31 ડિસેમ્બરે નિવૃત્ત થશે સેનાઅધ્યક્ષ જનરલ બિપિન રાવતઃ ત્રણ નામ રેસમાં

0
105

ભારતીય સેનાઅધ્યક્ષ જનરલ બિપિન રાવત ૩૧ ડિસેમ્બરે રિટાયર્ડ થઈ રહ્યા છે જે અંતર્ગત તેમના ઉત્તરાધિકારીની નિમણૂકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નવા સેનાઅધ્યક્ષની રેસમાં લેફ્ટનન્ટ જનરલ એમ. એમ. નરાવને, લેફ્ટનન્ટ જનરલ રણવીર સિંહ અને લેફ્ટનન્ટ જનરલ એસ. કે. સૈનીના નામની ચર્ચા છે.

વર્તમાન સેનાઅધ્યક્ષ રિટાયર્ડ થવાના હોય એના ચાર-પાંચ મહિના પહેલાં જ નવા સેનાઅધ્યક્ષની નિમણૂ‍કની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. નવા સેનાઅધ્યક્ષની નિમણૂક માટે રક્ષા મંત્રાલયની દરમ્યાનગીરી ઘણી જ ઓછી હોય છે. નવા સેનાઅધ્યક્ષની નિમણૂકનો અંતિમ નિર્ણય વડા પ્રધાન મોદીના નેતૃત્વવાળી કૅબિનેટની નિમણૂક કમિટી કરે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ એક માત્ર આ કમિટીમાં સામેલ છે.

પહેલાં નવા સેનાઅધ્યક્ષની પસંદગીનું એલાન વર્તમાન સેનાઅધ્યક્ષ રિટાયર થવાના એક મહિના પહેલાં અથવા તો ૪૫ દિવસ પહેલાં થતું હતું. જોકે હવે આ ધારણા બદલાઈ ગઈ છે. નવા સેનાઅધ્યક્ષની નિયુક્તિને લઈને પ્રક્રિયા એ સમયે શરૂ કરવામાં આવી છે જ્યારે વર્તમાન સેનાઅધ્યક્ષ બિપિન રાવત રિટાયર થવાના છે અને પાકિસ્તાનની સાથે ભારતનો તણાવ વધતો જઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-૩૭૦ હટાવ્યા બાદથી પાકિસ્તાન ફફડી ઊઠ્યું છે અને સીમા પર સતત ફાયરિંગ કરી રહ્યું છે.

ત્યાં જ રક્ષાપ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું કે ભારતનું સુરક્ષાબળ સીમા પર પડકારનો સામનો કરવા માટે તૈયાર છે. પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી ઠેકાણાંઓ ફરીથી સક્રિય થવાના સવાલ પર રાજનાથ સિંહે કહ્યું કે દેશનું સુરક્ષાબળ સંપૂર્ણ રીતે તૈયાર છે. તે ચેન્નઈમાં તટરક્ષક બળના પૅટ્રોલિંગ જહાજ ‘વરાહ’ની લૉન્ચિંગ પર પહોંચી ગયા હતા.