ધોરણ 6થી 8ના ઓફલાઈન વર્ગો દોઢ વર્ષ બાદ શરૂ થયાં, વિદ્યાર્થીઓએ કહ્યું આજે આઝાદી મળી હોય એમ લાગ્યું

0
29
વાલીઓને પોતાના બાળકને નાસ્તા અને પાણીની બોટલ સાથે મોકલવા જણાવાયું હતું,આજે 50 ટકા કેપેસિટીની જગ્યાએ 40 ટકા જ વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યાં.
વાલીઓને પોતાના બાળકને નાસ્તા અને પાણીની બોટલ સાથે મોકલવા જણાવાયું હતું,આજે 50 ટકા કેપેસિટીની જગ્યાએ 40 ટકા જ વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યાં.

અમદાવાદ: કોરોના મહામારીની શિક્ષણ પર સૌથી મોટી અસર પડી છે. પહેલી લહેર ઓછી થતાં સ્કૂલો શરૂ કરાઈ હતી. પરંતુ થોડા સમયમાંજ ઘાતક નીવડેલી બીજી લહેર શરૂ થતાં સ્કૂલો ફરી વાર બંધ કરી દેવામાં આવી હતી. સૌથી પહેલાં સરકારે ધોરણ 12 અને 9થી11ની સ્કૂલો શરૂ કરી હતી. હવે આજથી ધોરણ 6થી8ની સ્કૂલો શરૂ કરવામાં આવી છે.ઓફલાઈન વર્ગ શરૂ થતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.રાજ્યભરમાં આજથી સ્કૂલોમાં 6 થી 8ના વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. બાળકો મરજિયાત રીતે વર્ગમાં આવી શકશે. સ્કૂલે આવવા વાલીની સંમતિ પત્ર પણ ફરજીયાત રાખવામાં આવ્યું છે.જે બાળકો ઓફલાઈન ભણવા ના ઈચ્છતા હોય તેમના માટે ઓનલાઇન શિક્ષણ ચાલુ જ રાખવામાં આવશે. રાણિપની નિશાન સ્કૂલ દોઢ વર્ષ બાદ શરૂ થતી હોવાથી અનેક વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યા છે. સ્કૂલમાં પણ શિક્ષક અને આચાર્યએ વિદ્યાર્થીઓનું ઉત્સાહ પૂર્વક સ્વાગત કર્યું છે. નિયમોનું પાલન કરવા માટે સૂચના આપી છે. સ્કૂલના ગેટ પરથી લઈને વર્ગ ખંડ સુધી વિદ્યાર્થીઓ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.આ અંગે સ્કૂલના આચાર્ય વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારના નિયમોના પાલન સાથે આજથી સ્કૂલો ફરીથી શરૂ કરવામાં આવી છે. વર્ગ ખંડ સુધી વિદ્યાર્થીઓ ભેગા ના થાય તે માટે શિક્ષકોને સૂચના આપવામાં આવી છે.વાલીઓને અગાઉથી જ પોતાના બાળકને નાસ્તા અને પાણીની બોટલ સાથે મોકલવા જણાવવામાં આવ્યું હતું. જેથી એક બીજાના પાણીનો ઉપયોગ વિદ્યાર્થીઓ ના કરે. રીસેષ દરમિયાન પણ ભેગા ના થવું અને સ્કૂલ છૂટે ત્યારે પણ ભેગા ના થાય તેની તકેદારી રાખવામાં આવશે. આજે 50 ટકા સંખ્યા બોલાવી તેમાંથી 40 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે.ક્રિના પટેલ નામની વિદ્યાર્થીને જણાવ્યું હતું કે સ્કૂલમાં ખૂબ સારો માહોલ જોવા મળ્યો છે. ઓનલાઇન કરતા ઓફલાઈન ભણવું સારું લાગે છે. મિત્રો પણ રૂબરૂ મળતા સાથે ભણવાની મજા આવે છે. સ્કૂલે અગાઉથી જ નિયમો મોકલ્યા જ્યાં તે પ્રમાણે નિયમોનું પાલન કરી રહ્યા છે. જૈમિન પટેલ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતુંકે આજે દોઢ વર્ષ પછી સ્કૂલે આવ્યા ત્યારે અમને લાગ્યું આજે અમને આઝાદી મળી. મિત્રો સાથે લાંબા સમય બાદ મળવાનું થતાં મજા આવી છે.