દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનો માહોલ જામેલો રહ્યો

0
47

અમદાવાદ, તા.૨૫
ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ આજે પણ અકબંધ રહ્યો હતો. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થયો છે જેમાં ડાંગ, નવસારી, તાપી, નર્મદા, સુરતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ ભારે વરસાદ થયો છે. વરસાદી માહોલ હજુ અકબંધ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી બાજુ હવામાન વિભાગની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના જુદા જુદા ભાગોમાં પડી શકે છે જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી બાદ તંત્ર સાવચેત થઇ ગયેલું છે. દક્ષિણ ગુજરાત ઉપર અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની Âસ્થતિ પ્રવર્તી રહી છે. ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન નર્મદા ડેમે સૌપ્રથમ ક્રેસ્ટ લેવલ પાર કરીને ૧૨૧.૯૨ મીટરની સપાટી વટાવી લીધી છે. આજે સવારે ડેમની સપાટી ૧૨૧.૯૮ મીટર નોંધાઈ હતી. ઉપરવાસમાં ભારે વરસાદના લીધે ડેમની જળ રાશિમાં ૧૫૩૬૨ ક્યુસેક પાણીનો વધારો થયો છે. સાથે સાથે ૧૩૬૯૦ ક્યુસેક પાણીની જાવક થઇ છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન આજે સૌપ્રથમ તેનું ક્રેસ્ટ લેવલ પાર કરીને આગળ વધી ગયું હતું. નર્મદા ડેમ સાઇડ ખાતે કેનાલ હેન્ડપાવર હાઉસમાં ૫૦ મેગાવોટ વિજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા પાંચ યુનિટો પૈકી આજે ત્રણ જેટલા યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત રહ્યા હતા. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૦થી વધુ જિલ્લામાં વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે. ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી હોવા છતાં તંત્ર હજુ વરસાદને લઇને આશાવાદી છે. કામરેજ, મહેસાણા, પલસાણા, તાપી, દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થયો છે. બનાસકાંઠા અને સાબરકાંઠા, પાટણ, ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.