સુષ્માના નિધનથી ભાજપને અપૂર્ણ ક્ષતિ થઇ : વાઘાણી

0
25
દેશે એક નિર્ણાયક અને નીડર નેતા ગુમાવ્યા છે ઃ વાઘાણી

અમદાવાદ,તા.૭
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ઇલેક્ટ્રોનિક મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભાજપાના વરિષ્ઠ નેતા, પૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજજીના અવસાનના સમાચારથી ખુબ જ વ્યથિત છંં અને સમગ્ર ગુજરાત ભાજપા વતી તેઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી પ્રભુ તેમના પવિત્ર આત્માને ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું. વાઘાણીએ જણાવ્યું હતું કે, સુષ્મા સ્વરાજજીએ ભાજપાના સામાન્ય કાર્યકર્તાથી પોતાના રાજકીય સફરની શરૂઆત કરી અને તેમના આ રાજકીય સફરમાં તેઓએ દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી, રાજ્ય સભાના સાંસદ, લોકસભાના સાંસદ અને વિપક્ષના નેતા અને નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારમાં વિદેશ મંત્રી તરીકે અનેક જવાબદારીઓ નિભાવી છે. સુષ્મા સ્વરાજજીનું સમગ્ર જીવન દેશને સમર્પિત રહ્યું છે અને ભાજપાના દરેક કાર્યકર્તાઓને તેમની કાર્યશૈલીથી અખૂટ માર્ગદર્શન પ્રાપ્ત થયું છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, આજે ભારતે એક નિર્ણાયક અને નીડર નેતૃત્વ ગુમાવ્યું છે. નિખાલસ અને સરળ સ્વભાવના એવા પ્રજાવત્સલ નેતા સુષ્મા સ્વરાજજીને ગુમાવવાનો રંજ રાજ્ય અને દેશના તમામ નાગરિકોને છે. કેન્દ્રીય વિદેશ મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમ્યાન તેઓએ સંયુક્ત રાષ્ટ્ર સહીત દુનિયાના અનેક દેશોમાં ભારતની એક અલગ છાપ ઉપસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સુષ્મા સ્વરાજજી હંમેશા દેશના નાગરિકોને બનતી મદદ કરવા માટે તત્પર રહેતા હતા. વિદેશોમાં વસતા ગુજરાત સહિત દેશભરના નાગરિકોને ફક્ત ટ્‌વીટ કરવા મારફતેથી જ જરૂરી સહાય પૂરી પાડી દેશના કરોડો નાગરિકોના હૃદયમાં સુષ્મા સ્વરાજજી સ્થાન પામ્યા હતા. આજે દેશભરની સાથે સાથે વિદેશોમાં વસવાટ કરતાં દરેક ભારતીયો સુષ્મા સ્વરાજજીના નિધનથી
વ્યથિત છે. સુષ્મા સ્વરાજજીનું નિધન દેશ અને ભાજપા માટે અપૂર્ણ ક્ષતિ છે પરંતુ તેમનું સમગ્ર જીવન ભાજપાના કરોડો કાર્યકર્તાઓ દેશના યુવાનો, મહિલાઓ અને આવનારી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે તેઓ મને અતૂટ વિશ્વાસ છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી મહિલા નેતા સ્વ. સુષ્મા સ્વરાજજીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી સદ્દગત સુષ્માજીને શોકાંજલી પાઠવતા કહ્યું કે, નાની વયે અવસાન પામેલા સ્વ. સુષ્માજીના આત્માને પરમાત્મા શાંતિ આપે તેમજ આ દુઃખ સહન કરવાની તેમના પરિવારજનોને હિંમત આપે. વિજય રૂપાણીએ ઉમેર્યુ કે, જનસંઘથી ભારતીય જનતા પાર્ટી સુધી તેમનો મહત્વનો રોલ રહ્યો છે. એટલું જ નહિ, સ્વ. સુષ્માજીના પરિશ્રમ, સંઘર્ષ, નેતૃત્વ અને કતૃત્વએ ભારતીય જનતા પાર્ટીને મોટી બનાવી છે. મુખ્યમંત્રીએ દેશના વિદેશ મંત્રી તરીકે સ્વ. સુષ્માજીના ઉત્કૃષ્ટ યોગદાનની સરાહના કરતાં કહ્યું કે, વિદેશમાં વસતા ભારતીયો વેબસાઇટ પર નાની વાત મૂકે અને સુષ્માજી તરત જ જવાબ-પ્રતિસાદ આપે તેવી કામગીરી તેમની રહી હતી.


સ્વ. સુષ્માજી રાજ્યસભાના નેતા તરીકે પણ ગહન વિષય અભ્યાસ સાથે સારા વકતા તરીકે પ્રસ્થાપિત થયેલા તેમજ મુખ્યમંત્રીને પોતાને રાજ્યસભામાં તેમની સાથે તેમના માર્ગદર્શનમાં કામ કરવાની તક મળેલી તેના સંસ્મરણો વિજય રૂપાણીએ તાજા કર્યા હતા. મુખ્યમંત્રીએ સ્વ. સુષ્માજીના નિધનથી દેશની રાજનીતિમાં અને ભારતીય જનતા પાર્ટીમાં મોટી ખોટ પડી છે તેમ સ્વર્ગસ્થની નિખાલસતા, સાલસતા અને સૌજ્ન્યશીલતાને ભાવસભર શોકાંજલી આપતાં ઉમેર્યુ હતું.