સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.
પરિચય ફાલ્ગુની વસાવડા.
શીર્ષક શ્રાવણી અભિષેક.
મિત્રો શુભ સવાર.
શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ તરીકે જણાવ્યું છે.
હે દેવોના દેવ મહાદેવ.
સૌનાં હ્રદયમાં કરુણા સ્વરૂપે રહેલા આપનાં સૌમિત્રી સ્વરૂપને સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. શિવ પુરાણ અંતર્ગતના અગાઉના લેખમાં સકલ સ્વરૂપ એટલે કે શિવનું સાકાર સ્વરૂપ અને નિષ્કલ સ્વરૂપ એટલે કે શિવનું નિરાકાર સ્વરૂપ. શિવના શુદ્ધ સ્વરૂપને આત્મસાત કરવા આપણે પણ એ શિવત્વને સુક્ષ્મત્તર થઈ સમજીએ.
શિવનું સાકાર સ્વરૂપ*:
કૈલાસનાં શિખરે મૃગ ચર્મ પર ભગવાન અજન્મા આશુતોષ બિરાજમાન છે. તેનાં હાથે અને કટીભાગ પર સર્પનાં આભૂષણ છે, ઉપરાંત કંઠમાં ભુજંગ અને મૂંડ માળ છે. માથા પર જાટા છે, એમાંથી નિર્મળ ગંગા વહે છે. ભાલમાં બીજનો ચંદ્રમા ચમકે છે, આખા શરીરે ભભૂત ચોળી છે. કંઠમાં સમુદ્રમંથન સમયે નીકળેલું હળાહળ વિષ રાખ્યું હોવાથી, કંઠ નીલકંઠ છે, નંદીનું વાહન છે. ગણેશ કાર્તિક અને માતા જગદંબા તેની સાથે બિરાજમાન છે, શૃંગી અને ભૃંગી નામના શિવ ગણો કૈલાશમાં તેમની સેવા માટે ઉપસ્થિત છે. સંસારી હોવા છતાં પણ તે પૂર્ણ સંન્યાસી છે, અને સમાધિ તેને હાજરાહજૂર છે. આ ભગવાન શિવશંકરનું સાકાર સ્વરૂપ છે, અને આપણે સૌ કોઈ તેને વિશે જાણીએ છીએ. શંકરનું નામ પડે અને આ શબ્દ ચિત્ર મુજબનું ચિત્ર લગભગ દરેકને દેખાય. કપૂર જેવો ગૌરવાન છે, અને ત્રિનેત્ર ધરાવે છે, આ પણ તેની એક અનોખી વિશિષ્ટતા છે. ભાલે ચંદનનું ત્રિપુન્ડ છે, અને એ જ ભાલમાં ત્રીજી આંખ એટલે કે સંહારમા પણ કલ્યાણકારી દ્રષ્ટિ સમાયેલી છે. એ દ્રષ્ટિ ને શીતળ કરવા હંમેશા ત્યાં આગળ ચંદનનો જાણે લેપ થતો હોય એવું પણ કહી શકાય. તો આ થયું શિવશંકરનું સાકાર સ્વરૂપ.
શિવનું નિરાકાર સ્વરૂપ*:
શિવલીંગને આપણે સૌ શિવશંકરનાં પ્રતિક રૂપે ભજીએ છીએ, પરંતું એ જ ભગવાન શંકરનું નિરાકાર સ્વરૂપ છે. શીવલીંગ એ નિરાકાર કઈ રીતે? એમ આપણને પ્રશ્ન થાય. ભગવાન જગતગુરુ માધવાચાર્યએ નિર્ગુણનો અર્થ કર્યો હતો કે, નીંદિત ગુણો રહિત હોય તેને નિર્ગુણ કહેવામાં આવે છે. બસ એ જ રીતે આપણે પણ નિરાકાર એટલે નિશ્ચિત આકાર નહીં, તેવાં આકારને નિરાકાર એમ કહી શકીએ. કારણ કે શિવલિંગ એકસરખી ઊંચાઈ, જાડાઈ, પહોળાઈ, કે ઊંડાઈનું હોતું નથી. દરેક શિવલિંગમાં કોઈને કોઈ તફાવત રહે છે, આ ઉપરાંત પથ્થર, સ્ફટિક, કે વેણુ, એ રીતે પણ તફાવત હોય છે. તો કાળો, સફેદ, કે લાલ પથ્થર, એ રીતે પણ તફાવત હોય છે. આ ઉપરાંત સ્વયંભૂ, જ્યોતિર્લિંગ, એ તો છે જ. એટલે નિરાકાર બ્રાહ્મની વ્યાખ્યામાં શિવલિંગ બિલકુલ બંધ બેસે છે. ન સ્થળ નિશ્ચિત છે, ન સંખ્યા નિશ્ચિત છે, ન આકાર નિશ્ચિત છે, અને ન આધાર નિશ્ચિત છે. એટલે કે જમીન પર જ હોય એવું પણ જરૂરી નથી, સમુદ્ર વચ્ચેથી પણ શિવલિંગ મળ્યાનાં દાખલા છે. નદી તળાવ વગેરે જગ્યાએ શિવલિંગ મળ્યાનાં ઘણા કિસ્સા છે, અને વન, આરણ્ય, કે જંગલમાં પણ શિવલિંગ છે, પર્વતોની ટોચ પર પણ શિવલિંગ બિરાજમાન છે. આ ઉપરાંત શીવલીંગને આપણે જે કંઈ ચડાવીએ છીએ તેમાંનું કંઈ જ તે રાખતાં નથી, એટલે કે એક લીટર દૂધનો અભિષેક કર્યો હોય તો એ બધું જ એના આકાર પરથી નીચે વહી જાય છે, પાણી હોય તો એ, દૂધ હોય, દહીં હોય, કે તલ બિલિપત્ર,કે અન્ય જે સાધન હોય એનાથી એને તસુભાર પણ ફરક પડતો નથી,આ પણ નિરાકારનો ગુણ છે, કે તેને ત્રિગુણ માંથી કોઈ ગુણ આકર્ષી શકતો નથી. આમ દરેકે દરેક શિવલિંગમાં કોઈને કોઈ તફાવત છે, પછી તે આકારનો હોય, પથ્થર નો હોય, કે લંબાઈ પહોળાઈ જાડાઈ નો હોય, પણ છે,છે અને છે જ! અને તેની પર ચડતું દ્રવ્ય હોય, કે કીમતી હીરા કે સુવર્ણ અલંકાર રુપી ભેટ હોય! અને એટલે જ નિરાકાર બ્રહ્મ તરીકે શીવલીંગની ઉપાસના કરવામાં આવે છે, અને નિશ્ચિત પરિણામને મેળવી શકાય છે. સદગુરુ એ નિરાકાર બ્રહ્મ વિશે સમજ આપી આપણને કૃતકૃત્ય કર્યા છે,અને શ્રાવણ હાજરાહજૂર છે, તો નિરાકાર બ્રહ્મને આ રીતે ભજીએ.
શિવલિંગ.લિંગનાં મુખ્ય પાંચ પ્રકાર બતાવાયા છે.
સ્વયંભૂ લિંગ, બિંદુ લિંગ, સ્થાપિત લીંગ, ચર લિંગ, અને ગુરુ લીંગ.
આ ઉપરાંત પણ આપણે ત્યાં પૂજામાં ઘણા બધા પ્રકારના લિંગ બનાવી અને તેની પૂજન કરવામાં આવે છે, પણ તે બધાં સ્થાપિત લિંગ કહેવાય.
***સ્વયંભૂ લિંગ, કોઈપણ જગ્યાએ એટલે કે જંગલમાં હોય કે ગામના કે પછી અન્ય કોઇ જગ્યાએ, કોઈ પણની તપશ્ચર્યા કે તેનાથી પ્રસન્ન થઈ, અને પૃથ્વીને ફાડીને જે બહાર આવે છે તે સ્વયંભૂ શિવલિંગ. પહેલાના કાળમાં ઋષિમુનિઓ કે બ્રાહ્મણો તપ કરતા અને શંકર પ્રસન્ન થાય, ત્યારે આ રીતે સ્વયંભૂ શિવલિંગ આપણને પ્રાપ્ત થતાં. ઘણી જગ્યાએ આપણે એવાં શિવલિંગ પણ જોયાં છે જ્યાં આગળ કોઈ પશુ એટલે કે ગાય દ્રારા પોતાનાં આંચળમાંથી દૂધનો અભિષેક થયો હોય, અને ત્યાં શિવલિંગ પાછળથી પ્રકાશમાં આવ્યું હોય. ઘણા સ્વયંભૂ શિવલિંગ ગોવાળો એ પણ શોધ્યા છે.
**બિન્દુ લીંગ, પત્રમાં કે પાંદડા માં લિંગ ની પરિકલ્પના કરી અને બ્રાહ્મણો પૂજન અર્ચન કરાવે તેને બિંદુ લિંગ કહેવામાં આવે છે. અને આપણે ત્યાં પૂજાની આવી રીતે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે કે જ્યાં આપણી પાસે લિંગ હોતું નથી. છતાં પણ તેની પરિકલ્પના કરી અને આપણે પૂજા કરતા હોઈએ છીએ. ખાસ કરીને કુવારીકાઓ અને પરિણીત સ્ત્રીઓ કોઈ વ્રત કરતી હોય ત્યારે, આ લીંગ ની પરિકલ્પના કરી અને બ્રાહ્મણ સંકલ્પ કરાવે છે.
** સ્થાપિત લીંગ, રાજા-મહારાજાઓ કે પછી ધનવાન પોતાના મનોરથ થી મંદિર માટે કારીગરો પાસે જે લિંગ બનાવરાવે છે. આપણે ત્યાં રાજા મહારાજાઓ ના મહેલો માં રત્નજડિત અને સુવર્ણ લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પૂજન-અર્ચન કરવામાં આવતું કેટકેટલા રાજાઓ આ પ્રકારે શિવ ભક્તિ કરી અને પોતાના રાજ્યની યશ કીર્તિ વધારતા હતા તે આપણે ઇતિહાસમાંથી જાણી શકીએ છીએ.
**ચર લીંગ, ચર નો અર્થ ચલિત થાય છે, શરીરના, કોઈ અંગ નાભિ નાકનું ટેરવું કે શિખા વગેરે પર, આત્મ રુપ પર ઘણી વાર લીંગ જેવો દેખાવ બને છે તે અથવા, કોઈ કુદરતી પદાર્થ માંથી લિંગ જેવો આભાસ ઉત્પન્ન થાય તેને ચર લિંગ કહેવામાં આવે છે.
ગુરુ લીંગ, ગુરુ નો વ્યાપક અર્થ અહીં લેવામાં આવ્યો છે કે.જે સર્વનું હિત કરનાર છે તે જ્યારે કોઈ મંત્ર સાથે ગુણોના વિકાર દૂર કરવા માટે જે લિંગ ની પૂજન અર્ચન કરવાનું કહેવામાં આવે તેને ગુરુ લિંગ કહેવામાં આવે છે.
શિવલિંગ ગમે તે પ્રકારનું હોય પણ મૂળમાં, અંતરમાં કલ્યાણ એટલે કે માનવતાની ભાવના ઉતરોત્તર વધતી રહે, તે બહુ જરૂરી છે, અને આપણે બધા જ આ માનવતાની ભાવના વધતી રહે, તેવી રીતે આ શ્રાવણિય અનુષ્ઠાનમાં પૂજા અર્ચના કે ઉપાસના કરી, અને શિવ શંકરને પ્રસન્ન કરીએ. ભગવાન ભોળાનાથ આપણી ભાવનાને જરુર સમજશે અને હ્રદયસ્થ ભક્તિ ભાવમાં વધારો કરશે. મંદાકિનીનાં પવિત્ર ભાવથી આપણું જીવન હર્યું ભર્યું રહેશે. શિવ પુરાણમાં સ્વયં શિવ પોતાનાં નિરાકાર સ્વરૂપે શિવલિંગની પૂજા અર્ચના કરવી એમ કહે છે.ૐ નમઃ શિવાય.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
