બનારસના કેન્ટ વિસ્તારમાં આજે જેએચવી મોલમાં દિવાળીની ખરીદી કરવા આવેલા ત્રણ યુવાનોએ યોગ્ય ડિસ્કાઉન્ટ ન મળતાં મોલમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. પ્રાથમિક માહિતી મુજબ ફાયરિંગમાં બે મોલ કર્મચારીઓના મોત નિપજ્યાં છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
યુવરાજસિંહની બ્રાન્ડ યુવીકૈનના સ્ટોરમાં ડિસ્કાઉન્ટના વિવાદમાં ફાયરિંગ
મળતી માહિતી મુજબ બુધવારે સાંજે કેન્ટ વિસ્તાર સ્થિત જેએચવી મોલમાં અચાનક ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. જેમાં મોલમાં હાજર તમામ લોકો ડરી ગયા હતા. આ મોલ યુવરાજસિંહની માલિકીનો છે. દિવાળીનો સમય હોવાથી મોલમાં ઘણી ભીડ હતી. ફાયરિંગનો અવાજ સાંભળતા જ લોકો સુરક્ષિત ઠેકાણાં તરફ ભાગવા લાગ્યાં હતા. પ્રાથમિક માહિતી મુજબ ગોળીબારીમાં 2 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે બે લોકો ઘાયલ થયાં છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં તેમની હાલત ગંભીર છે.
વારાણસીના ADG વી પી શાસ્ત્રીએ જણાવ્યું હતું કે જેએચવી મોલ સ્થિત યુવીકૈન (યુવારજસિંહની બ્રાન્ડના સ્ટોરમાં) ડિસ્કાઉન્ટને લઈ કંઈક વિવાદ થયો હતો. ત્યારબાદ ત્રણ કસ્ટમરે ફાયરિંગ કર્યું હતું. CCTVના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ફાયરિંગમાં મોલના જ કર્મચારી સુનીલ અને ગોપીના મોત થયાં છે. જેમાં ગોલુ અને વિશાલ નામના કર્મચારી ઘાયલ થયા છે. આરોપીઓમાં એકની ઓળખ થઈ છે જેનું નામ આશુતોષ છે. મળતી માહિતી મુજબ હમલાખોર પહેલાથી જ કર્મચારીઓને જાણતો હતો. જે સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે