સદગુરુ કૃપા હી કેવલમ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- ચિંતનની ક્ષણે.
મિત્રો- શુભ સવાર.
દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું ફરમાન!
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આવતી કાલે તા 25/7 એ અષાઢ સુદ અગિયારસ, એટલે કે દેવ શયની એકાદશી છે, જેને પદ્મા એકાદશી પણ કહેવામાં આવે છે. શયન કે પોઢવુ એટલે કે સૂઈ જવું ! સામાન્ય રીતે આંખો દિવસ શ્રમ કરીને માનવીની ઈન્દ્રિયોને આરામની જરૂર પડે! અને એને ચોવીસ કલાક માંથી એકંદરે આઠ કલાક નિંદ્રાની જરૂર પડે છે! જેમ હવા પાણી અને આહાર એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે, એવી જ રીતે નિંદ્રા પણ જરૂરી છે. તો શું માનવી જેમ ભગવાનને પણ આરામની જરૂર પડે, કે પછી એની પાછળ કોઈ પૌરાણિક મહાત્મ્ય જોડાયેલ છે? આ એકાદશીની પૌરાણિક કથા શું છે? પુરાણોમાં સૌથી ઉત્તમ વ્રત તરીકે એકાદશીને ગણવામાં આવ્યું છે! અને સીધાસાદા આ વ્રતનું ફળ “વૈકુંઠના વાસી” એટલે કે જીવ ઈશ્વર ચરણે નિત્ય નિવાસ કરે છે!
અષાઢની આ અગિયારસથી ચાતુર્માસનો પ્રારંભ થશે, અને એક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં આરામ ફરમાવે છે! અથવા તો યોગ નિંદ્રામાં રહે છે, અને સમગ્ર સૃષ્ટિનું સંચાલન અન્ય દેવોને સોંપી જાય છે, અને તેથી આ સમય ગાળો ભક્તિ માટે શ્રેષ્ઠ ગણાય છે, જેમાં તપ, જપ, દાન અને સ્વાધ્યાય કરવાનું ફળ હજારો ગણું વધી જાય છે. તેમજ સર્વ દેવોની આરાધના કરવાનું પુણ્ય એકસાથે મળે છે. આ સમય પાપોનો નાશ કરનાર, સુખ-સમૃદ્ધિ આપનાર અને મોક્ષ પ્રદાન કરનાર માનવામાં આવે છે.
પૌરાણિક કથા મુજબ ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને દેવશયની એકાદશીનું મહાત્મ્ય સમજાવતા કથા વર્ણવી હતી કે, સૂર્યવંશમાં માંધાતા નામનો એક પ્રતાપી રાજા હતો. તે પોતાની પ્રજાનું સંતાનની જેમ પાલન કરતો હતો. એકવાર તેના રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી વરસાદ પડ્યો નહીં, જેથી ભયંકર દુષ્કાળ પડ્યો. પ્રજા ભૂખમરાથી પીડાવા લાગી અને દુઃખી થવા લાગી. રાજાએ આ સમસ્યાના નિવારણ માટે ઘણા યજ્ઞ અને દાન-પુણ્ય કર્યા, પણ વરસાદ ન આવ્યો.આખરે મુશ્કેલીમાં મુકાયેલા રાજા અગિરા ઋષિના આશ્રમે પહોંચ્યા. ઋષિએ રાજાને આ દુષ્કાળમાંથી મુક્તિ મેળવવા માટે અષાઢ શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવશયની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવાનું સૂચન કર્યું. ઋષિના આદેશ અનુસાર રાજાએ રાજ્યનાં તમામ લોકો સાથે આ એકાદશીનું વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને રાજ્યમાં પુષ્કળ વરસાદ વરસ્યો. ધરતી ફરી લીલીછમ બની અને પ્રજા ફરીથી સુખી થઈ. ચાતુર્માસની શરૂઆત આ એકાદશીથી દેવપોઢી જાય છે, તેથી તમામ શુભ કાર્યો જેમ કે લગ્ન, ગૃહપ્રવેશ ચાર મહિના માટે બંધ રહે છે.
બીજી એક કથા મુજબ બલિરાજા અત્યંત દાનવીર, સત્યનિષ્ઠ અને ભગવાનના પરમ ભક્ત હતા.ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરીને બલિ પાસે ત્રણ પગલાં જેટલી જમીન માંગી. બે પગલાંમાં ભગવાને સમગ્ર પૃથ્વી અને સ્વર્ગ માપી લીધા. ત્રીજું પગલું મૂકવા માટે જગ્યા ન હોવાથી બલિએ પોતાનું મસ્તક અર્પણ કર્યું.
ભગવાન તેની ભક્તિ, સત્યનિષ્ઠા અને સમર્પણથી પ્રસન્ન થયાં, અને તેમને સુતલ લોકનું રાજ્ય આપ્યું. ત્યાર બાદ બલિએ ભગવાન પાસે એક વરદાન માંગ્યું કે:”હે પ્રભુ! તમે સદાય મારા નજીક રહો.”ભગવાને આ વચન સ્વીકાર્યું અને તેથી એવી માન્યતા છે કે આષાઢ શુક્લ એકાદશી એટલે કે દેવશયની એકાદશીથી કાર્તિક શુક્લ એકાદશી એટલે કે દેવઉઠી એકાદશી સુધીના ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ બલીરાજાના દ્વારે રહે છે.
હજી પણ એક નાનકડી કથા છે કે જેમાં યોગ નિંદ્રા વિષ્ણુની પરમ ભક્ત હતી, અને તે ભગવાન વિષ્ણુનાં ચરણોમાં નિત્ય નિવાસ કરવા માંગતી હતી, અને એટલે એને કઠોર તપસ્યા કરી. પહેલાંના કાળમાં આ રીતે ઈશ્વરની તપસ્યા કરી તેને પ્રસન્ન કરવામાં આવતાં, અને ભક્ત તેનાં દ્વારા વરદાન પ્રાપ્ત કરતાં. ભગવાન વિષ્ણુ પણ યોગ નિંદ્રાની તપશ્ચર્યાથી પ્રસન્ન થયાં, અને તેને વરદાન માંગવા કહ્યું, યોગ નિંદ્રાએ ઈશ્વર સાથે નિત્ય નિવાસની ઈચ્છા વ્યક્ત કરી. સ્વયં ભગવાન વિષ્ણુની ઉત્પત્તિ લક્ષ્મીજીથી છે, અને પાછું આંખી સૃષ્ટિના પાલનપોષણની જવાબદારી પણ તેમનાં ભાગે છે, એટલે યોગ નિંદ્રામાં લીન કંઈ રીતે રહી શકે, પણ પછી ભગવાને એને ચાતુર્માસ સમયે પોતાની આંખમાં રહેવાની છૂટ આપી અને એટલે અત્યારે ભગવાન વિષ્ણુ શૈષ શૈયા પર આરામ કરવા ચાલ્યા જાય છે.
આ બધી તો શાસ્ત્રોક્ત વાતો છે, પણ ભગવાનનાં શયન વિશે વિચારતાં પણ અજીબ લાગે કે, ક્ષીર સાગરમાં અને એ પણ શેષનાગની શૈયા પર આરામ કંઈ રીતે ? એક તો બ્રહ્માંડમાં તરતો ગ્રહ પૃથ્વી, અને એ પૃથ્વી પણ પાછી શેષ નારાયણની ફણા પર ટકેલી, એટલે કેટલું સ્પંદન! એમાં આરામ ક્યાંથી? પણ આ વાત તો ભગવાનને જે બહાર શોધે છે કે જુવે છે એની છે. આપણે તો અંતર આત્મામાં જ ભગવાન અનુભવવાનો છે, અને એ ભગવાન ક્યાંય જતો નથી. ભક્તનાં અંતરમાં હરઘડી બદલાતાં ભાવનાનાં સમુદ્રમાં તે હિલોળા લેતો હોય છે. આપણે ત્યાં લક્ષ્મણને શેષનાગનાં અવતાર કહેવાયા છે, અને લક્ષ્મણ જેવી જાગૃતિ કોઈની નથી, એટલે જાગૃતિરૂપી શેષનાગ હોય ત્યાં જ ભગવાન એકધારુ ચાતુર્માસ સુધી રહે છે, એવું કંઈક વિચારી શકાય. પણ આ જાગૃતિ આવે ક્યાંથી? સદગુરુ કૃપા હી કેવલમ! હા કેવળ અને કેવળ સદગુરુ સાધકને જાગૃતિનું મૂલ્ય સમજાવી શકે, જાગૃતિ ન રાખવાનાં પરિણામથી આગાહ કરી શકે, અને એ કંઈ એટલું અઘરું પણ નથી! એ આચરણ કરીને શીખવી શકે. ઋતુ પણ રંગ બદલતી હોય,અને એ મુજબ ભાવ બદલતા હોય, ત્યારે આ બધું સંસારી તરીકે વિચારતા અશક્ય લાગે, અને આપણે સંન્યાસી તો થઈ શકવાનાં નથી! તો પછી એવું શું કરવું! પ્રાકૃતિક રીતે બદલાતી ઋતુ તો હજી બેલેન્સ થાય. પરંતુ વહેવારો અને સંબંધોને કારણે સુખ દુઃખરૂપી જે ઋતુ આવે છે, એમાં બેલેન્સ કરવું અઘરું પડે છે. બદલાતાં આ મનોભાવને સ્થિર કરવાં માટેનો એકમાત્ર ઉપાય છે, સારુ ખરાબ અહીં કોઈ પોતાની ઈચ્છાથી વર્તી શકતું નથી, બધું જ ઈશ્વર આધીન છે. જીવ અને એમાં પણ સંસારી એટલે ક્યારેક કોઈનાં વ્યવહારથી દુઃખી થઈ જવાય ત્યારે, સદગુરુ ચરણે જવાબ માંગતા,” ના સુખ! ના દુખ! કોઈથી હો, એવા ઊંચા વચનો સદગુરુએ ભાખ્યાં. સંબંધોનાં વ્યવહારમાં મનદુઃખ થાય ત્યારે, આવું વિચારીને જતું કરી શકાય, માફ કરી શકાય! અને એ રીતે મનોભાવ સ્થિર રાખી શકાય.પણ આ બધું પળપળની જાગૃતિ હોય તો જ શક્ય બને. ભગવાન જેમ નજરમાં યોગનિંદ્રા તો છે નહીં! આપણે તો રહ્યા ભોગનિંદ્રા કે મોહનિંદ્રાનાં ઉપાસક ! અહી હરઘડી હું પણાનો સર્પ ફૂફાડો મારે, જે અહંકારની બાબતમાં રાવણને પણ પાછળ છોડી દે. પણ માનવી પોતાની રીતે જાગૃત નહીં રહી શકે, એવું સ્વયં ભગવાનને પણ લાગ્યું હશે, એટલે આ ચાતુર્માસ સંયમ નિયમ મુજબ વિતે એ માટે સૌથી વધુ વ્રત આપી ધાર્મિક મહાત્મય બતાવાયું છે.તો આંતર બાહ્ય રીતે ભગવાનનું શયન અને ચાતુર્માસનું આધ્યાત્મિક મહત્વને સમજી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારાં શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
