
સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ; તબીબી ઉત્કૃષ્ટતા સાથે કોમી એકતા અને માનવતાનું પ્રેરણાદાયી ઉદાહરણ
અમદાવાદ, 13 ઓગસ્ટ 2026: સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદે સફળતાપૂર્વક તેનું પ્રથમ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કરીને અંતિમ અવસ્થાની કિડની બીમારીથી પીડિત દર્દીઓને નવી જિંદગી આપી છે. વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ)ના અવસરે આ ઘટના માનવતા, વિશ્વાસ અને સામાજિક સમરસતાનો શક્તિશાળી સંદેશ આપે છે.
આ અનોખા ટ્રાન્સપ્લાન્ટમાં એક હિંદુ મહિલાએ મુસ્લિમ દર્દીને પોતાની કિડની દાન કરી, જ્યારે એક મુસ્લિમ મહિલાએ હિંદુ દર્દીને પોતાની કિડની દાન કરી. આ અસાધારણ કિડની વિનિમય માત્ર તબીબી સિદ્ધિ જ નહીં પરંતુ ધર્મથી ઉપર ઉઠીને માનવજીવન બચાવવાની ભાવનાનું જીવંત ઉદાહરણ બની રહ્યો છે.
યોગ્ય મેચિંગ બાદ બંને પરિવારોને સંપૂર્ણ માર્ગદર્શન અને કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું. તમામ પાસાઓ સમજીને બંને પરિવારો આ અનોખા કિડની સ્વેપ માટે સંમત થયા હતા.
9 જુલાઈ, 2026ના રોજ બંને ટ્રાન્સપ્લાન્ટ એકસાથે કરવામાં આવ્યા હતા. આ જટિલ પ્રક્રિયા માટે અત્યંત સુનિયોજિત આયોજન, સચોટ સંકલન અને બહુવિધ વિશેષજ્ઞોની ટીમવર્કની જરૂર હતી. સમગ્ર ટ્રાન્સપ્લાન્ટ ટીમનું નેતૃત્વ ડૉ. સોનલ દલાલ, ડૉ. જાવેદ વકીલ, ડૉ. કેતન શુક્લા, ડૉ. હિમાંશુ પટેલ અને ડૉ. ભાવિન મહેતાલિયા દ્વારા, ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર શ્રી રાહિલ શાહના સંકલન અને સહયોગથી આ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.
ટ્રાન્સપ્લાન્ટ બાદ બંને દર્દીઓની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. હોસ્પિટલમાંથી રજા આપતી વખતે બંને દર્દીઓના સીરમ ક્રિએટિનિનનું સ્તર અનુક્રમે 1.26 mg/dL અને 1.30 mg/dL હતું, જે કિડનીની સારી કામગીરી દર્શાવે છે. બંને દાતાઓ પણ સંપૂર્ણપણે સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 18 જુલાઈ, 2026ના રોજ તમામ દર્દીઓ અને દાતાઓને સફળતાપૂર્વક હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
આ સિદ્ધિ અંગે વાત કરતાં ડૉ. સુધીર મોરાડ, ક્લિનિકલ સુપરિન્ટેન્ડન્ટ, સ્ટર્લિંગ હોસ્પિટલ, જણાવ્યું હતું “આ સિદ્ધિ માત્ર એક જટિલ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાની સફળતા નથી, પરંતુ તેનાથી ઘણું વધારે છે. જ્યારે કોઈ દાતા તબીબી અસંગતતાના કારણે પોતાના સ્વજનને સીધી કિડની આપી શકતો નથી ત્યારે કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓને જીવનની બીજી તક આપે છે. આ સમગ્ર પ્રક્રિયાને ખાસ બનાવે છે દાતાઓ અને તેમના પરિવારજનો દ્વારા દર્શાવવામાં આવેલી કરુણા, વિશ્વાસ અને સામાજિક સમરસતાની ભાવના. અદ્યતન તબીબી કુશળતા, વિવિધ નિષ્ણાતોની ટીમ અને માનવતાભર્યા અભિગમ દ્વારા વધુને વધુ દર્દીઓને સ્વસ્થ જીવન તરફ આગળ વધારવામાં અમને ગર્વ છે.”
આ અનોખો કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ માત્ર તબીબી ક્ષેત્રની સફળતા નથી, પરંતુ તે સમાજને એક શક્તિશાળી સંદેશ પણ આપે છે કે માનવતા, કરુણા અને જીવન બચાવવાની ઇચ્છા ધર્મથી ઉપર છે.
