
ગ્રીન એનર્જી ક્ષેત્ર પર કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સોલ્ફિન સસ્ટેનેબલ ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ (‘સોલ્ફિન’)એ આજે હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પોતાની પર્ફોમન્સ-લિંક્ડ લીઝ (પીએલએલ) લૉન્ચ કરી હતી. આ સુવિધા હેઠળનો પ્રથમ પ્રોજેક્ટ વારી એનર્જીઝ અને ધી બ્રાઇટક્યૂ સોલ્યુશન્સની મદદથી ધી સુખજિત સ્ટાર્ચ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (‘સુખજિત’) માટે કાર્યરત થયો છે. સુખજિત સ્ટાર્ચ સંબંધિત કેમિકલ્સ તથા વિવિધ આડ-પેદાશોની અગ્રણી ઉત્પાદક છે અને તે વિવિધ પ્રકારના ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી કરે છે.
પીએલએલની મદદથી કૉમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ (સી એન્ડ આઈ) બિઝનેસિસ ઓછામાં ઓછા પ્રારંભિક મૂડીરોકાણ સાથે સોલર અપનાવી શકે છે. ગ્રાહકો સિસ્ટમ દ્વારા ઉત્પન્ન થતી વીજળીના પ્રમાણ મુજબ ચૂકવણી કરે છે, જ્યારે સોલ્ફિન સિસ્ટમની કામગીરી અને જાળવણીની જવાબદારી સંભાળે છે.
આ પ્રોજેક્ટમાં સોલ્ફિન ફાઇનાન્સરની ભૂમિકા ભજવે છે, જ્યારે વારી એનર્જીઝ લિમિટેડ ટેકનોલોજી પૂરી પાડી રહી છે અને ધી બ્રાઇટક્યૂ સોલ્યુશન્સ એન્જિનીયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (ઇપીસી) પાર્ટનર તરીકે જોડાયેલી છે.
ધી સુખજિત સ્ટાર્ચ એન્ડ કેમિકલ્સ લિમિટેડના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ – ઑપરેશન્સ શ્રી પુનીત સરદાનાએ જણાવ્યું હતું કે, ‘પર્ફોમન્સ-લિંક્ડ મોડેલે અમને મોટા પાયે પ્રારંભિક મૂડીરોકાણ કર્યા વિના સૌર ઊર્જાના ઉપયોગને વિસ્તારવામાં મદદ કરી છે. આ સાથે જ, વીજળીનું ઉત્પાદન અને જાળવણી સંબંધિત જોખમો લેવાની જરૂરિયાત પણ રહી નથી. પર્યાવરણને અનુકૂળ ઉકેલ દ્વારા વીજળીનું કાર્યક્ષમ રીતે વ્યવસ્થાપન કરવું એ સુખજિત માટે મહત્વની પ્રાથમિકતા રહ્યું છે. આ પહેલ માટે સોલ્ફિન અને વારી સાથે ભાગીદારી કરતાં અમને આનંદ થઈ રહ્યો છે.’
ધી બ્રાઇટક્યૂ સોલ્યુશન્સના ડિરેક્ટર અને સીઈઓ શ્રી ગૌરવ અરોરાએ જણાવ્યું હતું કે, ‘અમને એ જણાવતા ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે કે, સુખજિતના પરિસરમાં સોલર પાવર પ્રોજેક્ટનું સફળતાપૂર્વક ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે અને આ પ્રોજેક્ટ કાર્યરત પણ થઈ ગયો છે. આ પ્રોજેક્ટ ધી બ્રાઇટક્યૂ સોલ્યુશન્સ (ઇપીસી પાર્ટનર), સોલ્ફિન (ફાઇનાન્સર) અને વારી (ટેકનોલોજી પ્રોવાઇડર) વચ્ચેના વ્યૂહાત્મક સહયોગથી સાકાર થયો છે.
પીએલએલ કેવી રીતે કામ કરે છે
પરંપરાગત સોલર લૉનમાં ફિક્સ ઇએમઆઈ ચૂકવવા પડે છે. પીએલએલ હેઠળ ગ્રાહક દ્વારા કરવામાં આવતી ચૂકવણી સીધી સિસ્ટમ દ્વારા ઉત્પન્ન થતી વીજળીના પ્રમાણ સાથે જોડાયેલી હોય છે. સોલ્ફિન 10 વર્ષ સુધીની લીઝની મુદત આપે છે પરંતુ બચતનો લાભ મેળવવા માટે ગ્રાહકોએ લીઝની મુદત પૂરી થવાની રાહ જોવી પડતી નથી. વીજળી પાછળના ખર્ચમાં થતી બચત લીઝની ચૂકવણી કરતાં પણ વધુ હોય છે અને ગ્રાહકોને ઝડપી થતાં ઘસારાને કારણે થતી કરવેરાની બચતનો પણ લાભ મળે છે. લીઝની મુદત પૂરી થયા બાદ સિસ્ટમની માલિકી ગ્રાહકને સોંપવામાં આવે છે અને ત્યાર બાદ સિસ્ટમથી થતી સંપૂર્ણ બચતનો લાભ તેમને જ મળે છે.
પીએલએલને મોટા પાયે કૉમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ (સી એન્ડ આઈ) સોલર ઇન્સ્ટોલેશન માટે તૈયાર કરવામાં આવી છે. તે વિવિધ વ્યવસાયોને લાંબાગાળાના પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ્સ (પીપીએ) અને કૅપેક્સ પ્રોજેક્ટ્સનો પણ વિકલ્પ પૂરો પાડે છે.
સોલ્ફિનના સેલ્સ હેડ શ્રી કુણાલ કુબાએ જણાવ્યું હતું કે, ‘સુખજિતનો પ્રોજેક્ટ દર્શાવે છે કે, મોટા પાયે પ્રારંભિક કૅપેક્સ કર્યા વિના અને લાંબાગાળાના પાવર કૉન્ટ્રાક્ટ વિના પર્ફોમન્સના આધારે સોલરની કિંમત નક્કી કરતું મોડેલ કેટલું આકર્ષક બની શકે છે. અમે ઔદ્યોગિક બજારોમાં પીએલએલનો વ્યાપ વધારવાની યોજના બનાવી રહ્યાં છીએ.’
સોલ્ફિન ભારતના ઔદ્યોગિક ક્લસ્ટર્સમાં પીએલએલનો વ્યાપ વધારવાની યોજના ધરાવે છે, જેની શરૂઆત દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં વીજળીનો વપરાશ કરનારા બિઝનેસથી કરવામાં આવશે.
