Monday, September 14, 2026
HomeReligionકાનજી તારી મા કહેશે પણ...આ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ અવસ્થા દર્શાવે છે?

કાનજી તારી મા કહેશે પણ…આ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ અવસ્થા દર્શાવે છે?

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

કાનજી તારી મા કહેશે પણ…આ રચનામાં નરસિંહ ભક્તિની કંઈ અવસ્થા દર્શાવે છે?

હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજનાં સમયમાં લગભગ સૌ કોઈ ને કોઈ વાતે માનસિક તનાવમાં છે, અને એમાં પણ ખાસ કરીને વચલી પેઢી એટલે કે વયસ્ક! જેણે લગભગ જવાબદારીમાં જ જીવન પૂરું કર્યું! પણ ક્યારેક મિત્રોની મહેફિલ જામે તો, બાળપણ,અને કિશોર અવસ્થાની એ સફર ફરી આંખ આગળથી પસાર થાય! સાવ નાનાં હોઈએ, ઘરમાં બધાં જ લાડ કરે! કાલું કાલું બોલે, હુલામણાં નામથી બધાં બોલાવે, સૌને જાણે રમકડું મળી ગયું હોય એમ બધાં એની આગળ પાછળ ફરે! અને એવું લાગે કે એ સમય તો ક્યારેય પાછો આવ્યો જ નહીં! ધીરેધીરે એ સફર સ્કૂલ, કોલેજ,નોકરી, લગ્ન, એમ આગળ વધે! પણ એ આનંદદાયક પળો જીંદગી ભરનું નજરાણું બની જાય! ટૂંકમાં એમનો હક્ક રહેતો! કે એ આપણને કંઈ પણ કહી શકે, અને આપણે પણ એને બધું કહી શકીએ. ભક્ત અને ભગવાન વચ્ચે પણ આવો સંબંધ હોય છે, અને ભક્તિની પરાકાષ્ઠા એ ભક્ત પણ ભગવાનને કહે છે, તું જે માન તે પણ હું તો તને આમ જ બોલાવીશ! આજે ગુરુવાર એટલે પ્રાર્થનાનો ક્રમ અને આવાં જ સુંદર ભાવ વાળી નરસિંહની એક રચના..

*નરસિંહ મહેતા*

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતાં નહી માને તો ગોકુળ મેલી દેશું રે… કાનજી તારી મા….

મોટેભાગે બાળકનું નામ ગમે તે હોય પણ એની માતા એને લાડથી કંઈક જુદાં નામે જ બોલાવતી હોય, અને એટલે નરસિંહ ગોપી ભાવે કહે છે, જશોદા મા લાખ મના કરે પણ, અમે તો તને કાનુડો જ કહીશું! અને જો કોઈ વિરોધ કરશે અથવા નહીં માને તો અમે ગોકુળ છોડી દેશું.

માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે…
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે… કાનજી તારી મા….

કાના તને જ્યારે માખણ ખાતાં નહોતું આવડતું, અને મોઢું જ્યારે તારું એઠું એટલે કે બગડેલું રહેતું, અને તું જશોદા માતાની બીકે ખૂણામાં સંતાઈ જતો, ત્યારે આ ગોપીઓ જ તને બચાવતી! તારી આવી તો નાની મોટી કેટલીય હરકતો છે, જેના પર અમે પડદો પાડી તને બચાવ્યો છે! અને છતાં અમે તને કાનુડો ન કહી શકીએ ! જે અમને મંજૂર નથી.

ઝુલણી પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે…
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે… કાનજી તારી મા….

ઝુલણી નાના બાળકનું અંગરખા નીચે પહેરાતું વસ્ત્ર કે જેને વીંટવાનું હોય. એટલે ગોપી કહે છે કે તને કપડાં પહેરતા નહોતાં આવડતાં ત્યારથી અમે તને સંભાળતા આવ્યા છીએ! તું કોઈ ભરવાડની ગાયનું દૂધ પી જતો, ત્યારે એ ભરવાડ તને ગમે તેમ કહેતો અને ત્યાંથી પણ અમે તને છોડાવતાં! અને છતાં અમે તને કાનુડો કહી ન શકીએ ! એ કેવું.

કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે…
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે… કાનજી તારી મા….

અને આ બધું જ તું ભૂલી ગયો અને માતાપિતાને જોઈ કાલો ઘેલો થઈ ગયો! શું અમને કોઈ કોડ નહીં હોય, કે તું અમારો પણ છે! અથવા તો શું અમને કોઈ હક્ક નહીં! અમારાં કર્મને કારણે આપણે એક જ સમયમાં અને એ પણ એક જ ગામમાં આસપાસના આંગણામાં સાથે છીએ! એટલે કે જોડાજોડ.. આ બધી ઘટનાનાં અમે સાક્ષી છીએ.

ઘૂટણીયા ભેર હાલતો, ચાલતો, બોલતો કાલું ઘેલું રે…
ભલે મળ્યાં મહેતા નરસિંહનાં સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે…
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…

ઘૂંટણિયાથી તું જ્યારે રીખતો, એટલે દોડાદોડ કરતો, અને કાલીઘેલી તોતડી બોલી બોલતો, નરસિંહની પ્રેમ ભક્તિની આ શક્તિ છે, કે એને દ્વાપરની આ ઘટનાનો સાક્ષાત્કાર થયો, એટલે કે એણે એ બધું અનુભવ્યું!

શ્રીકૃષ્ણની બાળ લીલાઓ જાણે એને નજરે દેખાઈ હશે, અને એટલું જ નહીં પણ, પોતે જાણે એ લીલાનો હિસ્સો રહ્યાં હોય, એટલો પોતીકો ભાવ ધરાવે છે. આ રચનાનાં સીધાસાદા શબ્દો દ્વારા ભક્તે ભગવાનનાં દિલમાં પોતાનું સ્થાન મેળવી લીધું. ઘણીવાર વિચાર આવે કે નરસિંહ એ વેદ વેદાંતના પદ પહેલાં લખ્યાં હશે કે ભક્તિનાં?? કારણ કે જીવંત પ્રકૃતિમાં પરમેશ્વરનાં દર્શન એટલું અઘરું નથી, પણ સાવ મૌન કે મુક મૂર્તિમાં એને અનુભવવો, એ ચોક્કસ અઘરું પડે! અને એટલે જ મને લાગે છે, કે નરસિંહ એ ભક્તિનાં પદ પછી લખ્યાં હશે. હવે આ રચનામાં નરસિંહ ડીમડીમ ઘોષ કરતાં કહે‌ છે કે, દુનિયા ભલે તને ઈશ્વર કહે, પણ અમારી માટે એટલે કે ભક્તિ કરનારા માટે તું હજી એ જ કાન છો, જેને માખણ ખાઈને મોઢું સાફ કરતાં પણ નહોતું આવડતું! અમે એ તમામ લીલાઓનો હિસ્સો છીએ ! ઘર કેરાણુ અને ઝૂલણી આ બે શબ્દ “નાગરી ” છે. ઘર કેરાણુ એટલે કે ગોપીઓએ તારી માટે એનુ ઘર એવંમ સંસાર એક કોર (કેરાણે) કર્યો, ત્યારે તું માખણ ખાઈને એઠું મોઢું સંતાડવા ખૂણામાં જઈ શક્યો. ઝૂલણી એટલે નાના બાળકની ધોતી, અને ધોતી પહેરાવવી એટલે અમે તને નિર્વસ્ત્ર પણ જોયો છે, બિલકુલ માતૃભાવ, એટલે કે ઠાકોરજીનું સાવ બાળ સ્વરૂપ જેને આપણે લાલજી કહીએ‌ છીએ. નરસિંહ કૃષ્ણની બાળ લીલાઓમાં કેટલાં ઓતપ્રોત થઈ ગયાં હશે! કે એ પોતાને કૃષ્ણ સાથે ગોકુળનાં એ જ આંગણામાં જુવે છે. પણ નરસિંહ બહુ મોટી વાત કરે છે, એટલે કે કર્મ આપણાં એવાં હોય તો આજે પણ આપણે એની જોડાજોડ ઉભાં રહી શકીએ! ટૂંકમાં જેમ બે પ્રેમીઓ વચ્ચે રુસણા મનામણાં હોય, એમ‌ ભકત અને ભગવાન વચ્ચે પણ રુસણા નો સંબંધ હોય છે, અને એમાં ભક્ત ને ભગવાનને કંઈ પણ કહેવાની પૂરેપૂરી સ્વતંત્રતા હોય છે, અને એટલે જ નરસિંહ કહે છે કે ભલે તું દુનિયા માટે ઈશ્વર છે, પણ મારી માટે તો તું ગોકુળની કુંજ ગલીમાં લીલા કરતો નટખટ નંદલાલ છો! અહીં ગોકુળ શબ્દ ભક્તિ માટે વપરાયો છે અને એમ કહે છે કે અમને કાનુડો કહેવાનો હક્ક નહીં મળે તો ભક્તિ છોડી દેશું! નરસિંહનું કહેવાનું તાત્પર્ય એ છે કે અમે આ બધું છુપાવ્યું, અને પાછાં આટલા લાડ કરીને તારો મહિમા વધાર્યો એટલે લોકો તને ઈશ્વર તરીકે પુજે છે! બાકી તને કોણ પુજે!છેલ્લે છેલ્લે તો નરસિંહ કહે છે કે, ચૌદ ભુવનનાં નાથને એવું તે કયું કર્મ કરવાનું હતું, કે તેને નંદ જશોદાનાં ઘરમાં ઘૂંટણિયા ભરીને આમથી તેમ ફરવું પડ્યું! કાલીઘેલી ભાષામાં બોલવું પડ્યું! તો આ છે નરસિંહના સ્વામી! અને એ એને જ મળી શકે! આપણી પાસે નથી એવી ભક્તિની શક્તિ, કે નથી એવું દાસત્વ, પણ એને મળ્યા એમાંય આટલો ફાયદો થયો! જ્યારે જ્યારે એનાં પદ ગાઈએ છીએ, ત્યારે થોડીક કંઈક અનૂભૂતિ થયાં વગર રહેતી નથી. તો આપણે પણ કૃષ્ણને નરસિંહ જેમ કાનુડો કહી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.

લી. ફાલ્ગુની વસાવડા.(ભાવનગર)

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here