સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- શ્રાવણી સત્સંગ.
શિવ કહે છે, સર્ગ,પાલન,સંહાર, તિરોભાવ,અને અનુગ્રહ આ પાંચ જગત સંબંધી મારા કાર્યો છે.
હે દેવોના દેવ મહાદેવ.
સૌનાં હ્રદયમાં કરુણા રૂપે રહેલાં આપનાં સૌમિત્રી સ્વરૂપને સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. શ્રાવણી સત્સંગમાં આપણે શિવ પુરાણનો સંદર્ભ લઈને શિવત્વને આત્મસાત કરવાની કોશિશ કરી રહ્યા છીએ, ત્યારે શિવલિંગનાં અસ્તિત્વની કથા આપણે જાણી. શિવ પુરાણ મુજબ આર્દ્રા નક્ષત્રમા એટલે કે માગશર પૂર્ણિમા કે પ્રતિપદાથી એટલે કે મહા વદ ચૌદશ બ્રહ્મા અને વિષ્ણુ એ શિવતત્વની તપસ્યા કરી, અને પછી એ પ્રસન્ન થયાં, એ રાત્રિ શિવરાત્રી તરીકે આપણે ઉજવીએ છીએ. શિવજી પ્રસન્ન થયા ત્યારે એમણે સ્વ મુખે પાંચ કૃત્યનું પ્રતિપાદન કર્યું, પ્રણવ મંત્ર અને શિવ પંચાક્ષર મંત્રની મહત્તા બતાવી, ત્યાર બાદ બંને દેવો એ શિવની સ્તુતિ કરી અને શિવ અંતર્ધ્યાન થયાં.
શિવ પુરાણના દસમા અધ્યાયમાં તપસ્યાથી પ્રસન્ન થયેલા શિવજીને પુછે કે સૃષ્ટિ આદિ પાંચ કૃત્ય છે, એનાં લક્ષણો શાં છે ? એ અમને સમજાવો. ત્યારે ભગવાન શિવ કહે છે આ પાંચ કૃત્યો એ મારા કર્તવ્યો છે! જેને સમજવું થોડું અઘરું છે, છતાં કહું તો આપ બંનેની તપસ્યાથી યુદ્ધથી હું તત્કાલ પ્રગટ થયો અને એ દ્રશ્યમાન હતું, એટલે એ પરમ ઈશ તત્વને સકલ રુપ એટલે કે સાકર કહ્યું, જ્યારે બંને વચ્ચેના વિવાદ વખતે જે સ્તંભ સ્વરૂપ હતું એ મારું નિઃસકલ કે નિરાકાર સ્વરૂપ છે, જે મારા બ્રહ્મરૂપનો બોધક છે. આ મારાં ચિન્હ સ્વરૂપ લિંગની આપ અહીં રહીને પૂજા કરો! મારું આ રૂપ મારા નિત્ય સ્વરૂપ સાથે સામિપ્ય ધરાવે છે, અને અભેદ્ય પણ છે. લિંગ સ્વરૂપ સાથે મારું સાયુજ્ય વધુ હોવાથી મૂર્તિ કરતાં લિંગની સ્થાપના વધુ થવી જોઈએ.
શિવજીએ કહ્યું કે સૃષ્ટિ એટલે કે સર્ગ, પાલન, સંહાર, તિરોભાવ, અને અનુગ્રહ આ પાંચ જગત સંબંધી મારા કાર્યો છે, જે નિત્યસિદ્ધ છે. સંસારની રચનાનો જે આરંભ છે એને સર્ગ એટલે કે સૃષ્ટિ કહે છે. મારા દ્વારા પાલિત થઈને સૃષ્ટિને સૃષ્ટિ રૂપે રહેવાની જે સ્થિતિ છે, એને પાલન કહેવાય, એનો વિનાશ થાય એને સંહાર, અને પ્રાણોનું ઉત્ક્રમણ, એટલે મૃત્યુ કે સંહાર સમયે પ્રાણ બહાર નીકળી જવો, એને તિરોભાવ કહે છે, અને આ સર્વથી છુટકારો મળી જવો, એ જ મારો અનુગ્રહ છે. જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ મૃત્યુની વેદના વગર પ્રાણ દેહમાંથી નીકળી જાય, તો એ મારો અનુગ્રહ એટલે કે મોક્ષનો હેતુ છે, તે સદા મારા જ અવિચલ ભાવથી સ્થિર રહે છે. જીવ અથવા ભક્ત આ પાંચેક કૃત્યોને પાંચ મહાભૂતોમાં જુએ છે, સૃષ્ટિ એટલે કે ભૂતલ અથવા પૃથ્વીમાં સ્થિતિ એટલે જળમાં સંભાર અગ્નિમાં વાયુમાં અને અનુગ્રહ આકાશમાં સ્થિત છે. પૃથ્વીથી સૃષ્ટિની રચના થાય છે, જળથી એ સૃષ્ટિની વૃદ્ધિ થાય છે, અને જીવનની રક્ષા થાય છે. અગ્નિ સર્વને ભસ્મીભૂત કરી દે છે, વાયુ સર્વને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જાય છે, અને આકાશ સર્વને અનુગ્રહિત કરે છે સર્વ પર ઉપકાર કરે છે.
પોતાના પાંચ મુખ માટે કહે છે બ્રહ્મા અને વિષ્ણુ તમે બંને તપસ્યા કરી મને પ્રસન્ન કરી સૃષ્ટિ અને સ્થિતિ નામના બે કૃતિઓ પ્રાપ્ત કર્યા છે. એટલે કે બ્રહ્મા દ્વારા સૃષ્ટિનું સર્જન થાય છે, અને વિષ્ણુ દ્વારા આ સૃષ્ટિનું પાલન થાય છે. પણ એવી જ રીતે મારી વિભૂતિ સ્વરૂપ રુદ્ર, અને મહેશ્વરે બીજા બે ઉત્તમ કૃત્ય, સંહાર અને તિરોભાવ પ્રાપ્ત કર્યા છે. પરંતુ અનુગ્રહ નામક કૃત્ય મેં બીજા કોઈને આપ્યું નથી, અને એ બીજો કોઈ મેળવી શકતો પણ નથી. રુદ્ર અને મહેશ્વર પોતાના કર્મને ભૂલ્યા નથી, એટલા માટે મેં એમને મારી સમાનતા પ્રદાન કરી છે, તે રૂપ,વેશ, કૃત્ય, વાહન, આસન, અને આયુધ વગેરેમાં મુજ સમાન જ છે.
ત્યારબાદ ઓમકાર મંત્રની મહત્તા પ્રગટ કરી જે આપણે સ્વતંત્ર લેખ રૂપે જોયું. ઓમકાર મંત્રનું નિરંતર સ્મરણ કરનાર મારું જ સ્મરણ કરી રહ્યો છે. ત્યારબાદ શિવ પંચાક્ષર મંત્ર “ઓમ નમઃ શિવાય” એ મંત્ર માતૃકા વર્ણ પ્રગટ થયા છે, જે પાંચ ભેદવાળા છે, અને એમાંથી જ શિરોમંત્ર સહિત ત્રિપદા ગાયત્રીનું પ્રાગટ્ય થયું છે. આ ગાયત્રીથી સંપૂર્ણ વેદ અને વેદોમાંથી કરોડો મંત્ર નીકળ્યાં, એ મંત્રોથી ભિન્ન ભિન્ન કાર્યોની સિદ્ધિ થઈ! પરંતુ પ્રણવ અને પંચાક્ષરથી સંપૂર્ણ મનોરથોની સિદ્ધિ થાય છે. આ બંને મંત્ર ભોગ અને મોક્ષ બંને માટે સિદ્ધ છે. ૐ મંત્ર એ મારા સકલ,કે સાકાર સ્વરૂપ સાથે સંબંધ રાખે છે, જ્યારે શિવ પંચાક્ષર મંત્ર મારા નિષ્કલ કે નિરાકાર સ્વરૂપ સાથે સંબંધ ધરાવે છે.
ત્યારબાદનાં અધ્યાય શિવલિંગની સ્થાપના, તેનાં પ્રકારો, લક્ષણો અને પૂજનની વિધિનું વર્ણન તથા શિવપદની પ્રાપ્તિ કરાવનારા સત્કર્મોનું વિવેચન કરે છે. મોક્ષદાયક પુણ્ય ક્ષેત્રનું વર્ણન કાલ વિશેષમાં વિભિન્ન નદીઓમાં સ્નાનનાં ઉત્તમ ફળનું નિર્દેશ અને તીર્થોમાં પાપ ન કરવાની ચેતવણી. સદાચાર, સ્નાન, ભસ્મધારણ સંધ્યા વંદન, ગાયત્રી જપદાન, અને અગ્નિહોત્રની વિધિ, પણ જેમાં નિયમને નામે આગ્રહ વધુ જોડાય એવી વાતમાં આપણે જવું નથી.
વિપ્ર એટલે કે વૈશ્નવનું નિત્યક્રમ કેવું હોવું જોઈએ, એ વિશે પ્રકાશ પાડતા સૂતજી કહે છે, અગ્નિ યજ્ઞ, દેવ યજ્ઞ, ગુરુપૂજા અને બ્રહ્મ તૃપ્તિ આ ચાર જેના નિત્યક્રમ છે, એ વિપ્ર અથવા દ્વિજ કહેવાય છે. જે ગૃહસ્થ પ્રાતઃકાળ અને સાયંકાળ ચોખા વગેરે દ્રવ્યની આહુતિ આપી જે હોમ કરે છે, એને અગ્નિ યજ્ઞ કહે છે. જે આશ્રમમાં સ્થિત છે, એ બ્રહ્મચારીઓ યજ્ઞ સમયે જે સમિધને અગ્નિમાં હોમે એ પણ અગ્નિયજ્ઞ છે. સૂર્યદેવને અર્ધ્ય આપીને ગાયત્રી પાઠ કરનાર પણ અગ્નિ યજ્ઞ કરી રહ્યો છે, કારણ કે દિવસનાં ભાગમાં અગ્નિદેવ સૂર્યમાં જ પ્રવેશ કરી જાય છે. અને પ્રાતઃકાળ સૂર્યને આપેલું અર્ધ્ય એ આયુષ્યને વધારનાર છે. સાયનકાળે અગ્નિને આપેલી આહુતિ સંપત્તિ પ્રદાન કરનારી છે. અગ્નિ યજ્ઞ સમયે બ્રહ્મ કે બ્રહ્મ સ્વરૂપ અન્ય દેવતા ને આહુતિ આપવી એ દેવ યજ્ઞ છે અને તેનાથી બ્રહ્મ તૃપ્તિ થાય છે.
સૃષ્ટિના આરંભમાં સર્વેશ્વર મહાદેવ એ સમસ્ત લોક પર ઉપકાર કરવા સાત વારની રચના કરી. સંસારરૂપી રોગને દૂર કરનાર વૈદ, એવા સર્વના જ્ઞાતા, સમસ્ત ઔષધોના ઔષધ, ભગવાન શિવે પ્રથમ વાર સોમવાર પોતાને નામે રાખ્યો, જેનો સ્વામી સૂર્ય દેવ છે. ત્યારબાદ માયા શક્તિનો વિસ્તાર કરનાર, એટલે સંપત્તિદાયક વાર મંગળવાર બનાવ્યો, જેનાં સ્વામી સોમ દેવ છે. આળસ અને પાપની નિવૃત્તિ તથા સમસ્ત લોકના હિતની ઈચ્છાથી લોકરક્ષક ભગવાન વિષ્ણુનો વાર બનાવ્યો, જેનાં સ્વામી બુધ છે. ત્રિલોક સૃષ્ટિનું સર્જન કરનારા પરમ ઈશથી બ્રહ્માનો આયુષ્યકારક વાર બનાવ્યો, જેનું આધિપત્ય બૃહસ્પતિ કરે છે. ત્રણે લોકની વૃદ્ધિ માટે પહેલાં પાપ પુણ્યની રચના થઈ, અને એ પાપ પુણ્ય કરનારા લોકોના શુભાશુભ ફળ માટે ઈન્દ્રને યમના વારનું નિર્માણ કર્યું. ઈન્દ્રનાં વારનું આધિપત્ય શુક્ર કરે છે, અને યમ નાં વારનું શનિશ્વર કરે છે. દેવતાનું નિત્ય પૂજન, દાન, જપ, હોમ, એ રવિ એટલે સૂર્યને અર્પિત છે, અને એનું આધિપત્ય સ્વયં શિવ કરે છે.
ઉપર જણાવ્યાં મુજબ સમયની રીતે આપણે જે કાળમાં હોઈએ, અને વારની રીતે પણ જે વાર હોય એ, પણ કાળનાં મહાકાળ જ સર્વથી સમર્થ છે, અને એમણે આપણી માટે ભક્તિની ઉત્તમ ઘડીનું નિર્માણ કર્યું છે, માટે આપણે શિવને ભજતાં ભજતાં જ આ ભવ તરી શકીએ. ૐ નમઃ શિવાય.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
