EDએ કોર્ટમાં કહ્યું- બિહારની રેલીમાં હુમલો કરવાનું કાવતરું હતું, આ માટે કેરળમાં હુમલાની ટ્રેનિંગનો કેમ્પ કર્યો હતો

0
4
12 જુલાઈએ પટનામાં પીએમ મોદીની રેલી હતી
PFI તાલીમ શિબિરનું આયોજન કરે છે, ગુનાહિત કાવતરામાં પણ સામેલ છે

તિરુવનંતપુરમ : 22 સપ્ટેમ્બરના રોજ, NIA-EDએ 15 રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના 93 સ્થળો પર ઓપરેશન ઓક્ટોપસ હેઠળ દરોડા પાડ્યા હતા. હવે આ કેસમાં તપાસ એજન્સીએ મોટો દાવો કર્યો છે. કોઝિકોડમાંથી ધરપકડ કરાયેલ PFI કાર્યકર શફીક પાયથેની રિમાન્ડ નોટમાં EDએ કહ્યું છે કે પટનામાં 12 જુલાઈએ વડાપ્રધાનની રેલીમાં હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જે અંગેનું ફંડિંગ પુરુ પાડવામાં શફીક પાયથે પણ સામેલ હતો. NIA અને EDએ PFIના સભ્યની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન શફીકે જણાવ્યું કે આ વર્ષે 12 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પટનામાં રેલી કરી હતી. આ રેલી PFIના નિશાના પર હતી. આ માટે PFIએ તાલીમ પણ આપી હતી. તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે PFIના ખાતામાં એક વર્ષમાં લગભગ 120 કરોડ રૂપિયા જમા થયા હતા.આ સાથે ખાતામાં જે રકમ જમા થઈ તેના કરતાં બમણી રકમ રોકડ સ્વરૂપે એકત્ર કરવામાં આવી હતી. તપાસ એજન્સીએ કહ્યું કે સંગઠને તેમના પર હુમલો કરવા માટે એક ટ્રેનિંગ કેમ્પનું પણ આયોજન કર્યું હતું, જેથી 2013 જેવી ઘટનાઓને અંજામ આપી શકાય. ઓક્ટોબર 2013માં પટના ગાંધી મેદાન ખાતે ભાજપના તત્કાલીન સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીની રેલીમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. એજન્સીએ કોર્ટને જણાવ્યું કે PFIના સભ્યો હવાલા દ્વારા નાણાં એકત્ર કરીને તાલીમ શિબિરોનું આયોજન કરે છે. સાથે જ તેના સભ્યો દેશભરમાં અનેક ગુનાહિત કાવતરામાં સામેલ છે. એપ્રિલથી તપાસ ચાલી રહી હતી. CAA કાયદો અને હાથરસ જેવી ઘટનાઓમાં લોકોને સરકાર વિરુદ્ધ ઉશ્કેરવામાં પણ આ સંગઠનો સામેલ છે.EDએ કહ્યું કે PFIને ગલ્ફ કન્ટ્રીમાંથી ફંડિંગ મળે છે. તમામ રુપિયા હવાલા દ્વારા આવે છે. અમે આ વર્ષે PFIના 120 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પાયથેએ પણ કતારમાંથી 40 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, જે ગેરકાયદેસર રીતે મોકલવામાં આવ્યા હતા.જ્યારે કોચ્ચિમાં NIA તરફથી કરવામાં આવેલ એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે PFI ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માટે યુવાનોને લશ્કર અને ISIS જેવા આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.