સિંધી સમાજના પ્રખર સંત શ્રી ભાઉજીના દુઃખદ નિધન થી ઘેરા શોકની લાગણી

0
20
સિંધી સમાજના બહુ મોટા અને સાચા સંત શ્રી ભાઉજીના નિધનથી સિંધી સમાજમાં ઉંડા આઘાતની લાગણી
સિંધી સમાજના બહુ મોટા અને સાચા સંત શ્રી ભાઉજીના નિધનથી સિંધી સમાજમાં ઉંડા આઘાતની લાગણી

– શ્રી ભાઉજીના અંતિમ દર્શનાર્થે હજારો અનુયાયીઓ અને શ્રધ્ધાળુઓ ઉમટયા-કેપ

– શ્રી ભાઉજીની અંતિમયાત્રામાં પણ હજારો અનુયાયીઓ અને સ્થાનિક લોકો જોડાયા : અંતિમ યાત્રામાં એક તબક્કે હ્રદયપૂર્વક ભાવુક દ્રશ્યો સર્જાયા

– શ્રી ભાઉજી સિંધી સમાજના બહુ મોટા અને સાચા અર્થમાં સંત હતા કે જે હંમેશા દિન દુખીયો, ગરીબો અને જરૂરિયાત મંદોને સેવામાં કાર્યરત હતા ; શ્રી ભાઉજીના નિધનને પગલે સિંધી સમાજ ઊંડા આઘાતમાં ગરકાવ

અમદાવાદ, તા.૨૨

     સિંધી સમાજના બહુ મોટા અને સંત ભાઉજી(ચેતનદાસ જેઠાણી)નું આજે સવારે દુઃખદ નિધન થતા સમગ્ર સિંધી સમાજ તેમજ અન્ય હિંદુ સમાજમાં ઘેરા શોકની અને ઊંડા આઘાતની લાગણી પ્રસરી ગઇ હતી. શ્રી ભાઉજી નું ટૂંકી માંદગી બાદ નિધન થતાં ખાસ કરીને સિંધી સમાજ ઊંડા આઘાતમાં ગરકાવ થઈ ગયો છે. ભાઉજીના નિધનના સમાચાર આજે સવારે વાયુવેગે પ્રસરતા સમગ્ર સિંધી સમાજ અને તેમના હજારો અનુયાયીઓ અને સેવકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી કેટલાક શ્રદ્ધાળુ અને લાગણીશીલ અનુયાયીઓ તો રીતસરના ગોખીને આંખોમાં આંસુ સાથે રડતા જોવા મળ્યા હતા. શ્રી ભાઉજીના નિધન બાદ તેમનો પાર્થિવ દેહ આજે બપોરે ૨-૦૦થી ૪-૦૦ વાગ્યા સુધી અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો, બાદમાં સાંજે ૪-૦૦ વાગ્યા બાદ તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં હજારો લોકો ભારે હૈયે અને આંસુ સારતા જોડાયા હતા. એક તબક્કે અંતિમ યાત્રામાં અને અંતિમ સંસ્કાર વખતે ભાવુક અને હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

     સિંધી સમાજના બહુ મોટા અને સાચા સંત શ્રી ભાઉજીની જીવન ઝરમર અંગે તેમના અનુયાયી રમેશભાઇ ગીડવાણીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, શહેરના જૂના વાડજ વિસ્તારમાં સોરાબજી કમ્પાઉન્ડ માં વર્ષોથી રહેતા સિંધી સમાજના ગુરુ અને સાચા સંત એવા શ્રી ભાઉજી એ આ સ્થળ પર હનુમાનજી મંદિર ની સ્થાપના પણ કરી હતી અને તેમના ગુરુ શ્રી લીલાશા મહારાજ ના નામથી એક આશ્રમ સ્થાપ્યો હતો. ભાઉજી હિન્દી સમાજમાં સાંઈબાબાના અવતાર તરીકે પ્રચલિત હતા. તેમની રહેણીકરણી પોશાક પહેરે અને પ્રતિકૃતિ પણ જાણે સાંઈબાબા જેવી હોય તેવી જ તેમના અનુયાયીઓ અને ભક્તોને અનુભૂતિ થતી હતી. ભાઉજી જીવનભર એક સાચા સંત તરીકે બ્રહ્મચર્યનું પાલન કરી દીન દુખિયાની સેવા કરી તેમના ભક્તો અનુયાયીઓ સાથે સાથે સામાન્ય જનતાને પણ આશીર્વાદ આપી તેમના દુઃખો દર્દો હરી લઈ ભારે લોકપ્રિય ધર્મગુરુ અને સાચા સંત તરીકેનું બિરૂદ પામ્યા હતા. શ્રી ભાઉજી એટલા પ્રખર અને મર્યાદાવાળા સંત હતા કે તેઓ સ્ત્રીઓને ત્યારે તેમના દર્શન માટે નજીક આવવા દેતા ન હતા અને તેઓને દૂરથી જ દર્શન આપતા હતા. શ્રી ભાઉજી દીન દુખિયોની સેવા માટે હરહંમેશ પ્રવૃત રહેતા હતા. ખાસ કરીને ઠંડી માં ગરીબોને ધાબળા વિતરણ, પૂનમ અમાસ ના દિવસે પોતાને ત્યાં વિશાળ ભંડારાનું આયોજન, કોઇપણ નાતજાતના ભેદભાવ ભૂલીને તમામ લોકો માટે સદાવ્રત ભંડારો ચલાવતા હતા અને આશ્રમના સ્થળે રામધુન પણ સતત ચાલ્યા કરતી હતી. એટલું જ નહીં ભાઉજી ખાસ કરીને નાના છોકરાઓ અને વિદ્યાર્થીઓને આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા તેમજ સંસ્કાર ઉજાગર કરતા તેઓને યજ્ઞ કેવી રીતે કરવા અને પૂજા વિધિ નું જ્ઞાન માર્ગદર્શન અને જાણકારી આપતા હતા.

     સૌથી નોંધનીય અને મહત્વની વાત એ છે કે શ્રી ભાઉજી ક્યારે તેમની તસવીર એ કોઈને પણ પાડવા દેતા ન હતા કે કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિમાં માનતા ન હતા તેઓ માત્ર આમ જનતાને એટલે કે સામાન્ય લોકોના અને ગરીબ તેમજ જરૂરિયાતમંદો નાં દર્દો દૂર કરવા માટે સતત પ્રવૃત્ત રહી તેઓને સાઈબાબા ની જેમ આશીર્વાદ આપતા હતા. તાજેતરમાં જ શ્રી ભાઉજીને હાર્ટ એટેક આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને સ્ટેન્ટ પણ નાખવામાં આવ્યા હતા પરંતુ ગઈ કાલે ફરીથી તેમની તબિયત એક વખત બગડતા તેઓને તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ તેમનું દુઃખદ નિધન થયું હતું. શ્રી ભાઉજી ના દુ:ખદ નિધનના સમાચારને પગલે ખાસ કરીને સિંધી સમાજ અને અન્ય હિંદુ સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી તો સિંધી સમાજ તો જાણે ઉંડા આઘાતમાં ગરકાવ થઈ ગયો હતો. શ્રી ભાઉજીના પરમ ભક્ત અને અનુયાયી એવા શ્રી વિજયભાઈ કોડવાની (પ્રાયમસ વાલા) અને રમેશભાઈ ગીડવાણી એ જણાવ્યું હતું કે, ભાઉજીના દુઃખદ નિધન થી સિંધી સમાજ ને બહુ જ મોટી અને ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. શ્રી ભાઉજી સિંધી સમાજના એક બહુ મોટા સાચા અને માર્ગદર્શક તેમજ ગુરુ હતા તેમના નિધનથી સિંધી સમાજ જાણે અનાથ બની ગયો છે. સિંધી સમાજને આ કારમો આઘાત સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એ જ અને પ્રાર્થના કરીએ છે અને શ્રી ભાઉજી ના આશીર્વાદ હંમેશા તેમના ભક્તો અને સામાન્ય જનતા પર કાયમ રહે તેજ અમારી દિલની પ્રાર્થના છે.