
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ.ચૈત્ર પૂરો થયો અને ભગવાન વિષ્ણુનો વૈશાખ શરું થયો, અખાત્રીજ પણ પૂરી થઈ! તિથિ લેખે એનું મહત્વ પણ જોયું. ચરિત્રની ઓળખમાં ભારતીય સંગીતને વિશ્વ વિખ્યાત કરનાર આશા ભોંસલે પર લખું કે પછી અક્ષય તૃતીયા એ જેની જન્મ જયંતિ હતી, એ વિષ્ણુનાં છઠ્ઠા અવતાર એવાં ઋષિ જમદગ્નિ અને રેણુકાનાં સૌથી નાનાં પુત્ર જે ચિરંજીવી છે, એ પરશુરામ ભગવાન પર લખવું એમ વિચાર્યું, પણ ખબર નહીં! જે તે સમયે જે થયું એ, પણ આજનાં પ્રવર્તમાન સમયમાં ફક્ત મનોદશાને આધારે મૃત્યુ દંડ અને એ પણ પતિનાં કહેવાથી પિતૃ ભક્ત પુત્રનાં હાથે! એ વાત બહુ ખટકી! ભલે પછી વરદાન માંગી જીવીત પણ કર્યા, પરંતુ એ યુગમાં ઋષિઓ પણ બે ત્રણ પત્ની રાખતાં હતાં, અને એમાં કોઈને કંઈ અનુચનીય નહોતું લાગતું, અને સ્ત્રીને માત્ર થોડી મિનિટો માટે કોઈ પસંદ આવ્યું તો એને મૃત્યુ દંડ? સ્ત્રી પુરુષ માટેનાં આવાં અલગ માપદંડ! જે મને પહેલેથી જ રાસ નથી આવ્યાં!: એટલે ભગવાન પરશુરામના ચરણે ક્ષમા પ્રાર્થના કરી આગળ વધીએ. હિન્દુ સનાતન ધર્મને જેણે સૌથી વધુ સ્તોત્ર આપ્યાં છે! વેદ અને ઉપનિષદ પર સૌથી વધુ ભાષ્યો લખ્યા છે, અને બહુ નાની ઉંમરમાં જેણે વૈરાગ્ય લઈ સંન્યાસ ધર્મમાં રહીને સંસારીઓ માટે ધર્મ કે પૂજા ઉપાસનાનો સૌથી સરળ ઉપાય શોધ્યો, એવાં આદિદેવ ભગવાન શંકરાચાર્યની વૈશાખ સુદ પાંચમે જન્મ જયંતી છે, તો એની પર જ ચિંતન કરીશું.
તેમનો જન્મ કેરળનાં કલાડી ગામમાં પિતા શિવગુરુ અને માતા અમ્બાને ત્યાં થયો હતો. તેમનું મૂળ નામ શંકર હતું. બાળપણ પોતાનાં ગામ મા જ પ્રાથમિક શિક્ષણ મેળવી તેમણે ગૃહ ત્યાગ કરી દિધો. શંકરાચાર્યે નર્મદા નદીનાં કિનારે ગોવિંદપાદાચાર્ય પાસે સંન્યાસની દીક્ષા લીધી, અને વેદાંત સાથે યોગનું પણ જ્ઞાન મેળવ્યું. એમ કહેવાય છે કે તેઓ પ્રયાગ ગયા, જ્યાં કુમારિલ ભટ્ટે અગ્નિ પ્રગટાવીને પોતાનો દેહ હોમ્યો હતો, અને અર્ધા બળી ગયા હતાં, શંકરે તેમને જ્ઞાનનો ઉપદેશ આપ્યો. કુમારિલ ભટ્ટે તેમને પોતાનાં શિષ્ય મંડનમિશ્રને મળીને તેની સાથે વિવાદ કરીને તેના ઉપર વિજય મેળવવાં કહ્યું. શંકરને એવી એંધાણી મળી કે જ્યાં ઘરને બારણે મેના-પોપટ વેદનું ઉચ્ચારણ કરતાં હોય તે ઘર મંડનમિશ્રનું. શંકર ત્યાં પહોંચ્યા અને તેમની સાથે મીમાંસા અને વેદાંતના સિદ્ધાંત સંબંધી વાદ થયો, જેમાં મંડનમિશ્રનાં પત્ની સરસ્વતી કે ભારતી મધ્યસ્થી થયાં, અને એમ નક્કી થયું કે મંડન હારે તો તેઓ સંન્યાસી થાય. સરસ્વતીએ શંકરાચાર્યનાં જયની ઘોષણા કરી અને મંડન સંન્યાસી બન્યા. ત્યારપછી સરસ્વતી ભારતી એ શાસ્ત્રાર્થ કર્યો અને ગૃહસ્થ જીવનનાં માપદંડ વિશે પૂછ્યું અને કે સાચો સંન્યાસી એ જ કહેવાય જે કામ ને જાણવા છતાં એને છોડી શકે! અને આદિદેવ શંકરાચાર્ય એ એક ગૃહસ્થીમાં પરકાયા પ્રવેશ કરી ગૃહસ્થ જીવનનાં માપદંડ જાણ્યા અને પછી મંડન મિશ્રાની પત્ની સાથે સંવાદ કર્યો. શંકરાચાર્યે આખા હિન્દુસ્તાનમાં પ્રવાસ ખેડી ઉપનિષદોનો અદ્વૈતવાદ અને જ્ઞાનવાદ પ્રવર્તાવ્યો અને એનાં પ્રચાર અને રક્ષણ માટે દેશનાં ચાર ખૂણે ચાર મઠ સ્થાપ્યાં, તથા પોતાનાં મુખ્ય શિષ્યોને મઠાધીશ બનાવ્યાં. આ મઠો દક્ષિણમાં શૃંગેરીમાં, પશ્ચિમમાં દ્વારકા, ઉત્તરમાં બદરીનાથમાં અને, પૂર્વમાં જગન્નાથપુરીમાં સ્થાપ્યા. એક પરંપરાગત માન્યતા એવી છે કે પાંચમો મઠ કાંચીમાં સ્થાપ્યો. તેમના દશનામી સંપ્રદાયના સંન્યાસીઓ આ દસમાંથી એક નામથી ઓળખાય છે, ગિરિ, પુરી, ભારતી, સરસ્વતી, તીર્થ, આશ્રમ, વન, અરણ્ય, પાર્વત, સાગર. અનુભૂતિની કક્ષા અનુસાર તેઓ બ્રહ્મચારી, દંડી, પરિવ્રાજક અને પરમહંસ કહેવાય છે.
વેદ અને અધ્યાત્મ અથવા તો આત્મ ઉદ્ધારની યાત્રા માત્ર સંન્યાસીઓ માટે જ છે, અને સંસારીઓ ને આમાં કોઈ ગતાગમ પડે નહીં! એવી સખ્ત માન્યતા જ્યારે સમાજમાં પ્રવર્તતી હતી, ત્યારે ભગવાન આદિદેવ શંકરાચાર્ય કે જેણે બહુ નાની ઉંમરથી જ વૈરાગ્ય પંથ પસંદ કર્યો હતો અને સંન્યાસ અંગીકાર કર્યો હતો, એમણે આપણી એટલે કે સંસારીઓ માટે શિવ અને શક્તિનાં કેટલાં બધાં સ્તોત્રની રચના કરી, એમાંથી એક તો માનસિક પૂજા માટે પણ છે! અને એનાં થકી આપણે એ પરમ શિવ શક્તિને આરાધી શકીએ! અને આમ ભક્તિ મુક્તિનાં અનન્ય દ્વાર સંસારીઓ માટે ખોલ્યાં! પોતે અદ્વૈત માર્ગનાં આગ્રહી હોવાં છતાં આપણને પંચદેવની પૂજા આપી અને પંચમહાભૂત સાથે જોડ્યા!
મારી માટે તો સદગુરુ શ્રી પંડિત રામ શર્મા આચાર્ય ભગવાન કહે એ પ્રમાણ છે, અને એમણે કહ્યું કે એમણે પાંચમી સદીમાં કર્મકાંડ અને આકરાં અનુષ્ઠાનની જગ્યાએ સીધીસાદી પૂજા અને જન જાગરણની પ્રવૃત્તિને વેગ આપ્યો અને આ ઉપરાંત એમણે આપણાં અઘરાં અઘરાં શાસ્ત્રોનું ભાષ્ય કર્યું, ઉપનિષદ વગેરેનું પણ આપણે સમજી ને અનુસરી શકીએ, એવું સરલ તરલ અર્થઘટન કર્યું.
સદગુરુ ભગવાન શ્રી રામ શર્મા આચાર્યશ્રીએ આદિ શંકરાચાર્યને ભારતીય આધ્યાત્મિક પરંપરાના મહાન પુનર્જાગરણકર્તા તરીકે સ્વીકાર્યા છે, કારણ કે સંન્યાસ માર્ગ અને સનાતન ધર્મને બચાવવા! એમણે ભવિષ્ય વાંચ્યું હશે અને આગળ સમય એવો આવશે જ્યારે અનેક વિધર્મી ઓ સનાતનની લાંબી લાંબી કર્મકાંડની અર્થ હીન અને છતાં આર્થિક રીતે મોંઘી મોંઘી પૂજા કે યજ્ઞો સામે પ્રશ્નો ઉભા થશે, અને ત્યારે, શંકરાચાર્યએ વેદાંત એટલે કે અદ્વૈતનું પુનઃસ્થાપન કરીને સમાજમાં આધ્યાત્મિક એકતા લાવી, અને બાહ્ય પ્રકૃતિના પંચ મહાભૂતથી પ્રભાવિત થતા મનુષ્યના શરીરની આંતરિક પ્રકૃતિનાં પંચ મહાભૂતને સંતુલન કરવાં પંચ દેવ પૂજા અસરકારક ઉપાય છે! અને આમ કરવાથી એ તત્વો પૃષ્ઠ થાય અને તન અને મન બંને નિર્વિકાર એટલે સ્વસ્થ રહે. શંકરાચાર્યનાં સ્તોત્રો ભજ ગોવિંદમ, નિર્વાણષટકમ, સૌંદર્યલહરી વગેરે વિશે સદગુરુ ભગવાન શ્રી રામ શર્મા આચાર્યજીનો અભિપ્રાય એવો હતો કે, એમાં ઊંડો તત્વજ્ઞાન અને ભક્તિનું સંમિશ્રણ છે, અને પૂજાપાઠ કરતી વખતે ભાવનું પતન થાય નહીં અને બંને એટલી પવિત્રતા રાખીને પાઠ કરવાથી મન શાંતિ અનુભવે અને ચેતનાની ઉર્ધ્વ ગતિ કે ઉન્નતિ થાય છે. જોકે એમણે એમ પણ કહ્યું કે સત્ય જ્યાં સુધી વાણી અને વિચાર સુધી સિમિત રહેશે, ત્યાં સુધી એ અધૂરું છે! એને આચરણમાં મુકવું પડે! એ ચરિત્રોને આદર્શ બનાવી એનાં જીવન સિદ્ધાંતને અનુસરવું પડે.
મારાં સદગુરુ ભગવાન આ વાત પર પણ વારંવાર ભાર મૂકે છે કે “સ્તોત્રો, મંત્રો અને ઉપાસના એ તો લક્ષ્ય સુધી પહોંચવાનું સાધન છે, બાકી આત્મપરિવર્તન અને દેવત્વનો વિકાસ તો આપણી પૂરેપૂરી જાગૃતિ હોય તો જ શક્ય છે. તેમણે શંકરાચાર્યના સમયને પારખીને કરેલા સનાતની ધર્મના માળખા ને ઠીક કરવાનાં કાર્યને “જ્ઞાન અને આધ્યાત્મિક ક્રાંતિ” તરીકે ગણાવી, પરંતુ સાથે કહ્યું કે આજના સમયમાં ભક્તિ સેવા સદાચાર પણ એટલાં જ મહત્વના છે, કારણ કે આપણે સંસારીઓને સમાજમાં જ રહેવાનું છે, અને ત્યાં માનવતાનું આચરણ જ શ્રેષ્ઠ પરિણામ આપશે. ટૂંકમાં સારાંશ એટલું જ કે ગમે તે રીતે પણ જીવનમાં માત્ર ઉંમરની વૃદ્ધિ નહીં પણ આધ્યાત્મિક મૂલ્યો પણ વધવા જોઈએ! સનાતન ધર્મ જ માનવતા શીખવશે અને એનાં થકી જ વિશ્વમાં શાંતિ પ્રવર્તશે એવું લાગતાં જ એમણે સનાતન ધર્મ નો અનુરોધ કર્યો! આપણે આદિદેવ શંકરાચાર્ય ને અનુસરી અને આધ્યાત્મિક અનૂભૂતિ પામી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે તો સૌને મારા જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
