વ્યાજખોરોના લીધે બિલ્ડરનો આપઘાત, મોત પહેલા DCPને કરી વિનંતી

0
49
નરીમાનપુરામાં આવેલી કેનાલમાં ઝંપલાવીને મોત વહાલું કરતાં પહેલા શફીકે મોત માટે જવાબદાર લોકોની ઓળખ આપી હતી.
નરીમાનપુરામાં આવેલી કેનાલમાં ઝંપલાવીને મોત વહાલું કરતાં પહેલા શફીકે મોત માટે જવાબદાર લોકોની ઓળખ આપી હતી.

અમદાવાદ: 27 ફેબ્રુઆરીએ જીવન ટૂંકાવનારા જુહાપુરાના 51 વર્ષીય બિલ્ડરનો વિડીયો બુધવારે વાયરલ થયો હતો. વિડીયોમાં તેમણે ઝોન-7ના ડીસીપી પ્રેમસુખ ડેલુને સંબોધીને આરોપ લગાવ્યો છે કે પાંચ શખ્સોએ તેમને આપઘાત માટે મજબૂર કર્યા હતા. આ પાંચ શખ્સોમાંથી ત્રણ વ્યાજખોરો છે અને બે એવા શખ્સો છે જેમણે બિલ્ડરને તેમના કામના રૂપિયા નહોતા ચૂકવ્યા.બિલ્ડિંગ કંસ્ટ્રક્શનનો વ્યવસાય કરતાં મૃતક શફીક ભાટી જુહાપુરાની ખેડાલ મન્સૂરી સોસાયટીમાં રહેતા હતા. નરીમાનપુરામાં આવેલી કેનાલમાં ઝંપલાવીને મોત વહાલું કરતાં પહેલા શફીકે મોત માટે જવાબદાર લોકોની ઓળખ આપી હતી. શફીકે શબાના શેખ, રાશિદાબાનો ગાંધી, સૈફ અલી ખાન પઠાણ, સરફરાઝ શેખ, એજાઝ સૈયદ (તમામ જુહાપુરાના રહેવાસી) અને સેટેલાઈટમાં રહેતા હિરેન શાહ પર આત્મહત્યાની દુષ્પ્રેરણાનો આરોપ મૂક્યો હતો.સરખેજ પોલીસે મંગળવારે આત્મહત્યાની ઉશ્કેરણની કેસ પાંચ શખ્સો સામે નોંધ્યો હતો અને ગુરુવારે તેમની ધરપકડ કરી હતી. વાયરલ વિડીયોમાં શફીક ડીસીપી ડેલુને આજીજી કરે છે કે આરોપીઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે. સાથે જ વિડીયોમાં શફીક કહે છે, ‘મેરે બચ્ચોં કો પૈસે દિલાના ઉન શૈતાનો સે’ અને પરિવાર માટે ન્યાયની માગણી કરી છે.વ્યાજે નાણાં ધીરનારા શબાના, રાશિદાબાનો અને સૈફ અલી ખાન પઠાણ પાસેથી શફીકે 2017 અને 2018માં 30,000થી 3 લાખ રૂપિયા સુધીની રકમ 10 ટકાના માસિક વ્યાજે લીધી હતી. શફીકે તેમને રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં તેઓ વધુ ને વધુ રકમ તેમજ વ્યાજ તેની પાસેથી માગ્યા કરતા હતા. આ ઉપરાંત બીજા ત્રણ આરોપીઓ સરફરાઝ, એજાઝ અને હિરેને સરખેજ, જુહાપુરા અને સેટેલાઈટની જુદી-જુદી જગ્યાએ શફીક પાસે બિલ્ડિંગ કંસ્ટ્રક્શનનું કામ કરાવ્યું હતું પરંતુ આ કામના આશરે 24 લાખ રૂપિયા ચૂકવ્યા નહોતા.