
ડોક્ટર્સે ચેતવણી આપી છે કે સતત ખાંસી, થાક અથવા સાધારણ તાવ જેવાં લક્ષણોની મોટાભાગે લોકો અવગણના કરે છે, પરંતુ તે ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ના શરૂઆતી લક્ષણો હોઇ શકે છે. હેલ્થકેર એક્સપર્ટ્સનું માનવું છે કે ટીબી વિશે જાગૃકતા અને સારવારની ઉપલબ્ધતામાં નોંધપાત્ર સુધારો થયો છે ત્યારે નિદાનમાં વિલંબ હજૂ પણ ચિંતાનો વિષય છે કારણકે સતત ખાંસી જેવાં લક્ષણોને સામાન્ય રીતે મોસમી બિમારી સમજીને તેની અવગણના કરાય છે.
સામાન્ય રીતે ટીબીની બિમારી ગ્રામીણ અથવા આર્થિક રીતે નબળા વ્યક્તિઓ સાથે જોડાયેલી હોય છે, પરંતુ હવે આ ટ્રેન્ડમાં બદલાવ થઇ રહ્યો છે. શહેરોમાં વ્યસ્ત જીવનશૈલી અને જાતે જ દવા લેવાની આદતને કારણે સમયસર તબીબી સલાહ લેવામાં વિલંબ થઇ જાય છે. વિશેષ કરીને સતત ખાંસી જેવા લક્ષણોને મોસમી સમસ્યા સાથે જોડીને તેની અવગણના થાય છે.
અપોલો હોસ્પિટલ્સ ખાતે એક્સપર્ટ્સનું માનવું છે કે એક તરફ સરકાર દ્વારા સંચાલિત જાગૃકતા કાર્યક્રમો સારવાર ઉપલબ્ધતામાં નોંધપાત્ર સુધારો થયો છે ત્યારે લક્ષણોની સમયસર ઓળખ અને તાત્કાલિક તબીબી પરામર્શ સુનિશ્ચિત કરવું હજૂ પણ પડકાર છે.
અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના પલ્મોનોલોજિસ્ટ અને સ્લીપ સ્પેશિયાલિસ્ટ ડો. કાશ્મીરા ઝાલાએ જણાવ્યું હતું કે, “અમે જોયું છે કે સતત ખાંસી, સાધારણ તાવ, થાક અથવા વજનમાં ઘટાડા જેવી સમસ્યાઓને મોસમી બિમારી સમજીને તેની અવગણના કરાય છે, જેના પરિણામે દર્દીઓ બિમારીના પાછલા તબક્કામાં આવે છે. શહેરોમાં જાતે દવા લેવી અને ડોક્ટરની સલાહ લેવામાં વિલંબ સામાન્ય વાત છે, જેનાથી વહેલા નિદાન પર અસર થાય છે. બે સપ્તાહથી વધુ રહેતી ખાંસીની તપાસ કરાવવી જોઇએ કારણકે છાતીના એક્સ-રે અને ગળફાની તપાસ કરાવવા જેવાં સરળ ટેસ્ટથી બિમારીને વહેલી રોકી શકાય છે અને ટ્રાન્સમિશન ઘટાડી શકાય છે. સમયસર અને સંપૂર્ણ સારવારથી ટીબી સંપૂર્ણપણે મટી શકે છે, પરંતુ અધવચ્ચે દવા બંધ કરવાથી બિમારી ફરીથી થઇ શકે છે તેમજ ડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબી પણ થઇ શકે છે, જેને મેનેજ કરવું વધુ મૂશ્કેલ છે. વિશેષ કરીને ટીનએજર્સમાં સારું ન્યુટ્રિશન પણ ખૂબ મહત્વપૂર્ણ છે કે જેઓ વજનને નિયંત્રણમાં રાખવા માટે ભોજન લેવાનું ટાળે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે.”
ડોક્ટર્સ કહે છે કે ટીબી મોટાભાગે ફેફસાંને અસર કરે છે, પરંતુ તે આંતરડા, કરોડરજ્જૂ, હાડકાં અથવા લિમ્ફ નોડ્સ જેવાં શરીરના અન્ય ભાગોમાં પણ થઈ શકે છે, જેના કારણે નિદાન વધુ જટિલ બની જાય છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિઓમાં ટીબીનું જોખમ વધુ રહે છે, જેમાં ડાયાલિસિસ, કીમોથેરાપી કરાવતા લોકો અથવા ક્રોનિક બીમારીઓ સાથે જીવતા લોકોનો સમાવેશ થાય છે.
બીજી તરફ ભારતે નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ (એનટીઇપી) અંતર્ગત નોંધપાત્ર પ્રયાસો દ્વારા ટીબીને અંકુશમાં લેવામાં પ્રગતી કરી છે. વહેલી તપાસ, વિનામૂલ્યે નિદાન અને સારવાર, દર્દીઓના ટ્રેકિંગ ઉપર ધ્યાન કેન્દ્રીત કરતી પહેલોથી ટીબી કંટ્રોલ અને દેશભરમાં જાગૃકતામાં વધારો થયો છે.
ડોક્ટર્સનું કહેવું છે કે આ પ્રયાસો સાથે જાહેર જનતા વચ્ચે જાગૃકતા લાંબાગાળે ટીબી નાબૂદીના લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ મળી રહેશે.
નિષ્ણાતો નાગરિકોને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવા સૂચન કરે છે. લક્ષણોને વહેલા ઓળખવા, વિલંબ કર્યા વગર ડોક્ટરની સલાહ લેવી અને સારવારનો સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરવો એ ફક્ત વ્યક્તિગત સ્વસ્થતા માટે જ નહીં, પરંતુ સમુદાયમાં ટીબીના ફેલાવાને રોકવા માટે પણ જરૂરી છે.
શહેરોના વિકાસ અને વ્યસ્ત જીવનશૈલીને જોતાં સંદેશ સ્પષ્ટ છે: પ્રગતિ થઈ છે, ત્યારે જાગૃત રહેવાથી અને વહેલા પગલાં લેવાથી નોંધપાત્ર બદલાવ આવી શકે છે.
