સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજ
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- પ્રાસંગિક.
અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો દિવસ!
ગઈકાલથી અષાઢી નવરાત્રીની સ્થાપના થઈ, અને આજે ભારતીય સંસ્કૃતિમાં જેનું ખૂબ જ મહત્વ છે, એવી અષાઢી બીજ એટલે વણ પુછ્યાં મુહ્રતનો દિવસ. ભગવાન જગન્નાથની રથયાત્રા એટલે કે નગરચર્યાનો દિવસ. ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ, અને સુભદ્રા ત્રણેય જણાં રથમાં બેસીને નગરચર્યા કરવાં નીકળે છે.
અષાઢી બીજ એટલે કચ્છી ઓનું નવું વર્ષ પણ આ દિવસે શરૂ થાય છે. 1605 માં મહારાવ ખેંગારજી પહેલાં એ કચ્છની વિધિવત રાજ્ય તરીકે સ્થાપના કરી હતી. પરંતુ એ પછીનાં રાજવી એટલે કે લાખો જામ કરીને હતાં, તેમને પોતાનાં રાજ્યની સીમાઓ વિશે શંકા હતી, આથી કેટલાક યુવકોને સાથે લઈ તે રાજ્યની સફરે નીકળ્યાં, અને પોતાનું રાજ્ય વિસ્તૃત કરવાની ઝંખનાને અધુરી રાખી, અષાઢ આવતાં તેઓ પાછા ફર્યા, અને કહેવાય છે કે એ પાછા ફર્યા એ દિવસે અષાઢી બીજનો દિવસ હતો, અને કચ્છ જેવા વેરાન રણમાં ખૂબ જ વરસાદ થયો, અને ત્યાં આગળ હરિયાળી છવાઈ ગઈ, આથી રાજા ખૂબ જ રાજી થયાં અને તેણે સમગ્ર કચ્છમાં એવું ફરમાન કર્યું કે, આજથી કચ્છીઓ અષાઢી બીજના દિવસે જ પોતાનું નવું વર્ષ ઉજવશે. તે દિવસથી દેશ પરદેશમાં વસતા તમામ કચ્છીઓ અષાઢી બીજને દિવસે કચ્છી નવા વર્ષનો પ્રારંભ કરે છે.
જગન્નાથ પુરીમાં ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ, અને સુભદ્રાની મૂર્તિ ધરાવતું બહુ મોટું મંદિર છે, અને જગન્નાથ પુરીમાં રથયાત્રા નીકળતી, પણ હવે ઘણાં શહેરમાં રથયાત્રા કાઢવામાં આવે છે. આખાં વર્ષ દરમિયાન તો ભગવાનની પૂજા-અર્ચના થતી જ હોય, પરંતુ અષાઢી બીજને દિવસે તેમને નગરચર્યા કરવા માટે રથમાં બેસાડીને લઈ જવામાં આવે છે.સામાન્ય રીતે ભક્ત ભગવાનનાં દર્શન કરવાં મંદિરમાં જતાં હોય છે, પરંતુ અષાઢી બીજને દિવસે ભગવાન સામેથી બધાંને મળવાં આવે છે! એનું કારણ શું છે? આની પાછળ પણ એક ઐતિહાસિક ઘટના જોડાયેલી છે. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકામાં પોતાના કક્ષમાં વિશ્રામ ફરમાવી રહ્યા હતાં, અને તેની નજીકમાં રુકમણીજી પણ પોઢી રહ્યા હતાં. ભગવાન નીંદરમાં રાધા રાધા એવું બોલે છે, અને સ્વાભાવિક પણે રુકમણીજીને એ પસંદ આવતું નથી. તે ભગવાનની 16108 રાણીઓને વાત કરે છે કે, ભગવાનની આપણે આટલી સેવા ચાકરી કરીએ છીએ, પ્રેમ કરીએ છીએ, છતાં પણ ભગવાનના મનમાંથી હજી રાધાની યાદ છૂટતી નથી, અને તેનું સ્મરણ તેને સતત થાય છે. બહુ સ્વાભાવિક રીતે જ તે રાણીઓ રાધા કૃષ્ણનાં પ્રેમથી અજાણ હોય છે, અને રુકમણી એમને ભગવાનની કથા કહે છે, પરંતુ ભગવાન અને બલરામ બંને બહાર ગયાં હોવાથી, તે ગમે ત્યારે પાછાં આવી શકે, એટલે સુભદ્રાને મહેલના દ્વારની બહાર ઉભી રાખવામાં આવે છે. પરંતુ સુભદ્રાજીને પણ કથામાં રસ પડતાં તે દ્વાર પાસે મોઢું રાખીને અંદરની કથા સાંભળે છે, એવામાં ભગવાન અને બલરામ પણ આવે છે, અને તે પણ આ રીતે કથા સાંભળે છે, કે અંદર શું ચાલી રહ્યું છે? આ કારણે રુકમણી ના તપથી ત્રણ જણાના હાથ પગ સંકોચાવા લાગે છે, અને મોઢું આને આખ મોટા થઈ જાય છે, અને આખોમાંથી પાણી નીકળવા લાગે છે, અને ત્યારે જ નારદ મુનિ ભગવાન ને મળવા આવે છે, અને કહે છે કે તમારુ આ રૂપ જગતને બતાવો! કે ઈશ્વર પણ અવતાર લે ત્યારે તે કર્મનાં બંધને બંધાય છે. તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ કળિયુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું. ત્યારથી અષાઢી બીજે બલરામ સુભદ્રા અને કૃષ્ણ નગરચર્યાએ નીકળે છે. જે આ રથના દર્શન કરી દોરડું ખેચે તો તેને સર્વ પાપમાંથી મુક્તિ મળે છે. નગરજનો હરે કૃષ્ણ, હરે રામા,બોલી યાત્રાને મંદિર સુધી લઈ જાય છે.
તો એક બીજી દંતકથા પ્રકૃતિગત છે, શ્રીકૃષ્ણ, બલરામ, અને સુભદ્રા પોતાનાં મોસાળ જાય છે, અને ત્યાં તેમને આવો રોગ લાગુ પડે છે, અને તે પાછા ફરે છે, આ દિવસે અષાઢી બીજનો દિવસ હતો.ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન બહુ ઝડપથી થતું હોવાથી,હાથ પગને આંખનું બહુ ધ્યાન રાખવું,એ પણ આ નગરચર્યાનો હેતુ છે.
ઈશ્વરનું કોઈપણ રૂપ, સ્વરૂપ, હોય તે હંમેશા જીવસૃષ્ટિના ઉદ્ધાર માટેનું જ હોય છે, અને તેના દ્વારા આપણને કેટલીય શિખ પ્રાપ્ત થતી હોય છે. રામ ચરિત માનસમા પણ ભગવાનના આવા સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. બિનુ પદ ચલહી, નયન બિનુ દેખી,
સુનહી બિનુ કાના…. ઈશ્વર સચરાચર વ્યાપ્ત છે, અને તેને પોતાનું કાર્ય કરવા કોઈ પણ રૂપ સ્વરૂપની જરૂર હોતી નથી, અને ઈશ્વર કાર્યકારણ સિદ્ધાંતથી પર છે. એટલે કે માનવની જેમ જેવાં સાથે તેવાનું વર્તન તે કરતો નથી, અને એને કારણે જ આપણે આજ સુધી જીવી શકીએ છીએ. બાકી તો ઈશ્વરના અવિનાશી અંશ કહેવાતા આપણે તો, ક્યારનુંય આ પ્રકૃતિ અને અસ્તિત્વ વિશે વિચારવાનું છોડી દીધું છે, પણ એ એવું કરતો નથી, માત્ર કૃપા કરે છે.
વાર ગમે તે હોય, તિથી ગમે તે હોય, અને તારીખ ગમેતે હોય, પણ જો દરેકે દરેક ક્ષણની જાગૃતિ રાખવામાં આવે તો જ મહત્વની છે. બાકી તો આ સંસારરૂપી ગાડરિયા પ્રવાહમાં આપણે ભોગી તરીકે આવ્યા, અને ભોગી તરીકે જ અહીંથી જઈશું. ભોગ એક એવો રસ છે જેમાં ક્યારેય તમને સંતોષનો ઓડકાર કે પરીતૃપ્તિનો ઓડકાર આવતો નથી,હજી વધુની વૃત્તિ નિરંતર વધતી જ રહે છે. પરંતુ આ ભોગ સાથે યોગ અને જોગ જોડાય તો, આ સંસાર પણ પરમ પ્રેમને પામવા માટેનું સાધન બની શકે છે. યુગોનુ અંતર વિત્યું છતાં પણ કૃષ્ણ આપણને આજે પણ એટલા જ પ્રિય છે, અને એનું કારણ એ છે કે, એ સત્ય છે, એ જ પ્રેમ છે, અને એ જ અપરંપાર કરુણા છે, અને આપણે બધાં જ જાણીએ છીએ કે પરમાત્મા જ મનુષ્યનું અંતિમ લક્ષ્ય છે, છતાં પણ એ તરફ દુર્લક્ષ સેવીને આધુનિક યુગમાં જીવી રહ્યા છીએ. જેમાંથી બહાર આવીએ તો કદાચ એ પરમ પ્રકાશના અજવાળા દેખાય. સમગ્ર સંસારને છોડી અને સન્યાસ લઇ જીવન જીવવું એ તબક્કો હવે છૂટી ગયો, એટલે કે સંસાર રુપી પરીવાર બનાવ્યો છે, તો એની જવાબદારી અદા કરતાં કરતાં હરિસ્મરણ, હરિ ભજન કરતાં કરતાં, અને બીજું નાનું મોટું થોડુંક ધ્યાન રાખીને કે જાગૃતિ રાખીએ, આપણાથી કંઈ થાય એવું નાનું મોટું અન્યનુ હિત જેમાં સમાયેલું છે, એવાં થોડા કાર્યો કરતાં કરતાં જીવનનો આ મુકામ તય કરીશું તો ચોક્કસ પ્રેમને નામે કંઇક તો ફળશ્રુતિ આપણે પામીશું જ. કૃષ્ણનાં જીવનનો આજે ખાસ દિવસ છે, અને એ નિમિત્તે પુરા વિશ્વને અષાઢી બીજની ખૂબ ખૂબ વધાઇ, કચ્છીમાડુઓને પણ પોતાના નૂતન વર્ષની ખુબ ખુબ શુભકામના, અને આપણે જીવનમાં કંઈક કરવા આવ્યા છીએ, એ કરીને જઈએ એવા શુભ સંકલ્પથી આજે આ અષાઢી બીજના તહેવારને ઉજવીએ. ભગવાનનો બાહ્ય રથ કદાચ આપણે ખેંચી શકીએ નહીં, પરંતુ આંતર રથમાં બેઠેલા હરિને નિશ્ચિત મુકામ સુધી લઈ જવા કટિબદ્ધ બનીએ, અને પૂર્વની આપણી પંરપરાગત સંસ્કૃતિને એ રીતે નિભાવીએ. જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)
