દેશમાં બેરોજગારીની સ્થિતિ શહેરોમાં સુધરી, ગામડામાં વકરી

0
4
ગામડાંમાં બેરોજગારી 8.03%
જૂનમાં 1.3 કરોડ નોકરીઓ ખતમ થઈ, પરંતુ બેરોજગાર 30 લાખ જ વધ્યાં

નવી દિલ્હી : દેશમાં બેરોજગારી દર જૂનમાં માસિક આધારે 0.68% વધીને કુલ વર્કફોર્સના 7.80% સુધી પહોંચી ગયો છે, જે મે મહિનામાં 7.12% હતો. બેરોજગારી દરમાં આ વધારો મુખ્યત્વે ગ્રામીણ બેરોજગારી દરમાં વધારાના કારણે થયો છે, જે જૂનમાં માસિક આધારે 1.41% વધીને 8.03% નોંધાયો છે. બીજી તરફ, શહેરી બેરોજગારી દર જૂનમાં માસિક આધારે 0.91% વધીને 7.30% થઈ ગયો છે. જોકે છેલ્લા એક વર્ષમાં આ સૌથી નીચો આંકડો છે. મેમાં તે 8.21%ના સ્તરે હતો. આ માહિતી થિન્ક ટેન્ક સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના આંકડામાં સામે આવી છે.સીએમઆઈઈના એમ.ડી. મહેશ વ્યાસે કહ્યું કે જૂનમાં આશરે 1.3 કરોડ નોકરી ખતમ થઈ ગઈ, પરંતુ બેરોજગારોની સંખ્યામાં માંડ 30 લાખનો વધારો થયો કારણ કે અનેક મજૂરો બજારની બહાર થઈ ગયા. તેનાથી શ્રમ ભાગીદારી દર (લેબર પાર્ટિસિપેશન રેટ)ને જૂનમાં સૌથી નીચા 38.8%ના સ્તરે લાવી દીધો હતો.આ છેલ્લા બે મહિના એપ્રિલ અને મેમાં 40% હતો. રોજગારીમાં આ ઝડપી ઘટાડો ચિંતાજનક છે. જૂનમાં દેશના અનેક વિસ્તારમાં વરસાદ સામાન્યથી ઓછો થયો. તેનાથી ગ્રામીણ વિસ્તારોમાં પાકના વાવેતરનું કામ ઝડપથી ના થઈ શક્યું. કૃષિ ક્ષેત્રે મજૂરી કરતા લોકોને કામ આપવામાં મોડું થવાથી ગ્રામીણ બેરોજગારી વધી છે. આગામી સપ્તાહમાં ચોમાસુ ઝડપથી આગળ વધવાથી શ્રમિકોની ભાગીદારીમાં સુધારો થઈ શકે છે.કૃષિ ક્ષેત્રે જૂનમાં આશરે 80 લાખ લોકોએ નોકરી છોડી છે, જેમાં મોટા ભાગના લોકો એ છે જે વાવણીના કામ સાથે સંકળાયેલા હતા. જોકે, આ દરમિયાન 40 લાખ લોકોને કામ પણ મળ્યું,જે 2020 અને 2021ના એકસરખા સમયગાળાની તુલનામાં ઓછું હતું.