
અમદાવાદ, 1 ઓગસ્ટ 2026: વિશ્વ ફેફસા કેન્સર દિવસ (વર્લ્ડ કેન્સર ડે) દર વર્ષે 1 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ, ‘ટુગેધર થ્રુ લંગ કેન્સર’, એ યાદ અપાવે છે કે આ બીમારી સામે લડતી વ્યક્તિઓ, તેમની સંભાળ રાખનારા સ્વજનો અને ડોક્ટરો જ્યારે એકજૂટ થઇ જાય છે, ત્યારે તેઓ આ બિમારીનો સામનો સૌથી સશક્ત રીતે કરી શકે છે. વિશ્વભરમાં, 2022માં ફેફસાના કેન્સરના લગભગ 2.5 મિલિયન નવા કેસ નોંધાયા હતા અને 1.8 મિલિયન લોકોના મૃત્યુ થયા હતા, જે અન્ય કોઈપણ કેન્સર કરતાં સૌથી વધુ છે. ભારતમાં અંદાજ મુજબ, 2025માં પુરુષોમાં 81,000 થી વધુ અને સ્ત્રીઓમાં આશરે 30,000 નવા કેસ સામે આવ્યા છે અને આ રોગ વિશે ઘણીવાર ખૂબ મોડેથી જાણ થાય છે. તમાકુ તેનું સૌથી મોટું કારણ છે; ભારતના લગભગ 267 મિલિયન પુખ્ત વયના લોકો, એટલે કે દર ત્રણમાંથી એક વ્યક્તિ, કોઈને કોઈ સ્વરૂપમાં તેનું સેવન કરે છે.
તમાકુ છોડવું એ ખૂૂબ જ અઘરું છે અને પોતાની જાતે છોડવુ તો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. નિકોટિનનું વ્યસન ખૂબ જ તીવ્ર હોય છે અને જે લોકો માત્ર મનોબળના સહારે છોડવાનો પ્રયત્ન કરે છે, તેમાંથી ઘણા લોકો ફરીથી તેનું સેવન કરવા લાગે છે. નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી (NRT) એ એક સફળ રહેલો પ્રયોગ છે: સિગારેટના ટાર અને ઝેરી તત્વો વિના નિકોટિનના એક નાના, નિયંત્રિત ડોઝથી તમારી તમાકુ પ્રત્યેની લાલસામાં ઘટાડો થાય છે, જેનાથી તમને તમાકુમુક્ત જીવન તરફ આગળ વધવામાં સહાય મળે છે.
નારાયણ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદ ખાતેના કન્સલ્ટન્ટ પલ્મોનરી અને ક્રિટિકલ કેરના સ્પેશિયાલિસ્ટ ડૉ.શચી પંડિતે જણાવ્યું કે , “તમાકુના વ્યસન સામે કોઈએ એકલા લડવું જોઈએ નહીં. કાઉન્સેલિંગ જેવા માર્ગદર્શનની સાથે NRT (નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી)નો ઉપયોગ કરવામાં આવે ત્યારે શ્રેષ્ઠ પરિણામ મળે છે અને તેનાથી કાયમ માટે તમાકુ છોડવાની સંભાવના લગભગ બમણી થઈ જાય છે. તે હૃદયરોગ કે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ ધરાવતા લોકો સહિત મોટાભાગના લોકો માટે સુરક્ષિત છે અને તમાકુમાંથી બહાર નીકળવાની એક પ્રેક્ટિકલ પદ્ધતિ છે.”
NRT (નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી) પેચ, ગમ અને લોઝેન્જ જેવા અલગ-અલગ સ્વરૂપોમાં મળે છે અને દુનિયાભરમાં સિગારેટ છોડવા માટે આ સૌથી જાણીતી અને અજમાયેલી રીત છે. 60,000થી વધુ લોકો પર થયેલા અભ્યાસો દર્શાવે છે કે તેનાથી લાંબા ગાળે તમાકુ છોડવાની સફળતા 50–60% વધી જાય છે. યોગ્ય માર્ગદર્શનની સાથે ઉપયોગ કરવાથી, માત્ર સામાન્ય સલાહ લેનારા 9% લોકોની સરખામણીમાં, આ પદ્ધતિનો ઉપયોગ કરનારા લગભગ 15% લોકો છ મહિના સુધી તમાકુથી દૂર રહી શકે છે. વળી, બીમારીનું નિદાન થયા પછી જો તમાકુ છોડી દેવામાં આવે, તો સારવાર વધુ સારી રીતે કામ કરે છે અને જીવિત રહેવાની શક્યતાઓ પણ વધી જાય છે.
ડૉ. શચી પંડિત ઉમેરે છે કે, “શરીરની તપાસ (સ્ક્રિનિંગ) અને તમાકુ છોડવું એ બંને સાથે જોડાયેલા છે. 45 વર્ષથી વધુ ઉંમરના અને લાંબા સમયથી ધૂમ્રપાન કરતા લોકો જેવા જોખમી જૂથ માટે, NRTની સાથે લો-ડોઝ CT સ્ક્રીનિંગ કરાવવાથી આ બીમારીને શરૂઆતમાં જ પકડી શકાય છે. ‘ટુગેધર થ્રુ લંગ કેન્સર‘નો વાસ્તવિક અર્થ જ આ છે: સમયસર બચાવ, વહેલું નિદાન અને સાચી સંભાળ, બધું જ એકસાથે.”
ફેફસાના કેન્સર સામેની લડાઈ તમાકુ છોડવાની હિંમતથી શરૂ થાય છે. આ વિશ્વ ફેફસા કેન્સર દિવસે, ચાલો આપણે અને આપણો સમાજ મદદ માંગવા માટે આગળ આવીએ, અજમાયેલી સારવાર પદ્ધતિઓ અપનાવીએ અને આપણું સ્વાસ્થ્ય પાછું મેળવીએ, કારણ કે આપણે હંમેશાં સાથે મળીને જ આ બિમારી સામે સારી રીતે લડી શકીશું.”
