દૂધેશ્વરના પ્રાચીન શનિમંદિરમાં શનિ અમાવસ્યાની ભવ્ય ઉજવણી કરાશે

0
80
દૂધેશ્વરના પ્રાચીન શનિમંદિર ખાતે શનિ અમાવસ્યાની ઉજવણી
દૂધેશ્વરના પ્રાચીન શનિમંદિર ખાતે શનિ અમાવસ્યાની ઉજવણી

શનિવારે જ અમાવસ આવતી હોઇ શનિ અમાવસ્યાનું વિશેષ અને અનેરૂ મહાત્મ્ય

શનિદેવના વિશેષ હોમ-હવનમાં શ્રધ્ધાળુ ભકતો દ્વારા 23 હજારથી વધુ આહુતિ અર્પણ કરાશે – શનિવારે બપોરે 12-00 વાગ્યે શનિદેવની મહાઆરતી ઉતારવામાં આવશે – ગુજરાત સહિત દેશભરમાંથી તેમજ વિશ્વભરમાંથી કોરોના મહામારી જડમૂળથી ખતમ થઇ જાય તેવી ખાસ પ્રાર્થના શનિદેવને કરવામાં આવશે

અમદાવાદ, તા.12

        શહેરના દૂધેશ્વર વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન શનિદેવ મંદિર ખાતે આવતીકાલે તા.13મી માર્ચના રોજ શનિ અમાવસ્યા ઉત્સવની ભારે શ્રધ્ધા અને ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. સૌથી નોંધનીય વાત એ છે કે, આવતીકાલે સવારે 7-00 વાગ્યાથી રાત્રે 11-00 વાગ્યા સુધી શનિદેવનો વિશેષ હોમ-હવન અને યજ્ઞ કરવામાં આવશે, જેમાં શનિભકતો અને શ્રધ્ધાળુઓ દ્વારા 23 હજારથી વધુ આહુતિ શનિ મહારાજને અર્પણ કરવામાં આવશે અને ગુજરાત સહિત દેશભરમાંથી તેમજ વિશ્વભરમાંથી કોરોના મહામારી જડમૂળથી ખતમ થઇ જાય તેવી ખાસ પ્રાર્થના શનિદેવને કરવામાં આવશે. સાથે સાથે આવતીકાલે પ્રાચીન શનિદેવ મંદિર ખાતે બપોરે 12-15 વાગ્યે શનિદેવની મહાઆરતી ઉતારવામાં આવશે. તો, શનિ મહારાજનો તેલનો વિશેષ અભિષેક પણ આવતીકાલના પ્રસંગે કરવામાં આવશે. બીજીબાજુ, આવતીકાલે પ્રાચીન અને અતિ ચમત્કારિક શનિદેવ મંદિરમાં શનિ અમાવસ્યા ઉત્સવનું આયોજન હોઇ મંદિર સત્તાધીશો તરફથી દર્શનાર્થે અને હોમ-હવનમાં જાહેરઆહુતિ માટે આવનાર તમામ શ્રધ્ધાળુ ભકતો માટે માસ્ક, સેનીટાઇઝેશન, સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિતની સરકારી તંત્રની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરી છે અને મંદિર વહીવટકર્તાઓ દ્વારા પણ આ માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

        આ અંગે પ્રાચીન શનિદેવ મંદિરના પૂજારી રવિ મહારાજે જણાવ્યું હતું કે, આવતીકાલે શનિવારના દિવસે અમાવસ્યા આવી રહી છે અને શનિદેવનો જન્મ અમાવસના દિવસે જ થયો હોવાથી આવતીકાલની શનિ અમાવસ્યાનું વિશેષ અને અનેરૂ મહાત્મ્ય વધી જાય છે. કોરોના મહામારીના કારણે માનવજાત ભારે હેરાન-પરેશાન અને ત્રાહિમામ્ પોકારી ગઇ છે ત્યારે માનવજાતની સુરક્ષા અને જગતના કલ્યાણ માટે આવતીકાલે શનિ અમાવસ્યાના પવિત્ર દિને માનવજાતના કલ્યાણ અને સુરક્ષા માટે શનિદેવને વિશેષ પ્રાર્થના કરવામાં આવશે. આ માટે આવતીકાલે શનિમહારાજની વિશેષ પૂજા-અર્ચના પણ કરવામાં આવશે. આવતીકાલે વહેલી સવારે 7-00 વાગ્યાથી શનિમંદિરના પ્રાંગણમાં શ્રધ્ધાળુ ભકતો દ્વારા શનિદેવના વિશેષ હોમ-હવનમાં જાહેરઆહુતિ અર્પી શકાય તે માટેનું ખાસ આયોજન કરાયું છે. જો કે, કોરોના મહામારીને લઇ સુરક્ષાના ભાગરૂપે તમામ શ્રધ્ધાળુઓએ માસ્ક, સેનીટાઇઝેશન, સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિતની સરકારી તંત્રની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આવતીકાલે બપોરે 12-15 વાગ્યે શનિદેવની મહાઆરતી કરવામાં આવશે. આવતીકાલે શનિ અમાવસ્યાના પવિત્ર દિનને લઇ દર્શનાર્થે આવનાર તમામ શ્રધ્ધાળુ ભકતો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા મંદિર સત્તાધીશો તરફથી કરવામાં આવી છે.

        શનિદેવ મંદિરના પૂજારી રવિ મહારાજે વધુમાં ઉમેર્યું કે, કોરોના મહામારીને જોતાં આવતીકાલે બહારથી લાવેલ કોઇપણ પ્રકારનો પ્રસાદ કે તેલ મંદિરમાં સ્વીકારવામાં આવશે નહી. શનિમંદિરના સ્વ.મહંત શ્રી શિવપ્રસાદ ડી. ભાર્ગવ અને લાલચંદજી ડી.ભાર્ગવની પ્રેરણાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શનિ અમાવસ્યાની ઉજવણી ભારે ભકિતભાવ સાથે અને પરંપરાગત રીતે કરવામાં આવશે. આવતીકાલે શનિ અમાવસ્યાને લઇ હજારો શ્રધ્ધાળુ ભકતો દૂધેશ્વર ખાતેના પ્રાચીન શનિમંદિર ખાતે ઉમટનાર હોઇ મંદિર સત્તાધીશો અને વહીવટકર્તાઓ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શનિ અમાવસ્યાના પવિત્ર દિને દાન-પૂજાનું અનેરૂ મહાત્મ્ય હોઇ શ્રધ્ધાળુ ભકતોએ તેનો પૂરેપૂરો લાભ લેવો જોઇએ એમ પણ મંદિરના પૂજારી રવિ મહારાજે ઉમેર્યું હતું.