ટ્વિટર પાસે સરકારોની વાત માનવા સિવાય કોઈ વિકલ્પ નથી, જેક ડોર્સીના આરોપો પર મસ્કનો જવાબ

0
0

ટ્વિટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ ભારત સરકાર પર ઘણા સનસનાટીભર્યા આરોપો લગાવ્યા હતા

ટ્વિટરના નવા માલિક અને ટેસ્લા કંપનીના સીઈઓ ઈલોન મસ્કે આ મામલે જવાબ આપ્યો

ટ્વિટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ ભારત સરકાર પર ઘણા સનસનાટીભર્યા આરોપો લગાવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે ખેડૂત આંદોલન દરમિયાન ટ્વિટરને ઘણા પત્રકારોના હેન્ડલ બ્લોક કરવા માટે કહેવામાં આવ્યું હતું અને તેમ ન કરવા પર સરકાર દ્વારા  ટ્વિટર પર પ્રતિબંધ લગાવવાની ધમકી આપવામાં આવી હતી. હવે ટ્વિટરના નવા માલિક અને ટેસ્લા કંપનીના સીઈઓ ઈલોન મસ્કે આ મામલે જવાબ આપ્યો છે. 

મસ્કે આપ્યો આ જવાબ 

અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા પછી ડોર્સીના આરોપો પર ઇલોન મસ્કને પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં મસ્કે કહ્યું હતું કે ટ્વિટર પાસે વધુ વિકલ્પ નથી, તેણે સરકાર અને કાયદાનું પાલન કરવું પડે છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકી પ્રવાસે છે, જ્યાં તેઓ ટેસ્લાના સીઈઓ અને ટ્વિટરના નવા માલિક એલોન મસ્કને મળ્યા હતા. બંને વચ્ચેની આ મુલાકાત બાદ ઈલોન મસ્ક મીડિયાની સામે આવ્યા અને પોતાને મોદીના ફેન ગણાવ્યા. દરમિયાન, જ્યારે એક પત્રકારે તેમને જેક ડોર્સીના ભારત સરકાર પરના આરોપો અંગે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે કહ્યું, “ટ્વિટર પાસે સ્થાનિક સરકારોનું પાલન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. જો અમે સ્થાનિક સરકારોના કાયદાનું પાલન નહીં કરીએ તો અમને બંધ કરી દેવાશે, અમારે શક્ય તેટલું કાયદાનું પાલન કરવું પડશે, તેનાથી વધુ કરવું અમારા માટે અસંભવ છે. 

જેક ડોર્સીના આરોપો શું હતા

ઈલોન મસ્કે વધુમાં જણાવ્યું હતું કે સરકારોના પોતાના નિયમો અને કાયદા હોય છે, અમે આ કાયદાઓ હેઠળ રહીને સ્વતંત્ર વાણીને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી શકીએ છીએ. ટ્વિટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ એક ચેનલને ઈન્ટરવ્યુ આપતાં ભારત સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જ્યારે ડોર્સીને પૂછવામાં આવ્યું કે શું તેઓ ટ્વિટરમાં હતા ત્યારે કોઈ સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું? તો તેના જવાબમાં તેમણે ભારત અને તૂર્કીયેનું નામ લીધું. ડોર્સીએ કહ્યું કે ભારતીય તરફથી અધિકારીઓના ઘરો પર તપાસ એજન્સીઓના દરોડા પાડવા અને ટ્વિટર બંધ કરવાની ધમકીઓ મળી હતી. ખેડૂત આંદોલન દરમિયાન, ભારત સરકાર દ્વારા કેટલાક ટ્વિટર એકાઉન્ટ્સને બંધ કરવાનું કહેવામાં આવ્યું હતું, જો તેમ ન કરવા માટે તેમને પરિણામ ભોગવવાની ધમકી આપવામાં આવી હતી.