
આજે વૈશાખ સુદ ચૌદસે નૃસિંહ જયંતિ છે, પણ વૈશાખ સુદ પૂનમે બુદ્ધ અને નરસિંહ મહેતા બંનેની જયંતિ છે, પૂનમે બુદ્ધ વિશે વાત કરીશું પણ આજે નરસિંહ વિશે લખીશું. આખું વર્ષ પ્રાર્થનાંમાં લખ્યું, પણ મને અત્યંત પ્રિય એવાં નરસિંહનાં ઉજળા ચરિત્ર વિશે લખવાનું કેમ છોડી શકું! આમ તો આપડે ટૂંકા પડીએ! જેની સ્વયં શ્રીકૃષ્ણે શેઠ શામળશા બની સેવકાઈ સ્વીકારી હોય, એને વિશે આપણે શું કહી શકીએ? પણ થોડાં શબ્દ પુષ્પ એની માટે વાપરીને શબ્દ શુદ્ધિ અને ભાવ શુદ્ધિ કરી શકીએ તોય ઘણું. આમ તો નરસિંહે પોતાની ભક્તિની પરાકાષ્ઠાએ જે શબ્દ બ્રહ્મની રચના કરી, માત્ર એ શબ્દને પકડીએ તો પણ હરિ સુધી પહોંચી જવાય, એટલી સરળ અને સચોટને સહજ શબ્દ વાણી. મારાં મતે નરસિંહ એટલે, નર રુપે આવેલો એક એવો સિંહ કે જેણે સમય રુપી કાળને કોળિયો બનાવ્યો! અને કળિયુગમાં જન્મ થયો છતાં દ્વાપરમાં જેની આવનજાવન રહી! શબ્દ એ આકાશનું સંતાન છે, અને રીતે એમનાં શબ્દ બ્રહ્મ વિષ્ણુનો અવતાર!
નરસિંહનો જન્મ તળાજામાં થયો હતો પરંતુ તેની કર્મ ભૂમિ જુનાગઢ છે.આમ તો ઈતિહાસમાં નરસિંહના પરિવારનો બહુ ટૂંકો ઉલ્લેખ જોવાં મળે છે. કૃષ્ણ પ્રસાદ અને દયા કુંવરનાં પુત્ર તરીકે નરસિંહનો જન્મ તળાજામાં થયો હતો. તેઓ પાંચ વર્ષની ઉંમરનાં હતાં, ત્યારે જ તેનાં પિતા વીરગતિને પામ્યાં, અને ત્યારબાદ તેમની માતાનું પણ અવસાન થયું. એટલે તેના દાદી જયાગૌરી એ તેને ઉછેર્યા હતાં, અને છ વર્ષ સુધી તેઓ કંઈ બોલ્યા પણ નહોતાં. એક સિદ્ધ સંત તેના કાનમાં રાધે ગોવિંદ બોલ્યાં અને એમને કૃષ્ણ ભક્તિ આપી, ત્યાર પછી એ બોલવાં લાગ્યા. એમને એક મોટા ભાઈ ભાભી હતાં જે જૂનાગઢમાં રહેતા, જેમનું નામ વંશીધર હતું, અને એને ત્યાં એ રહેતા હતા. માણેકબાઇ નામની સંસ્કારી અને સુશીલ કન્યા સાથે તેમનાં લગ્ન થયાં અને ત્યારબાદ શામળશા અને કુંવરબાઈ નામે બે સંતાનો થયાં. પરંતુ આપણે સૌ જાણીએ છીએ તેમ નરસિંહ મહેતાએ આર્થિક ઉપાર્જન માટે કોઈ કાર્ય સ્વીકાર્યુ નહોતું, એટલે તેનાં મોટાં ભાઈએ તેમને બહુજ સતાવ્યા, છતાં તેમણે તેની સાથે ઝઘડો કર્યો નથી. માણેકબાઇ એ ક્યારેય કંઇ કહ્યું હોય તો પણ, મોટા છે તેને કહેવાનો અધિકાર છે, એવી વાત કરી વાતને વાળી લીધી હતી. એટલે કે પરિવારજનોમાં તે પરમાત્માના દર્શન કરતાં હતાં, અને એ રીતે તે જીંદગીભર જીવ્યા. જે મોટાભાઈએ તેનું અપમાન કરી કાઢી મુક્યાં હતાં, ઈશ્વરે દર્શન દીધા ત્યારે ભગવાન કૃષ્ણને તેણે થોભી જવા કહ્યું હતું, અને કહ્યું હતું કે હું મારા ભાઈને બોલાવી લાઉં, આવી વાતનો ઉલ્લેખ પણ ઈતિહાસમાં મળે છે. આ ઉપરાંત કુંવરબાઇના મામેરા અને શામળશાના વિવાહના પ્રસંગો પરથી પણ જાણી શકાય, કે તેમણે પરિવારમાં કે કુટુંબમાં પરસ્પર દેવો ભવની પ્રીત નિભાવી છે. રીતરિવાજ અને પરંપરાની એ સમયે પરાકાષ્ઠા હતી, અને પહેરામણીનો એક કુરિવાજ પણ હતો, જેને કારણે જે પહોંચી શકે નહીં તેને સતાવવામા આવતા. નાગરોમાં નરસિંહના જીવન પરથી શીખ લઈને આજે તો હવે કંકુ વેરે કન્યા પરણે છે. એટલે કે લેતીદેતીનાં કોઈ સંબંધોને નાગર જ્ઞાતિમાં મહત્વ આપવામાં આવતું નથી, પણ હવે સુધરેલા સમાજમાં પાછાં હોંશ ને નામે વ્યવહાર શરૂ થયાં છે, જે દેખાદેખી કરાવે એવું દૂષણ છે.
નરસિંહનું મન તો રાધે ગોવિંદ એટલે કે કૃષ્ણ ચરિત્રમાં લાગી ગયું હતું, અને આ સંસાર તો તે આમજ નિભાવતા હતાં, અને તે ઇચ્છતા હતાં કે સમાજનો એક એક વ્યક્તિ સંસારમાં રહીને પણ પરમ તત્વને પામે, અને એનાં માટે થઈને તેણે વેદ વેદાંતને પોતાના પદમા ઉતાર્યા, એક એકથી ચડિયાતી રચનાઓ, શબ્દ બ્રહ્મની ઉપાસનાથી કે કૃષ્ણની ઉપાસના દ્વારા પ્રાપ્ત થઈ. આમ ખૂબ જ ઉત્તમ કહી શકાય એવી રચનાઓ તેમના નામે છે. સમાજ પણ બહુ વિચિત્ર માનસિકતા ધરાવતો હોય છે, જે તે વ્યક્તિ જીવીત હોય ત્યારે તેની નિંદા કરે, અને આજે નરસિંહ પર પીએચડી કરનારાં પણ કેટલાય છે, અને કરી ચૂકેલા પણ છે. તેણે ક્યારેય નાત-જાતનાં ભેદને મહત્વ આપ્યું નથી, અને એ સમયમાં પણ તે જ્ઞાતિજનો અને ઉચ્ચ વર્ણનાં લોકોનો વિરોધ હોવાં છતાં હરિજનવાસમાં જતાં, અને ત્યાં ભજન સંભળાવતાં. આ ઉપરાંત સમાજનું હિત જેમાં સમાયેલું હતું, એવું કાર્ય એટલે કે વર્ણભેદ નીતિનું ઉલંઘન તેણે કર્યું. આટલી સદીઓ પહેલાં કે જ્યારે વર્ણભેદને ખૂબ જ મહત્વ આપવામાં આવતું, ત્યારે તેણે સૌને સરખા સમજી એનામાં ઈશ્વરનાં દર્શન કર્યા.
સચરાચર સૃષ્ટિમાં પરમ ચૈતન્ય ચિદ વિલાસ કરી રહ્યું છે, તેનો સાક્ષાત્કાર તેમને થયેલો હશે, અને એટલે જ એ શબ્દાનુભૂતિની પ્રતીતિ રૂપે, એમણે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિની રચના કરી, અને સ્પષ્ટપણે લખ્યું પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષમાં ફાલી રહ્યો એ આકાશે. આ ઉપરાંત બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ખેલ ભાસે, પ્રેમરસ પાને મોરના પિચ્છધર તત્વનું ટૂંપણું તુચ્છ લાગે, એવા અદભૂત પ્રાકૃતિક રીતે પરસ્પર દેવો ભવને સિદ્ધ કરનારી રચનાઓ લખી, અને આવું લખવું એ નરસિંહના જીવનમાં માત્ર કોઈ કલ્પના નહોતી! એણે એ રીતે પરમાત્માને અનુભવ્યો હતો. જે તે સમયના વર્તમાન સમયમાં પણ જો એ ભૂતકાળમાં જઈને કૃષ્ણ ચરિત્ર સાથે રાસલીલા કરતા હોય, અને એના શૃંગાર રસના પદ રચી કૃષ્ણ સાથે રસ ક્રિડા કરી શકતા હોય, તો એ સમયનાં વર્તમાનમાં તે સૌમાં પરમાત્મ તત્વનાં દર્શન કરે, એ કોઈ ચમત્કારની વાત નથી લાગતી.
નરસિંહનાં જીવનનાં એક મહત્વનો પ્રસંગ જે આજે પણ ખૂબ પ્રસિદ્ધ છે, એ છે એમનાં પિતાનાં શ્રાદ્ધનો પ્રસંગ. ભગવાન શ્રી કૃષ્ણએ અદભૂત એશ્વર્ય બતાવી ભક્તનું એ કાર્ય સંપન્ન કર્યું. ઈશ્વરે ભક્તના પદ ને આટલી મોટાઈ આપી, છતાં સમાજે એને સતાવવાનુ છોડ્યું નહીં! ત્યારે નરસિંહનાં જ એક પદ નાગ દમનની એક પંક્તિનો આશ્રય કરી આપણે એની માફી માંગીએ તો કદાચ ભૂતકાળની એ ભૂલનો પશ્ચાતાપ થઈ શકે! અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને! આમ અસ્તિત્વની એક વ્યવસ્થા રુપે આવેલાં અને યુગોયુગો સુધી સમાજને જગાડવા માટે પર્યાપ્ત એવાં પદ આપનાર નરસિંહ એટલે નરસિંહ! બસ..
નાગરોનું નામ જગવિખ્યાત કરનારા નરસિંહ મહેતા પોતાના જીવનકાળ દરમિયાન સૌમાં પરમાત્મા વસે છે,અને સમાજમાં વસતાં સૌને જીવન જીવવાનો સમાન અધિકાર મળવો જોઈએ એવું માનનારા હતાં. એટલે એમ કહી શકાય કે ગાંધીજી પહેલા નરસિંહ મહેતા એ રામરાજ્ય સ્થાપાય એનું સ્વપ્ન જોયું હતું, અને સાથે સાથે પહેલ પણ કરી હતી. ગુજરાતી ભાષાનાં પ્રથમ કવિ હતાં, એટલે જ તેને આદિકવિની ઉપલબ્ધિ પણ મળી છે. તેમનું વૈષ્ણવજન નામનું પદ ગાંધીજીને ખૂબ પ્રિય હતું, અને તેમણે તેનો નિત્ય પ્રાર્થનામાં સમાવેશ કર્યો હતો, એ કારણે જ વૈશ્નવ જન તો તેને રે કહીએ,એ વિશ્વ વિખ્યાત બન્યું હતું. નાગરોની પહેલા અન્ય કોઈ મૂર્તિ પૂજા હતી નહીં, તેઓની વૈદિક પૂજા જ હતી, એટલે કે શાસ્ત્રાર્થ કરવો,અને એ ગહન શાસ્ત્રને સરળ બનાવીને એ શાસ્ત્રને લોકોપયોગી બનાવવા આ કામ નરસિંહ એ કર્યું. તો આજે આપણે નરસિંહ જયંતિ નિમિત્તે ભગવાન હાટકેશ્વર દાદા પાસે સંકલ્પ કરીએ કે, આપણે આપણા વૈદિક સંસ્કારો મુજબ જીવીશું, અને સમાજને ઉપયોગી થાય એવા કર્મ કરીશું. આ ઉપરાંત નરસિંહ મહેતા જેમ સૌમાં પરમાત્મા તત્વ રહેલું છે, એ સત્ય સ્વીકારી સૌ સાથે સૌમ્ય ને મિતભાષી વ્યવહાર કરીને, એને અપનાવીએ.જય હાટકેશ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
