય છે. ઘણીવાર આપણને એવું થાય કે બહુ ભૂખ નથી લાગી પણ જરાતરા ખાવું છે. આવા ટાણે કસ્ટર્ડ એપલ ખાઈ લો તો સંતોષ થાય. સીતાફળની ન્યુટ્રિશન વેલ્યુ ઘણી વધુ છે તેથી એને ફિલર તરીકે ખાઈ શકાય. વેઇટ ગેઇન કરવા માગતા હોય તેમને કસ્ટર્ડ એપલનો સૌથી વધુ ફાયદો મળે છે.’

ગર્ભાવસ્થામાં ઉપયોગી

મહિલાઓ માટે સીતાફળ ખૂબ લાભકારી છે. ગર્ભાવસ્થા દરમ્યાન સગર્ભા રોજ એક સીતાફળ ખાય તો બાળકનું મગજ સારી રીતે વિકસિત થાય છે તેમ જ પ્રસવ પીડાની તીવ્રતામાં ઘટાડો થાય છે એવું આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે. સીતાફળ મધુર અને શીતળ હોવાથી ગર્ભાવસ્થા દરમ્યાન સેવન કરવાથી ભ્રૂણનો વિકાસ સારી રીતે થાય છે તેમ જ ગર્ભપાતનું જોખમ ઘટે છે. વિજ્ઞાન કહે છે કે સીતાફળમાં વીટામીન બી-૬ની માત્રા મોર્નિંગ સીકનેસ અને ઉલટીમાં રાહત આપે છે. આ સમય દરમ્યાન શરીરને વધુ ઉર્જાની જરૂર પડે છે જે સીતાફળમાંથી મળી રહે છે. આ ઉપરાંત પ્રેગનન્ટ મહિલાઓમાં કબજિયાત અને ટેમ્પરરી બ્લડ-પ્રેશરની સમસ્યામાં પણ સીતાફળ સહાયકનું કામ કરે છે.

પ્રેગનન્ટ લેડીને કસ્ટર્ડ એપલ ખાવાની સલાહ આપવામાં આવે છે એનું કારણ જણાવતા પ્રિયા કહે છે, ‘પ્રેગનન્સીમાં મૂડસ્વિંગ્સ થયા કરે છે. શુગર બૂસ્ટ તમારા મૂડસ્વિંગ્સને કંટ્રોલ કરે છે. બીજું આ સમય દરમ્યાન ક્રેમ્પ્સ ફિલિંગ આવે છે. એમાં પણ કસ્ટર્ડ એપલના સેવનથી રિલિફ થાય છે. પ્રેગનન્ટ મહિલાઓ ઓછી માત્રામાં રોજ કસ્ટર્ડ એપલ ખાઇ શકે છે. જોકે, એના સીડ્સ પેટમાં ન જાય એ બાબત ખાસ ધ્યાન આપવું.’