સુખનું સરનામું: સફળતા મેળવવા માટે જુદીજુદી દિશાઓમાં ઉધામા ન કરવા જોઈએ….

0
22
એક જ દિશામાં પ્રયત્ન કરનારા માણસને વહેલી સફળતા મળે છે
એક જ દિશામાં પ્રયત્ન કરનારા માણસને વહેલી સફળતા મળે છે

એક યુવાન મિત્રને ઝડપથી સફળ થવાનું ઝનૂન છે. એ માટે તે જુદાં જુદાં ક્ષેત્રોમાં હવાતિયાં મારતો રહે છે. અને મોટે ભાગે તે પૈસા કમાવાને બદલે ગુમાવતો રહે  છે. તેણે ૨૦૨૦ની શરૂઆતમાં એક નવો ધંધો ચાલુ કર્યો હતો, પણ કોરોનાને કારણે લૉકડાઉન આવી પડ્યું એટલે તેને મોટો આર્થિક ફટકો પડ્યો. તેણે વળી કશુંક નવું કરવાનું વિચાર્યું. એમાં તેણે વળી ખોટ ખાધી. તે યુવાને એક વાર હૈયાવરાળ ઠાલવી કે મારા નસીબ જ ખરાબ છે! એટલે મેં તેને એક પ્રાચીન કથા કહી, જે હું ઘણી વ્યક્તિઓને કહી ચૂક્યો છુંએક સંત તેમના  કેટલાક શિષ્યો સાથે પગપાળા પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે તેમને પાણી પીવાની ઈચ્છા થઈ. તેઓ એક ખેતરમાં પ્રવેશ્યા. તેમને એમ કે ખેતર છે એટલે કૂવો હશે અને પીવા માટે પાણી મળી રહેશે. તેઓ એ ખેતરમાં ગયા ત્યારે ખેડૂત કોદાળી લઈને જમીન ખોદી રહ્યો હતો. સંતે પૂછ્યું કે ‘અમને પાણી પીવડાવશો?’પરસેવે રેબઝેબ થઈને કોદાળીથી જમીન ખોદી રહેલા ખેડૂતે કહ્યું કે ‘એની જ તો મોકાણ છે. મારા ખેતરમાં પાણી નથી એટલે હું આ કૂવો ખોદી રહ્યો છું.’એ દરમિયાન સંત અને એમના શિષ્યોની નજર થોડા થોડા અંતરે ખોદેલા  કૂવાઓ પર પડી. સંતે તેને પૂછ્યું, ‘આ કૂવાઓમાં પાણી નથી?’ખેડૂતે કહ્યું, ‘અત્યાર સુધીમાં અનેક કૂવાઓ ખોદી ચૂક્યો છું, પણ ક્યાંય પાણી ન મળ્યું.’એ દરમિયાન એક ઉત્સાહી શિષ્ય દોડીને એક કૂવા પાસે પહોંચી ગયો હતો. તેણે જોયું કે એ કૂવો બે માથોડા ઊંડો ખોદેલો હતો! (બે માથોડા એટલે એક માણસની ઉપર બીજો માણસ ઊભો રહે તો થાય એટલી ઊંચાઈ). તેણે આજુબાજુના કૂવાઓ પણ જોયા તો બધા કૂવા લગભગ એટલી જ ઊંડાઈ ધરાવતા હતા!બન્યું હતું એવું કે તે ખેડૂત પાણીની આશામાં થોડી જમીન ખોદતો પણ પાણી ના મળતું એટલે નિરાશ થઈને બીજી જગ્યાએ કૂવો ખોદવા માંડતો હતો.સંતે ખેડૂતને કહ્યુ કે,‘ભલા માણસ, આમ તો તું સો કૂવા ખોદીશ તો પણ પાણી નહીં મેળવી શકે! આટલી મહેનત કરવાને બદલે એક જ જગ્યાએ કૂવો ખોદવાનું ચાલું રાખ્યું હોત તો અત્યાર સુધીમાં ક્યારનું તને પાણી મળી શક્યું હોત.’ એ પછી સંતે પોતાના શિષ્યો તરફ ફરીને કહ્યું કે ‘આપણે તો વટેમાર્ગુ છીએ, આપણને બીજા ખેતરમાં  પાણી મળી રહેશે. પણ આ ખેડૂત આખી જિંદગી આ રીતે કૂવાઓ ખોદતો રહેશે તો પણ એને સફળતા નહીં મળે. ઉપરથી એ એટલી ખેતીલાયક જમીન પણ ગુમાવતો જશે.’ઘણા માણસો આ કથાના ખેડૂતની જેમ જીવી જતા હોય છે. એક જગ્યાએ સફળતા ન મળે એટલે તેઓ બીજી લાઇન પકડતા હોય છે અને બીજી લાઈનમાં નિષ્ફળતા મળે તો ત્રીજી. એ રીતે તેઓ સતત ઉધામા કરતા રહે છે, પણ તેમને નિષ્ફળતા મળતી રહે છે. એક જ દિશામાં પ્રયત્ન કરનારી વ્યક્તિને સફળતા મળે જ છે.