સદગુરુ કૃપા હી કેવલમ.
પરિચય ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- સંસાર સંન્યાસ!
સ્વામી શિવાનંદજી એ ગામનાં લોકોની સમસ્યાનું સમાધાન કંઈ રીતે કર્યું,?
આજે ગુરુ પૂર્ણિમા છે! અને આપ સૌ જાણો છો કે નિયમિત રીતે આવતા આ લેખનું બળ સદગુરુની કૃપા જ છે! અને કાયમ રહેશે! સતત બે દિવસથી આપણે સદગુરુ વિશે વાત કરી રહ્યા છીએ! પણ એક વાત છે કે આ બાબતે આપણી ગમે તેટલી જાણકારી હોય! પણ આપણે એમનો ચુનાવ કરી શકતાં નથી! શિષ્યની ગુરુ તત્વ અને જ્ઞાન પ્રત્યેની તીવ્રતા જોઈ સદગુરુ શિષ્ય કે શિષ્યાનો ચુનાવ કરે છે. આવું જ કંઈક થયું હતું, કે શું એક પુત્રી, પત્ની, પૂત્રવધૂ, કે માતા બની રહેવું એ જ મારું મનુષ્ય તરીકેનું કર્તવ્ય છે? કે પછી મારાં જન્મ પાછળ અસ્તિત્વની કંઇક બીજી ઈચ્છા પણ હતી? અને દિવસે ને દિવસે આ કશ્મકશ વધુ ને વધુ તીવ્ર બનતી હતી, અને ત્યારે જ સદગુરુએ મને જન જાગરણ માટેનું કર્તવ્ય પકડાવ્યું! અને નિશાળમાં ભણેલા કક્કા નાં એ જ ક, ખ, ગ, ઘ,.. વર્ણાક્ષર અને વ્યંજનથી બનતાં શબ્દો અને એની સચ્ચાઈ ધીરેધીરે સૌનાં હ્રદય સુધી પહોંચી ગઈ, અને સાથેસાથે આ કળિકાળે ખુદનું જાગવું પણ થતું! ગુરુ કે સદગુરુ શબ્દ સાંભળીને આપણને અધ્યાત્મ યાદ આવી જાય, પણ એવું નથી સંસારી મમતા ને સમતાનાં પથ પર સહજતાથી દોરી અને દોષ રહિત કરીને સંસારમાં પણ એ જ શાંતિની ભેટ પ્રદાન કરે છે, જે સંન્યાસી માટે પણ દુર્લભ હોય છે! તો આવો જ એક કિસ્સો આજે.
એક કુદરતી રીતે સુંદર એવાં ગામની બહારનાં વનમાં એક બહુ તપસ્વી સ્વામીજી રહેતા હતાં, અને લોકો સમયે સમયે તેમનાં દર્શને જતાં અને પોતાની સમસ્યાનું સમાધાન કરી આવતાં! ગુરુ પૂર્ણિમા આવતાં આખું ગામ આજે એમનાં દર્શને ઉમટ્યું હતું! અને બધા પોતાનો અહોભાવ વ્યક્ત કરવા શીંગ, બાજરી, મગ ચણા, કેળાં, કોળું, ઘી, શેરડી ગોળ આમ કંઈ ને કંઈ ભેટ લાવ્યાં હતાં! બધાંએ એમનાં ચરણોમાં મૂકી વંદન કર્યા. બધાં વિખરાઈ ગયાં, પણ ત્રણ જણાં રોકાયાં, અને સ્વામીજીને કહ્યું કે અમે તો સંસારી છીએ, પણ એવું લાગે છે કે કાળ જાણે માથે ભમે છે, ક્યાંય શાંતિ નથી! આપ એનું સમાધાન કરો! સ્વામીજીએ હસતા હસતા કહ્યું, હું ગુરુકૃપાથી ઉત્તર આપવાની કોશિશ કરીશ.
લલિતભાઈ એ કહ્યું કે સ્વામીજી ભૂતકાળની ભૂલ ભૂલવાનો ઉપાય બતાવો! શહેરમાં ભણ્યો પણ બાપે ગામડાની છોકરી સાથે પરણાવ્યો! છોકરીમાં કોઈ ખોટ નહોતી! પણ મનમાં ગવાર છે, એવો એક પૂર્વગ્રહ હતો અને એટલે એની લાગણીને હંમેશા તરછોડતો રહ્યો! અને આમને આમ લગ્નને દસ વર્ષ પૂરાં થયાં! બે સંતાનો પણ થયાં, એણે એના ઉછેરમાં મન પરોવ્યું, પણ એક દિવસ ખૂબ તાવ આવ્યો અને એણે કંઇ કહ્યું નહીં! સારવાર મળી નહીં! અને અંદરથી જીવવાની કોઈ આશા પણ નહીં હોય એટલે જીવ થી ગઈ! પણ આજ સુધી એનાં મૃત્યુનું કારણ હું છું એ ડંખ જતો નથી! સ્વામીજીની આંખ નમ થઈ ગઈ! એણે કહ્યું વિતેલા સમયનો માત્ર અફસોસ કરવો એટલું પુરતું નથી, એનો પસ્તાવો અને પ્રાયશ્ચિત કરવું પણ જરૂરી છે. તમારી પત્ની ગવાર હતી! એને કારણે તમે એને દિલથી અપનાવી શક્યા નહીં! કોઈ બીજી એ રીતે જીંદગી ભર દુઃખી થાય નહીં, એની માટે તમે કંઈ કર્યું? તમારે હેસિયત પ્રમાણે બે પાંચ કન્યાઓને ભણાવવાની જવાબદારી લેવી જોઈએ, એ તમારું પ્રાયશ્ચિત છે! તમે તો શ્રીમંત છો એકાદ કન્યા શાળા પણ શરૂ કરી શકો.
માવજીભાઈ એ કહ્યું કે સ્વામીજી આજે તો ત્રણ ખેતર છે, અને છોકરાંવ પણ કહ્યામાં છે! પરંતુ વારંવાર વાતો કરતાં હોય છે, કે આ ખેતીમાં હવે જોઈએ એવી કોઈ ઉપજ નથી! જમીન વેચી એ રુપિયામાંથી શહેરમાં કોઈ ફેક્ટરી શરૂ કરીએ, તો વધુ નફો થાય! મને બીક છે કે, હું નહીં હોઉં ત્યારે કોઈ ખેતી નહીં કરે! અને આવતીકાલની ચિંતામાં મારી આજ અશાંત થઈ ગઈ છે! સ્વામીજી એ કહ્યું આ વર્ષે ખેતીમાં નફો થયો કે નુકશાન? એમણે કહ્યું કે ના આ વર્ષે તો ખૂબ રુપિયા છૂટ્યા! રોજ રાત્રે બધાં સૂઈ જાય પછી પત્ની સાથે આ નફાની વાત મોટે મોટેથી કરવી, અને કહેવું સારું થયું તારી સલાહથી એ વખતે જમીન વેચી નહીં! જો તો આજે એક માંથી ત્રણ ત્રણ ખેતર થયાં, અને ઘરમાં સોનું ચાંદી જેવાં જવેરાત પણ આવ્યાં! પણ આ વખતે એક ખેતર લેવું છે, ભગવાને ચાર દિકરાઓ આપ્યાં છે, અને ચારેયનો સરખો ભાગ થઈ જાય! આ જમીન છે તો, આપણા પેટ ભરાય છે, અને બીજા કેટલાયનાં ભરાતાં હશે! સરકારે નવી નિતીમાં જમીનમાં જુદા જુદા પાક લઈ જમીનને સમૃદ્ધ કરવાની સલાહ પણ આપવામાં આવે છે! અને ચોથા ખેતરમાં બાગાયતી ખેતી કરી, ફળ ફૂલ ઉગાડવા છે! એમાં તો રુપિયા રુપિયા જ છે! બસ એ લોકોમાં વધુ આવકનું સ્વપ્ન આજી દો એટલે તમારી ચિંતા દૂર!
નંદુ કે જે હજી માંડ માંડ પચ્ચીસ વર્ષ પૂરાં કર્યાં હશે! એણે કહ્યું સ્વામીજી આ વ્યસન છોડવું છે! સ્વામીજી એ કહ્યું કે વ્યસન માત્ર મજા આવે એ માટે કરે છે! કે પછી બીજું કંઈ કારણ છે? એ મૌન રહ્યો પછી કહ્યું કે શરૂ કર્યું, ત્યારે તો મજા માટે જ ! પણ પછી હવે..એક ભલી ભોળી સ્ત્રીને તારો પતિ તો તને પ્રેમ નથી કરતો, શહેરમાં એનું ચક્કર ચાલે છે, એમ લગ્નેતર સંબંધમાં ફસાવી! અને બે વર્ષ આ સંબંધ રહ્યો! હું તારી સાથે લગ્ન કરીશ એમ કરતો રહ્યો, એ સ્ત્રીએ મને પોતે મા બનવાની છે, એવાં સમાચાર આપ્યાં! હકીકતમાં તેનો પતિ છ મહિનાથી આવ્યો જ ન્હોતો, છતાં મેં એને કહ્યું કે આમ કોઈનું પાપ મારે માથે ચડાવતાં તને શરમ નથી આવતી? અને એને ખબર પડી ગઈ, એ છેતરાઈ ગઈ છે! પોતાનાં પતિને શું મોઢું બતાવશે ? એમ એણે આત્મહત્યા કરી લીધી! એ સ્ત્રી ખૂબ જ સંસ્કારી હતી અને એનો પતિ પણ સારો હતો! પણ મારે કારણે… સ્વામીજી એ કહ્યું કે તારે કારણે એક નહીં બે જીવ મર્યા! બેવડું પ્રાયશ્ચિત કરવું પડશે! બસ આવી જ કોઈ સ્ત્રી કે જેને પ્રેમમાં ધોખો મળ્યો! અને એ પણ પેટથી હોય એવી સ્ત્રી સાથે લગ્ન કરી એનાં બાળકને નામ આપી, એ બંનેને સહારો આપી સુખી કર! પછી તને વ્યસનની જરુર નહીં પડે!
સ્વામીજી પોતાના સદગુરુની સમાધિ પાસે આવીને બેસી ગયાં, અને એની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી! એને એનો ભૂતકાળ યાદ આવી ગયો, કે પોતે એક સંસારી હતાં. પણ ત્યારે એ બોલાવામાં ખામી હતી એટલે કોઈ પરણતુ નહોતું.એક દિવસ ઘરમાં ખૂબ તોડફોડ કરી, અને શું મને કોઈ પ્રેમ નથી કરતું?; એમ રાડો પાડીને સળગી મરીશ એમ કરી ચૂલામાંથી એક લાકડું ખેંચ્યું! અને આમતેમ દોડવાં લાગ્યો, એમાં ઘરમાં રાખેલા છાણાંમાં સળગતું લાકડું અડી ગયું હશે. પોતે તો બહાર નીકળી ગયા,પણ ધીરેધીરે આગ ભડકી અને સૂતેલા માતાપિતા એમાં ભડથું થઈ ગયા! અરરરર.. મેં આ શું કરી નાખ્યું! અંતરની આગ એને જીવવા દેતી નહોતી, અને આત્મ હત્યા કરવા માટે ગયા. બસ નીચે પડવાની તૈયારી જ હતી ત્યાં, હું છું ને! તને ખૂબ પ્રેમ કરીશ, એવો એક અવાજ સંભળાયો, અને પાછું ફરીને જોયું તો મરક મરક હસતાં એક સ્વામીજી ઉભા હતાં, અને બસ એમની સાથે ચાલી નીકળ્યો, અને સ્વામીજીએ શિવાનંદ નામ આપ્યું, અને પછી શરૂ થઈ આ સંન્યાસ યાત્રા. મારા સમર્થ સદગુરુ ભગવાન યોગેશ્વર સ્વામીજી એ મને કહ્યું કે એક નહીં, આખું ગામ તને પ્રેમ કરશે! પણ એ પહેલાં તારે પણ એમને પ્રેમ કરવો પડશે! અને પ્રેમમાં લેવાનું નહીં દેવાનું હોય! એમની સમસ્યાઓ લઈ સુખ દેવાની તૈયારી હોય તો પ્રેમ પાકે જ! પણ ખેતરમાં જેમ પાકને પાકતાં વાર લાગે, એમ સમય લાગે! અને સૌને પ્રેમ કરવાનું શરૂ કર્યું! સ્વામીજીની એક આંખમાં પશ્ચાતાપનાં આંસુ હતાં તો બીજી આંખમાં ખુશીનાં, કે આજે હવે ફસલ પાકી હોય એવું લાગે છે.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
