સદગુરુ કૃપા હી કેવલમ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- ચિંતનની ક્ષણે.
મિત્રો- શુભ સવાર.
કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ વાજપેય યજ્ઞ એટલે શું??
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સમગ્ર ગુજરાતમાં અષાઢમાં બારે મેઘ ખાંગા થયાં, અને હવે અષાઢ સમાપ્તિને આરે છે. રવિવારે 9/8 નાં રોજ અષાઢ વદ એકાદશી છે, અને આપણી હિન્દુ સંસ્કૃતિમાં એકાદશીનું ખૂબ મહત્વ છે,તો આપણને વિચાર આવે કે એકાદશીને આટલું મહત્વ શું કામ અપાયુ છે! અને સદગુરુ કૃપા એ ચિંતન કરીએ તો દરેક જીવ પાસે દસ કર્મેન્દ્રિયો અને અગિયારમી ઈન્દ્રિય તરીકે મન છે! અને એમાં કળિકાળે મન સૌથી વધુ કાર્યરત છે! એટલે એમ કહી શકાય કે અગિયારમી ઈન્દ્રિય મનનાં કહેવાં પ્રમાણે બાકીની દસે કર્મેન્દ્રિયો સંસાર રુપી વનમાં વિચરે છે, અથવા તો ઈન્દ્રિયને ગાય સાથે સરખાવીએ તો, સંસાર રુપી વનમાં ચરે છે, એમ કહી શકાય! હવે આ દસે કર્મેન્દ્રિયો આડી અવળી જગ્યાએ ન જાય, અથવા માર્ગ ભટકી જાય નહીં, એની માટે મનનું જાગૃત હોવું બહુ જરૂરી છે, અને એટલે જીવની જાગૃતિ માટે એકાદશીનું મહાત્મ્ય બતાવ્યું છે! પ્રથમ તો મન પર સંયમ બની રહે, એ માટે હરિ સ્મરણ અને હરિ સંકિર્તનનું મહત્વ છે. ઉપવાસ એ બીજી પ્રાથમિકતામાં આવે છે, કારણ કે ઉપવાસમાં ફરાળને નામે પણ કેટલુંય હોય છે! એટલે એમ સંયમ થવો એ કઠિન છે.
અષાઢ વદ એકાદશીને કામિકા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. આ વ્રત કરવાથી પાપ નાશ પામે છે, અને પુણ્ય મળે છે. આ પવિત્ર એકાદશીને હિંદુ ધર્મમાં મોક્ષ અને શાંતિ આપનાર માનવામાં આવે છે.ભક્ત આ દિવસે મન તથાં અન્ય ઈન્દ્રિયોનાં સંયમ માટે ઉપવાસ કરે છે. પરંતુ અહીં ઉપવાસ એટલે અન્ન ત્યાગ નથી, ઉપ + વાસ એટલે કે ઉપરવાળા હરિ સંગે વાસ કરવાનો છે, અને એથી આ ખાવું! આ પીવું! એમ ભોગમાં અટવાઈ જવાય નહીં માટે અન્ન ત્યાગનું મહત્વ છે. આ ઉપરાંત વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવામાં આવે છે, અને રાત્રીએ જાગરણનું વિશેષ મહત્ત્વ છે. કામિકા એકાદશીએ વિષ્ણુનાં શ્રીધર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે,આ કથા સાંભળવાથી વાજ્પેય યજ્ઞ જેવું ફળ મળે છે.તો આ છે આ એકાદશી કરવાનું મહાત્મ્ય.
કામિકા એકાદશી પાછળની પૌરાણિક કથા શું છે? એવો જ્યારે યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પ્રશ્ન કર્યો, ત્યારે એમણે જણાવ્યું કે બ્રહ્માએ આ કથાનક નારદ મુનિને કહ્યું હતું! કે પ્રાચીન સમયમાં એક ગામમાં એક બળવાન જમીનદાર ક્ષત્રિય રહેતો હતો. એક દિવસ કોઈ કારણસર તેને ગામનાં એક બ્રાહ્મણ સાથે ઝઘડો થઈ ગયો. ક્રોધમાં આવીને ક્ષત્રિયના હાથે બ્રાહ્મણની હત્યા થઈ ગઈ. પોતાનાં હાથે બ્રહ્મહત્યાનું પાપ થતાં ક્ષત્રિય ખૂબ જ દુઃખી થયો.તે બ્રાહ્મણોનાં અંતિમ સંસ્કાર કરવા માંગતો હતો,પરંતુ અન્ય બ્રાહ્મણોએ તેને તેમ કરવા દીધું નહીં, અને તેને સભામાંથી બહાર કાઢી મૂક્યો. બ્રાહ્મણોએ તેને કહ્યું કે જ્યાં સુધી તું બ્રહ્મહત્યાનાં પાપમાંથી મુક્ત નહીં થાય, ત્યાં સુધી તારાં હાથનું ભોજન અમે સ્વીકારીશું નહીં, અને તારાં ઘરનાં કોઈ પ્રસંગે બ્રાહ્મણો આવશે નહીં. ક્ષત્રિયે ખૂબ જ પસ્તાવો કર્યો અને એક પૂજ્ય ઋષિ પાસે જઈને આ પાપમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય પૂછ્યો. ઋષિએ તેને જણાવ્યું કે અષાઢ મહિનાના વદ પક્ષની કામિકા એકાદશીનું વ્રત કર. પૂર્ણ શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુની પૂજા કર અને રાત્રે જાગરણ કર. આ વ્રતનાં પ્રભાવથી તારું પાપ નષ્ટ થઈ જશે. ઋષિનાં કહેવાં પ્રમાણે ક્ષત્રિયે આ વ્રત રાખ્યું. રાત્રે જ્યારે તે ભગવાનની મૂર્તિ પાસે સૂતો હતો, ત્યારે તેને સ્વપ્નમાં ભગવાન વિષ્ણુના દર્શન થયા. ભગવાને પ્રસન્ન થઈને કહ્યું, હે ક્ષત્રિય! તારા વ્રત અને ભક્તિથી હું અત્યંત પ્રસન્ન છું. તારું બ્રહ્મહત્યાનું પાપ દૂર થાય છે.” આ રીતે કામિકા એકાદશીના વ્રતથી તે ક્ષત્રિય પાપમુક્ત બન્યો.
ઉપર આપણે જોયું કે આ એકાદશી કરનારને વાજપેય યજ્ઞનું ફળ મળે છે! રાજસૂય યજ્ઞ અને અશ્વમેઘ યજ્ઞ વિશેની જાણકારી હોય, પણ શાસ્ત્રો વાજપેય યજ્ઞને આ બંને યજ્ઞ કરતાં પણ ઉપરની શ્રેણીમાં મુકે છે! વાજપેય યજ્ઞ એ વૈદિક કાળનો એક અત્યંત મહત્વપૂર્ણ અને ભવ્ય યજ્ઞ છે. હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં તેનું વિશેષ સ્થાન છે. ‘વાજ’ એટલે અન્ન અથવા શક્તિ, અને ‘પેય’ એટલે સોમરસ અથવા પેય પદાર્થ. આ યજ્ઞ અન્ન, સમૃદ્ધિ અને શક્તિ મેળવવા માટે કરવામાં આવતો હતો. આ યજ્ઞ મુખ્યત્વે રાજાઓ એટલે કે ક્ષત્રિયો અથવા ઉચ્ચ કોટિનાં બ્રાહ્મણો દ્વારાં જ કરવામાં આવતો હતો. આ યજ્ઞ દરમિયાન રથ દોડનું આયોજન થતું હતું, જેમાં જે રાજાનો રથ વિજેતા બનતો, તે તેની સર્વોપરી સત્તા દર્શાવતો હતો. હિન્દુ શાસ્ત્રો મુજબ આ યજ્ઞ કરવાથી વ્યક્તિને પૃથ્વી પર અપાર કીર્તિ, સમૃદ્ધિ અને મૃત્યુ પછી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. કામિકા એકાદશીનું વ્રત રાખવાથી આ મોંઘા અને કઠિન યજ્ઞ સમાન પુણ્ય સામાન્ય સંસારીને ઘરે બેઠાં મળી જાય છે.
સદગુરુ કૃપાએ આ યજ્ઞ વિશે આધ્યાત્મિક ચિંતન કરીએ તો! આ યજ્ઞ માત્ર વૈદિક કર્મકાંડ નથી, પણ અંતે તો દરેક યજ્ઞ આંતરિક શુદ્ધિ માટે જ્ઞાન વર્ધક સાબિત થાય, કેમ કે ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ યજ્ઞને માત્ર અગ્નિમાં આહુતિ પૂરતો સીમિત રાખતાં નથી. તેઓ કહે છે કે કર્મયજ્ઞ, જ્ઞાનયજ્ઞ, તપયજ્ઞ, પ્રાણાયામયજ્ઞ વગેરે પણ યજ્ઞ છે. એટલે વૈદિક મહાયજ્ઞોનું અંતિમ લક્ષ્ય આત્મશુદ્ધિ અને પરમાત્માપ્રાપ્તિ છે. હાં કોઈ પણ યજ્ઞ હોય એનું બાહ્ય રૂપ કદાચ સમૃદ્ધિ સંપત્તિ કે પછી લોકકલ્યાણ છે, પરંતુ આંતરિક અર્થ તો પોતાનાં જીવનમાં જ્ઞાન, સંયમ અને ભક્તિ દ્વારાં આધ્યાત્મિક બળ અને પરમ કલ્યાણ પ્રાપ્ત કરવાનો માર્ગ છે. એટલાં માટે પ્રાચીન ઋષિઓ વાજપેયને માત્ર યજ્ઞ નહીં, પરંતુ જીવનને તેજસ્વી અને ધર્મમય બનાવતી સાધના માનતાં હતાં. વાજ એટલે શક્તિ અને પેય પીણું છે, પણ કોઈ પણ યજ્ઞ હોય તો એમાં અગ્નિ, ઘી, યજ્ઞ સમિધ, અને આહુતિ દ્રવ્ય જરુરી છે. અહીં તુલસી આપણને મદદ કરે છે, અને એટલે રામચરિત માનસમાં અગ્નિ એટલે આંતરિક જ્ઞાન. ઘી એટલે પરમ તત્વ પ્રત્યેનો સ્નેહ, આહુતિ દ્રવ્ય એટલે પોતાનો અહંકાર, યજ્ઞ સમિધ રાગ અને દ્વેષ, અને અંતે નીપજ તરીકે મળતાં વાજ અને પેય એટલે શક્તિ તરીકે પ્રાણ તત્વની પૃષ્ટિ અને પેય/ સોમ એટલે આધ્યાત્મિક આનંદ. રથનો વિજય એટલે ઇન્દ્રિયો અને મન પરનો સંયમ! ટૂંકમાં વાજપેય યજ્ઞનો આંતરિક અર્થ એવો પણ થાય છે કે જે પોતાના જીવનમાં જ્ઞાન, સંયમ અને ભક્તિ દ્વારા આત્મબળ પ્રાપ્ત કરે છે, તે સાચો “વાજપેય” કરે છે, અથવા તો જીવનની પ્રાણ ઉર્જા પ્રાપ્ત કરી પરમ તત્વનું સાનિધ્ય પામી આનંદ અર્જીત કરે છે. તો આ એકાદશીએ આપણે પણ એનાં મૂળ મહાત્મ્યને અનુસરી શકીએ એવી એક અનન્ય પ્રાર્થનાં ઈશ્વર ચરણે રાખી, હું મારાં શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
