ગુજરાતમાં હજુ આગામી ત્રણ દિવસ રહેશે શિત લહેર, કચ્છમાં આગામી બે દિવસ ‘યલો એલર્ટ’

0
19
ગુજરાતમાં માવઠાની અસર ઓછી થઇ છે પણ હજુ પણ કાતિલ ઠંડીનું જોર યથાવત છે.
ગુજરાતમાં માવઠાની અસર ઓછી થઇ છે પણ હજુ પણ કાતિલ ઠંડીનું જોર યથાવત છે.

ગુજરાતમાં માવઠાની અસર ઓછી થઇ છે પણ હજુ પણ કાતિલ ઠંડીનું જોર યથાવત છે. હાલમાં જો કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરવામાં આવે તો, કચ્છનાં નલિયામાં 6.9 ડિગ્રી પારો ગગ્ડયો છે. અને હજુ આગામી ત્રણ દિવસ તાપમાન ઘટશે તેમ હવામાન ખાતાની આગાહી છે જે માટે હાલમાં બે દિવસ માટે કચ્છમાં ‘યલો એલર્ટ’ જાહેર કરી દેવામાં આવ્યું છે.

આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ચાર ડિગ્રી સુધી ગગડતા ઠંડીનું મોજું ફરી વળ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતનાં 16 તાલુકામાં માવઠું પડ્યું છે. દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુરમાં 1.50 ઈંચ, ભાણવડ-પોરબંદરમાં 1 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-પોરબંદરના રાણાવાવ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ સિવાય અન્યત્ર જામનગરના લાલપુર-જામજોધપુર-કાલાવડ, ભરૂચના નેત્રંગ, તાપીનાં કુકરમુંડા, બનાસકાંઠાનાં થરાદ, કચ્છનાં મુન્દ્રા-માંડવી, પોરબંદરનાં કુતિયાણા, નર્મદાનાં ગરૂડેશ્વરમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૩ દિવસ દરમિયાન વિશેષ કરીને સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં માવઠાની અસર રહી હતી. પરંતુ હવે રાહતની વાત એ છે કે, રાજ્યમાં હવે માવઠાની કોઇ સંભાવના નથી.

હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી ૩ દિવસ દરમિયાન તાપમાનમાં ૨-૪ ડિગ્રીનો ઘટાડો થશે. આ પછીના બે દિવસ દરમિયાન તાપમાન ૩ ડિગ્રી સુધી વધતાં ઠંડીમાં રાહત અનુભવાશે. આમ, હાલની સ્થિતિએ ઉત્તરાયણના પર્વ વખતે વધારે ઠંડીની સંભાવના નહિવત્ છે. ગત રાત્રિએ નલિયામાં ૬.૯ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી ૩ દિવસ નલિયામાં પાંચ ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાઇ શકે છે.

અમદાવાદમાં 24.8 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો ઘટાડો જ્યારે 15.9 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આજે દિવસ દરમિયાન પણ ઠંડા પવનથી શહેરીજનો ઠુંઠવાયા હતા. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી 3 દિવસ 12 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહેતાં કાતિલ ઠંડી અનુભવાશે. અમદાવાદમાં છેલ્લા સતત 6 વર્ષથી જાન્યુઆરીમાં કમસેકમ એકવાર લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે ગયો છે.