ઉત્તર કોરિયાએ કહ્યું કે કવાયત દરમિયાન ઉત્તર કોરિયાનું ડ્રોન 59 કલાકથી વધુ સમય સુધી પાણીની અંદર રહ્યું
ક્રુઝ મિસાઇલોનું પરમાણુ હથિયાર તરીકે ટેસ્ટ વોરહેડ સાથે પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેણે 1,500 થી 1,800 કિમીની રેન્જને આવરી લીધી
આકાશમાં એક પછી એક મિસાઈલ પરીક્ષણ કર્યા બાદ અમેરિકાની ઊંઘ હરામ કરનારા ઉત્તર કોરિયાએ હવે અંડરવોટર એટેક કરી શકે તેવા ન્યુક્લિયર ડ્રોનનું પરીક્ષણ કર્યું છે. આ નવું પરમાણુ પરીક્ષણ સરમુખત્યાર કિમ જોંગ ઉનના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું છે. ત્યાંની સ્થાનિક સમાચાર એજન્સીએ મંગળવારથી ગુરુવાર દરમિયાન હાથ ધરાયેલા આ હથિયારોના પરીક્ષણ અને ફાયરિંગ ડ્રિલ દરમિયાન ક્રૂઝ મિસાઇલ ઝિંકાયાની પુષ્ટિ કરી હતી
ડ્રોન 59 કલાક પાણીની અંદર રહ્યું હતું
ઉત્તર કોરિયાએ કહ્યું કે કવાયત દરમિયાન ઉત્તર કોરિયાનું ડ્રોન 59 કલાકથી વધુ સમય સુધી પાણીની અંદર રહ્યું અને ગુરુવારે તેના પૂર્વ કિનારે પાણીમાં વિસ્ફોટ કર્યો હતો. જો કે, તેમણે ડ્રોનની પરમાણુ ક્ષમતાઓ વિશે વિસ્તૃત માહિતી આપી ન હતી. સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે ડ્રોન સિસ્ટમનો હેતુ દુશ્મનના જળક્ષેત્રમાં ચોરીછૂપે હુમલો કરવાનો અને નૌકાદળના સ્ટ્રાઈકર જૂથો અને મુખ્ય ઓપરેશનલ બંદરોને નષ્ટ કરવાનો છે.
ચાર ક્રુઝ મિસાઈલ પણ છોડવામાં આવી હતી
આ અંડરવોટર ન્યુક્લિયર એટેક કરી શકે તેવા ડ્રોનને કોઈપણ દરિયાકાંઠે અને બંદર પર તહેનાત કરી શકાય છે અથવા ઓપરેશન માટે કોઈપણ સપાટી પરથી જહાજ દ્વારા ખેંચી શકાય છે. એક અલગ ફાયરિંગ કવાયતમાં ઉત્તર કોરિયાએ પણ પુષ્ટિ કરી હતી કે તેણે વ્યૂહાત્મક પરમાણુ સ્ટ્રાઈક મિશન હાથ ધરવા બુધવારે ચાર ક્રુઝ મિસાઇલો છોડી હતી.
1,500 થી 1,800 કિલોમીટરનું અંતર કાપ્યું
ક્રુઝ મિસાઇલોનું પરમાણુ હથિયાર તરીકે ટેસ્ટ વોરહેડ સાથે પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેણે 1,500 થી 1,800 કિમીની રેન્જને આવરી લીધી હતી. દક્ષિણ કોરિયાની સૈન્યએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ બુધવારે તેના પૂર્વ કિનારે ચાર ક્રૂઝ મિસાઇલો છોડી હતી. જો કે, ઉત્તર કોરિયાએ જણાવ્યું હતું કે નવીનતમ હથિયારોના પરીક્ષણથી પડોશી દેશોની સુરક્ષા પર કોઈ નકારાત્મક અસર થઈ નથી.