
બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણ (ICT) એ પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધના કેસમાં પોતાનો ચુકાદો સંભળાવતા અત્યંત ગંભીર અને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ટ્રિબ્યુનલે શેખ હસીના, તેમના પૂર્વ ગૃહમંત્રી અને પૂર્વ પોલીસ વડાને 2024માં થયેલા વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હિંસા માટે ‘માનવતા વિરુદ્ધના ગુનાઓ’ માટે દોષિત ઠેરવ્યા છે અને ત્રણેયને ફાંસીની સજા સંભળાવી દીધી છે. ટ્રિબ્યુનલે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, “શેખ હસીનાએ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર હેલિકોપ્ટરથી બોમ્બ ફેંકવાના આદેશ આપ્યા હતા.’ ટ્રિબ્યુનલે કહ્યું કે શેખ હસીના અને અન્ય આરોપીઓએ સંયુક્ત રીતે એક ગુનાહિત ષડયંત્ર રચ્યું હતું. તેમની પાર્ટી, અવામી લીગના કાર્યકર્તાઓ, પાર્ટીના નેતૃત્વની સંપૂર્ણ જાણકારી હેઠળ સુનિયોજિત રીતે રસ્તા પર ઉતરી આવ્યા અને પ્રદર્શનકારીઓ પર હુમલા કર્યા.ટ્રિબ્યુનલમાં શેખ હસીના અને તેમના મંત્રી હસનુલ હક ઇનુ વચ્ચે થયેલી ફોન પરની વાતચીત પણ વાંચીને સંભળાવવામાં આવી, જેથી હિંસામાં ટોચના નેતૃત્વની ભૂમિકા સાબિત કરી શકાય. આ વાતચીતથી સ્પષ્ટ થયું કે કેવી રીતે શેખ હસીનાએ વિદ્યાર્થીઓના આંદોલનને આતંકવાદી ગતિવિધિ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો.


