સુપ્રીમકોર્ટના ઈતિહાસમાં આજે અનોખો દિવસ, 2 નવા જજ શપથ લેશે, 3 સેવાનિવૃત્ત થઈ વિદાય લેશે!

0
1

શનિવારથી ઉનાળા વેકેશનની શરૂઆત થતી હોવાથી 3 જજોનો છેલ્લો કાર્યદિવસ રહેશે

આંધ્રપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રા અને વરિષ્ઠ વકીલ કે.વી. વિશ્વનાથન સુપ્રીમકોર્ટના જજ તરીકે શપથ લેશે

આજનો દિવસ સુપ્રીમકોર્ટના ઈતિહાસમાં અનોખો દિવસ રહેશે. સુપ્રીમકોર્ટમાં આજના દિવસે જ બે નવા જજો શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે ત્રણ જજોને છેલ્લો દિવસ રહેશે એટલે કે તે નિવૃત્ત થઈ જશે. કેમ કે શનિવારથી જ ઉનાળા વેકેશનની શરૂઆત થઈ રહી છે. આજે સવારે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રા અને વરિષ્ઠ વકીલ કે.વી. વિશ્વનાથન જેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેઓ 1 સુપ્રીમકોર્ટના જજ તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ સવારે 10.30 કલાકે યોજાશે. તેનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.

સુપ્રીમકોર્ટની પરંપરાનું થશે પાલન 
સુપ્રીમ કોર્ટની પરંપરા મુજબ, ત્રણ જજો કે.એમ. જોસેફ, જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ વી રામાસુબ્રમણ્યન જેઓ જૂનમાં નિવૃત્ત થશે તેઓ સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ સાથે બેન્ચ શેર કરશે. જો કે, ત્રણેય એક સાથે બેન્ચ શેર નહીં કરે. પહેલા પાંચ કેસમાં જસ્ટિસ કે.એમ. જોસેફ, સીજેઆઈ બેન્ચમાં હશે પછી બીજા પાંચ કેસમાં જસ્ટિસ અજય રસ્તોગી અને પછીના પાંચ કેસમાં જસ્ટિસ વી રામાસુબ્રમણ્યમ સીજેઆઈ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા સાથે બેન્ચ શેર કરશે. 
જૂન મહિનો સુપ્રીમકોર્ટ માટે અનોખો છે
જૂન 2023નો અનોખો મહિનો છે, કારણ કે સુપ્રીમ કોર્ટના ત્રણ જજ જૂનમાં નિવૃત્ત થવા જઈ રહ્યા છે. જસ્ટિસ કે.એમ. જોસેફ 16 જૂને, જસ્ટિસ અજય રસ્તોગી 17 જૂને અને જસ્ટિસ વી રામસુબ્રમણ્યમ 29 જૂને રિટાયર થશે. અગાઉ 14 મેના રોજ જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને બીજા દિવસે 15 મેના રોજ જસ્ટિસ એમ.આર.શાહ નિવૃત્ત થયા હતા.
કાયદા મંત્રીએ ટ્વિટર પર આ નિમણૂકની જાહેરાત કરી હતી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે તેમણે વરિષ્ઠ વકીલ કલાપતિ વેંકટરામન વિશ્વનાથનને પણ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂંકોની જાહેરાત નવા કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે ટ્વિટર પર કરી હતી.
સુપ્રીમકોર્ટ કોલેજિયમ સેન્ટર દ્વારા આ ભલામણ કરવામાં આવી હતી
16 મેના રોજ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ કે.વી. વિશ્વનાથન અને આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી માટે કેન્દ્રને ભલામણ કરી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફે કેન્દ્રને ભલામણ મોકલી હતી કે સુપ્રીમ કોર્ટમાં 34 જજ હોવા જોઈએ, પરંતુ હાલમાં માત્ર 32 જજ છે. કેટલાક ન્યાયાધીશોની નિવૃત્તિ બાદ જુલાઈના બીજા સપ્તાહ સુધી માત્ર 28 જજ જ બાકી રહેશે. આ કારણોસર, પહેલા આ બે જજોની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવી જોઈએ. કેન્દ્ર સરકારે 48 કલાકની અંદર કોલેજિયમની ભલામણને મંજૂરી આપી હતી. આ પછી તરત જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંને જજોની નિમણૂકનો પત્ર પણ જારી કર્યો.