સંસદમાં માસ્ક પહેરવું ફરજિયાત, પીએમ મોદી, સ્પીકર સહિત બધા માસ્કમાં દેખાયા

0
5
બંને ગૃહોમાં સાંસદો માસ્ક સાથે જોવા મળ્યા હતા
પીએમ મોદી, સ્પીકર સહિત બધા માસ્કમાં દેખાયા

નવી દિલ્હી : સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષ સતત ચીનના મુદ્દાને  લઈ ચર્ચા કરી રહ્યું છે. આજે પણ સંસદનું સત્ર ગરમા-ગરમી વાળું રહ્યું હતું. વિપક્ષે સરકારને ઘેરવાની તૈયારીઓ કરી લીધી હતી, સત્ર શરૂ થતાં જ ચીન પર ચર્ચાની માંગ ઉઠી, વિપક્ષના સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. જે બાદ કાર્યવાહી અટકાવવી પડી હતી. તે જ સમયે, સંસદ સત્રમાં પણ આજે કોરોનાની અસર જોવા મળી હતી. બંને ગૃહોમાં સાંસદો માસ્ક સાથે જોવા મળ્યા હતા. લોકસભા સ્પીકરે પણ સાંસદોને માસ્ક પહેરવાની અપીલ કરી હતી. હોબાળાની ગરમી વચ્ચે સંસદના શિયાળુ સત્રમાં પણ કોરોનાની અસર જોવા મળી હતી. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તમામ સાંસદો, મંત્રીઓ અને અધિકારીઓ માટે ગૃહમાં પ્રવેશતી વખતે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. માસ્ક પહેર્યા વિના અંદર જતા તમામ સાંસદોને માસ્ક આપવામાં આવી રહ્યા છે. લોકસભા અધ્યક્ષે તકેદારી અને સાવધાની રાખવાની અપીલ કરતાં તેમણે કહ્યું કે ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી જરૂરી છે. રાજ્યસભામાં પણ તમામ સાંસદો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા, બંને ગૃહના અધ્યક્ષે પણ માસ્ક પહેર્યું હતુ. સંસદમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલો હંગામો આજે પણ ચાલુ રહ્યો હતો. કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારી અને મનીષ તિવારીએ ચીન સાથેની સરહદની સ્થિતિ પર ચર્ચા કરવા માટે રાજ્યસભામાં નિયમ 267 હેઠળ સસ્પેન્શન ઑફ બિઝનેસ નોટિસ આપી હતી. જોકે આ અંગેમાં વધારે ચર્ચા થઈ હતી નહિ. વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. આ સાથે જ વિપક્ષના હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી પણ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.