
મહારાષ્ટ્રના નાગપુરમાં આજે બીજા દિવસે ખેડૂતો ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન પૂર્વ મંત્રી અને પ્રહાર પાર્ટીના નેતા બચ્ચુ કડુના નેતૃત્વમાં કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ નહીં કરે, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
ઉગ્ર વિરોધ કરી રહેલા આંદોલનકારી ખેડૂતોએ નાગપુર-હૈદરાબાદ નેશનલ હાઈવે ચક્કાજામ કરી દીધો છે, જેના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે. હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. બીજીતરફ પોલીસ તંત્ર આંદોલનની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.આંદોલનની આગેવાની કરી રહેલા પૂર્વ મંત્રી અને પ્રહાર પાર્ટીના નેતા બચ્ચુ કડુએ કહ્યું કે, ‘અમે ખેડૂતોની વેદના અને વધતા દેવાના બોજના કારણે દેખાવો કરી રહ્યા છીએ. આંદોલનકારીઓ ઈચ્છે છે કે રાજ્ય સરકાર તાત્કાલિક પગલાં ભરે અને ખેડૂતોને રાહત આપે.


