
જુનાગઢના મહાશિવરાત્રીના મેળા જેવી સાધુ સંતો અને દિગંબર સાધુઓની સોમનાથના શંખ ચોકથી સોમનાથ મંદિર સુધી ભવ્ય રવાડી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો પણ જોડાયા. આ રવેડીમાં આધ્યાત્મિક ઊર્જા સભર વાતાવરણથી ભારતીય સંસ્કૃતિનો બુલંદ જોવા મળ્યો હતો. સાથે જ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આ સાધુ-સંતોની ભવ્ય રવાડી દરમિયાન સોમનાથની પવિત્ર ભૂમિ પર ભક્તિ, પરંપરા અને શૌર્યનો અનોખો સંગમ પણ જોવા મળ્યો હતો.ભારતીય સંસ્કૃતિની પાવન પરંપરાને ઉજાગર કરતી આ રવાડીમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઇ વેકરીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સર્વ ભગવાનભાઈ બારડ, સંજયભાઈ કોરડીયા સહિતના પદાધિકારીઓ આસ્થાભેર ભવ્ય સહભાગી બન્યા હતા. ઉપરાંત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ ધાર્મિક ઉલ્લાસથી છલકાયું હતું.વીર હમીરજી ચોકમાં પહોંચ્યા બાદ સંતો ધ્વજા લઈ સોમનાથ મંદિરમાં પહોંચ્યા હતા અને ત્યાં ધ્વજા અર્પણ કરી હતી. હમીરજી ચોકમાં લોકોની ભારે ભીડ જામી હતી. સોમનાથ સ્વાભિમાન પર્વમાં જૂનાગઢના શિવરાત્રીના મેળા જેવો માહોલ સોમનાથમાં અનુભવાયો હતો.
આ રવાડીમાં દિગમ્બર સાધુઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ કરતબોએ લોકોમાં વિશેષ શ્રદ્ધાનો માહોલ જગાવ્યો હતો.સાધુઓએ પોતાની અદભૂત શારીરિક ક્ષમતાઓ અને સાધનાનો પરિચય આપતાં પરંપરાગત રીતે કરતબો રજૂ કર્યા હતા.


