મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈને કોંગ્રેસમાં જૂથવાદ ખુલીને સામે આવ્યો છે. મીડિયા રિપોટ્સ મુજબ દિલ્હીમાં બુધવારે મોડી રાત સુધી ચાલેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સામે જ થયો. જ્યારે વિવાદના સમાધાન માટે રાહુલે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે. આજે સાંજ સુધીમાં કોંગ્રેસની પહેલી યાદી જાહેર થવાની શક્યતા છે.
ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આ ત્રીજી અને અંતિમ બેઠક હતી. ચૂંટણી સમિતિએ મામલાના ઉકેલ માટે બંન નેતાઓની સાથે રાત્ર 2-30 વાગ્યા સુધી બેઠક કરી હતી. દિગ્વિજય અને સિંધિયા વચ્ચે જ્યારે સહમતિ ન બની તો રાહુલે અશોક ગહલોત, વીરપ્પા મોઈલી અને અહમદ પટેલની એક નવી સમિતિ ગઠિત કરી. જો કે આ મુદ્દે વીરપ્પા મોઇલીએ કહ્યું કે મધ્યપ્રદેશમાં ટિકિટોને લઈને કોઈ જ ઝઘડો નથી.
વાયરલ ચિઠ્ઠી અંગે દિગ્વિજય સિંહે કર્યું ખંડન
– હાલમાં જ દિગ્વિજય સિંહના નામે 27 ઓક્ટોબરમાં લખાયેલી એક ચિઠ્ઠી વાયરલ થઈ હતી. આ પત્રમાં પૂર્વ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને સંબોધિત કરવામાં આવ્યા હતા. જેમાં લખાયું હતું કે હું 57 પ્રબળ દાવેદારોના નામ પહોંચાડી રહ્યો છું, જેઓએ વર્ષોથી માત્ર પાર્ટી માટે જ કામ કર્યું છે. બહારથી આવેલાં અન્ય નેતાઓની જગ્યાએ આ લોકોને તક આપવી જોઈએ. જો કે બુધવારે દિગ્વિજય સિંહે એક ટ્વીટ કરી જણાવ્યું કે આ ખોટું છે. આવો પત્ર તેને ક્યારેય લખ્યો જ નથી.